શું યહોવાના સાક્ષીઓ જૂના કરારમાં માને છે?
હા. યહોવાના સાક્ષીઓ માને છે કે આખું બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને ઉપયોગી છે.’ (૨ તિમોથી ૩:૧૬) લોકો જેને જૂનો કરાર અને નવો કરાર કહે છે, એ બંનેનો બાઇબલમાં સમાવેશ થાય છે. યહોવાના સાક્ષીઓ બાઇબલના એ ભાગોને હિબ્રૂ શાસ્ત્રવચનો અને ગ્રીક શાસ્ત્રવચનો તરીકે ઓળખે છે. જેથી, લોકોને એમ ન લાગે કે બાઇબલના કેટલાક ભાગો જૂના-પુરાણા થઈ ગયા છે અથવા કંઈ મહત્ત્વના નથી.
ઈશ્વરભક્તો માટે જૂનો અને નવો કરાર બંને કેમ મહત્ત્વના છે?
ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત પાઊલે લખ્યું હતું: “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું.” (રોમનો ૧૫:૪) આમ, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં પણ આપણા માટે મહત્ત્વની માહિતી છે. એમાં મહત્ત્વનો ઇતિહાસ અને આપણને મદદ કરે એવી ઘણી સલાહ છે.
મહત્ત્વનો ઇતિહાસ. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં માણસના સર્જન અને માણસોમાં આવેલી પાપની અસર વિશે વિગતવાર માહિતી છે. એ માહિતી વગર આ સવાલોના સંતોષકારક જવાબ મેળવવા અઘરા છે: આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણે કેમ મરણ પામીએ છીએ? (ઉત્પત્તિ ૨:૭, ૧૭) ઉપરાંત, હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એ પણ જણાવેલું છે કે આપણી જેમ સુખ-દુઃખનો સામનો કરી રહેલા લોકો સાથે ઈશ્વર યહોવા કઈ રીતે વર્ત્યા હતા.—યાકૂબ ૫:૧૭.
આપણને મદદ કરતી સલાહ. બાઇબલમાં આપેલા નીતિવચનો અને સભાશિક્ષકના પુસ્તકમાં જીવન માટે મહત્ત્વની સલાહ આપેલી છે, જે ક્યારેય જૂની થતી નથી. એ બે પુસ્તકો હિબ્રૂ શાસ્ત્રવચનોનો ભાગ છે. એમાં સુખી કુટુંબ વિશે (નીતિવચનો ૧૫:૧૭), નોકરી-ધંધા માટે યોગ્ય દૃષ્ટિ રાખવા વિશે (નીતિવચનો ૧૦:૪; સભાશિક્ષક ૪:૬), યુવાનીમાં ખુશી મળે એવાં કામ કરવા વિશે (સભાશિક્ષક ૧૧:૯-૧૨:૧) સલાહ આપેલી છે.
ઉપરાંત, બાઇબલના પહેલા પાંચ પુસ્તકોમાં (તોરાહ) મુસાનું નિયમશાસ્ત્ર છે, જેનો અભ્યાસ કરવાથી આપણને ફાયદો થાય છે. જોકે, એ નિયમો આજે ખ્રિસ્તીઓને લાગુ પડતા નથી, પણ એમાં આપેલા મહત્ત્વના સિદ્ધાંતો અમલમાં મૂકવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે.—લેવીય ૧૯:૧૮; પુનર્નિયમ ૬:૫-૭.