સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું

ઈસુ મસીહ જેમના વિશે ઈશ્વરે વચન આપ્યું હતું

મસીહ કોણ છે? તેમને ઓળખવા માટે યહોવાએ અનેક પયગંબરોને પુષ્કળ માહિતી આપી. તેઓએ એ બાઇબલમાં લખી લીધી હતી. જેમ કે મસીહનો જન્મ; તે કેવાં કામો કરશે; અને તેમના મરણ વખતે શું થશે. મસીહ વિશે જે કંઈ કહેવામાં આવ્યું હતું, એ બધુંય ઈસુ ખ્રિસ્તમાં પૂરું થયું. મસીહ વિશેનાં વચનોમાં જણાવેલી રજેરજ માહિતી ચોક્કસ પૂરી થઈ. એ જોઈને આપણી શ્રદ્ધા વધે છે. ચાલો આપણે મસીહના જન્મ અને તેમના બાળપણના અમુક બનાવો પર વિચાર કરીએ. ઈસુ ધરતી પર આવ્યા, એની સદીઓ પહેલાં એ લખવામાં આવ્યા હતા.

યશાયાએ જણાવ્યું કે રાજા દાઉદના વંશમાંથી મસીહનો જન્મ થશે. (યશાયા ૯:૭) એ સાચું પડ્યું. ઈસુનો જન્મ દાઉદના વંશમાં જ થયો.—માથ્થી ૧:૧, ૬-૧૭.

મીખાહ પયગંબરે લખ્યું કે આપણા મુક્તિદાતા ‘બેથલેહેમ એફ્રાથામાં’ જન્મ લેશે અને તે રાજા બનશે. (મીખાહ ૫:૨) ઈસુના જન્મ વખતે ઇઝરાયલમાં બેથલેહેમ નામનાં બે ગામડાં હતાં. એક દેશની ઉત્તરે નાઝરેથ નજીક આવેલું હતું. બીજું, યહુદાહના યરુશાલેમ નજીક આવેલું હતું. યરુશાલેમ નજીક આવેલા બેથલેહેમનું નામ પહેલાં એફ્રાથા હતું. યહોવાએ જે વર્ષો પહેલાં લખાવ્યું હતું, એ સો ટકા સાચું પડ્યું. ઈસુનો જન્મ એ જ ગામમાં થયો!—માથ્થી ૨:૧.

બીજું એક વચન જણાવે છે કે ઈશ્વરના પુત્રને ‘મિસર’ એટલે આજના ઇજિપ્તમાંથી બોલાવવામાં આવશે. નાનકડા ઈસુને મિસર લઈ જવાયા હતા. પણ રાજા હેરોદના મરણ પછી ઈસુને પાછા ઇઝરાયલ લાવવામાં આવ્યા. આમ ઈશ્વરનું એ વચન પણ સાચું પડ્યું.—હોશિયા ૧૧:૧; માથ્થી ૨:૧૫.

 પાન ૨૦૦ ઉપર એક ચાર્ટ આપેલો છે. એમાં ‘ભવિષ્યવચન’ નીચે આપેલી કલમો મસીહ વિશે જણાવે છે. એને ‘પૂરું થયું’ નીચેની કલમો સાથે સરખાવો. મસીહ વિશેનાં સર્વ વચનોને પૂરાં થયેલાં જોઈને, તમને પૂરી ખાતરી થશે કે બાઇબલ ઈશ્વરની વાણી છે.

ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, ચાર્ટમાં આપેલાં વચનો લખવામાં આવ્યાં હતાં. ઈસુએ કહ્યું: ‘મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પયગંબરોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા વિશે જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.’ (લૂક ૨૪:૪૪) બાઇબલ બતાવે છે તેમ, એ વચનોની ઝીણામાં ઝીણી માહિતી પૂરી થઈ!