લૂક ૧૨:૧-૫૯

  • ફરોશીઓનું ખમીર (૧-૩)

  • ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૪-૭)

  • ખ્રિસ્તનો સ્વીકાર કરનારા (૮-૧૨)

  • મૂર્ખ ધનવાન માણસનું ઉદાહરણ (૧૩-૨૧)

  • ચિંતા કરવાનું બંધ કરો (૨૨-૩૪)

    • નાની ટોળી (૩૨)

  • તૈયાર રહેવું (૩૫-૪૦)

  • વિશ્વાસુ ચાકર અને અવિશ્વાસુ ચાકર (૪૧-૪૮)

  • શાંતિ નહિ, પણ ભાગલા (૪૯-૫૩)

  • સમય પારખવો જોઈએ (૫૪-૫૬)

  • સુલેહ-શાંતિ કરવી (૫૭-૫૯)

૧૨  એ સમયે હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું. અરે, તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. ઈસુ પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “ફરોશીઓના ખમીરથી,* એટલે કે ઢોંગથી સાવચેત રહો.+  એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ ૩  તમે જે અંધારામાં કહો છો એ અજવાળામાં સંભળાશે. તમે જે ઘરના અંદરના ઓરડાઓમાં ધીમેથી કહો છો, એ છાપરે ચઢીને જાહેર કરવામાં આવશે. ૪  મારા મિત્રો,+ હું તમને કહું છું કે જેઓ તમને મારી નાખી શકે છે અને વધારે કંઈ કરી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ ૫  પણ હું તમને કહું કે કોનાથી ડરવું જોઈએ: મારી નાખ્યા પછી ગેહેન્‍નામાં*+ નાખી દેવાનો જેમની પાસે અધિકાર છે, તેમનાથી ડરો. હા, હું તમને જણાવું છું કે તેમનાથી ડરો.+ ૬  શું પાંચ ચકલીઓ બે પૈસે* વેચાતી નથી? તોપણ એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી.*+ ૭  તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.+ બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.+ ૮  “હું તમને કહું છું, લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર માણસનો દીકરો પણ ઈશ્વરના દૂતો આગળ કરશે.+ ૯  પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ ઈશ્વરના દૂતો આગળ ઓળખવાની ના પાડીશ.+ ૧૦  જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ કરવામાં આવશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે.+ ૧૧  તેઓ તમને લોકોનાં ટોળાં,* સરકારી અધિકારીઓ અને શાસકો સામે લાવશે. એ સમયે ચિંતા ન કરતા કે પોતાનો બચાવ કઈ રીતે કરશો અથવા તમે શું કહેશો.+ ૧૨  તમારે શું કહેવું એ પવિત્ર શક્તિ તમને એ જ ઘડીએ શીખવશે.”+ ૧૩  પછી ટોળામાંથી કોઈએ કહ્યું: “ગુરુજી, મારા ભાઈને કહો કે મારી સાથે વારસો વહેંચે.” ૧૪  ઈસુએ તેને કહ્યું: “તમારા બે પર મને કોણે ન્યાયાધીશ કે પંચ ઠરાવ્યો છે?” ૧૫  તેમણે લોકોને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો અને દરેક પ્રકારના લોભથી* સાવધાન રહો.+ ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”+ ૧૬  પછી તેમણે એક ઉદાહરણ આપ્યું: “એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ. ૧૭  તે વિચારવા લાગ્યો: ‘હવે હું શું કરું, કેમ કે મારી પાસે અનાજ ભરવાની વધારે જગ્યા નથી?’ ૧૮  તેણે કહ્યું કે ‘હું આમ કરીશ:+ મારા કોઠારો તોડી નાખીશ અને એનાથી મોટા બંધાવીશ. ત્યાં હું મારું બધું અનાજ અને મારી વસ્તુઓ ભેગાં કરીશ. ૧૯  હું પોતાને કહીશ: “મેં એટલી સારી સારી વસ્તુઓ ભેગી કરી છે કે વર્ષોનાં વર્ષો ચાલે. હવે હું આરામ કરીશ. ખાઈ-પીને જલસા કરીશ.”’ ૨૦  પણ ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજે રાતે તારું મરણ થશે. તો પછી તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’+ ૨૧  જે પોતાના માટે ધનદોલત ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી, તે પેલા માણસ જેવો છે.”+ ૨૨  પછી તેમણે શિષ્યોને કહ્યું: “હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ ૨૩  ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી છે. ૨૪  કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી. તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી. છતાં ઈશ્વર તેઓને ખાવાનું આપે છે.+ શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?+ ૨૫  તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે* પણ લંબાવી શકે છે? ૨૬  જો તમે આટલું પણ કરી નથી શકતા, તો પછી બાકીની ચીજો વિશે શું કામ ચિંતા કરો છો?+ ૨૭  ફૂલો કઈ રીતે ઊગે છે એનો વિચાર કરો: તેઓ નથી મજૂરી કરતાં કે નથી કાંતતાં. હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય.+ ૨૮  ખેતરનાં ફૂલછોડ જે આજે છે અને કાલે આગમાં નંખાય છે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે તમને વધારે સારાં કપડાં પહેરાવશે એમાં કોઈ જ શંકા નથી. ૨૯  તમે એ ચિંતામાં ડૂબી ન જાઓ કે શું ખાશો અને શું પીશો. તમે વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરો.+ ૩૦  એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. પણ તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.+ ૩૧  તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+ ૩૨  “ઓ નાની ટોળી,+ બીશો નહિ. તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.+ ૩૩  તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ. ૩૪  જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે. ૩૫  “તૈયાર રહો*+ અને તમારા દીવા સળગાવેલા રાખો.+ ૩૬  તમે એવા ચાકરો જેવા થાઓ, જેઓ પોતાના માલિકની રાહ જુએ છે કે તે ક્યારે લગ્‍નમાંથી+ પાછા આવે.+ એ માટે કે તે આવીને દરવાજો ખખડાવે ત્યારે, તેઓ તરત તેના માટે ખોલી શકે. ૩૭  એ ચાકરોને ધન્ય છે, જેઓનો માલિક તેઓને રાહ જોતા જુએ છે. હું સાચે જ કહું છું કે માલિક પોતે તેઓની સેવા કરવા માટે તૈયાર થશે. માલિક તેઓને જમવા બેસાડશે અને તેઓની પાસે ઊભા રહીને સેવા કરશે. ૩૮  જો તે બીજા પહોરે* આવે, અરે જો તે ત્રીજા પહોરે* આવે અને તેઓને તૈયાર જુએ, તો તેઓને ધન્ય છે! ૩૯  પણ તમે જાણો છો કે જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવવાનો છે, તો તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.+ ૪૦  તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.”+ ૪૧  પછી પિતરે પૂછ્યું: “માલિક, આ ઉદાહરણ તમે ફક્ત અમારા માટે કહો છો કે બધા માટે?” ૪૨  માલિક ઈસુએ પૂછ્યું: “વિશ્વાસુ અને સમજુ* ચાકર* કોણ છે, જેને તેનો માલિક ઘરના સેવકોની* જવાબદારી સોંપશે, જેથી એ ચાકર તેઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક આપતો રહે?+ ૪૩  એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! ૪૪  હું તમને સાચે જ જણાવું છું, માલિક પોતાની બધી માલ-મિલકતની જવાબદારી તેને સોંપશે. ૪૫  પણ ધારો કે એ ચાકર મનમાં વિચારે, ‘મારા માલિકને આવતા મોડું થાય છે.’ તે દાસ-દાસીઓને મારવા લાગે, ખાવા-પીવા અને દારૂડિયો થવા લાગે.+ ૪૬  એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે. તે તેને કડકમાં કડક સજા કરશે અને વિશ્વાસુ નથી એવા લોકો જેવા તેના હાલ કરશે. ૪૭  એ ચાકર પોતાના માલિકની ઇચ્છા સમજતો હતો, છતાં તૈયાર ન રહ્યો. તેણે માલિકના કહેવા પ્રમાણે* કર્યું ન હોવાથી તેને ઘણા ફટકા મારવામાં આવશે.+ ૪૮  પણ જે ચાકર માલિકની ઇચ્છા સમજતો ન હતો અને ફટકા ખાવા જેવાં કામો કર્યાં, તેને ઓછા ફટકા પડશે. જેને વધારે આપવામાં આવ્યું છે, તેની પાસેથી વધારે માંગવામાં આવશે. જેને વધારે જવાબદારી સોંપવામાં આવી છે, તેની પાસેથી પુષ્કળ માંગવામાં આવશે.+ ૪૯  “હું પૃથ્વી પર આગ લગાડવા આવ્યો છું. પણ આગ પહેલેથી લગાડી દેવામાં આવી હોય તો મને બીજું શું જોઈએ? ૫૦  મારે એક બાપ્તિસ્મા લેવાનું છે. એ લેવાય ન જાય ત્યાં સુધી, મારા મનમાં ભારે પીડા થશે!+ ૫૧  શું તમને લાગે છે કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું? ના, પણ હું તમને જણાવું છું કે હું ભાગલા પાડવા આવ્યો છું.+ ૫૨  હવેથી કુટુંબમાં ભાગલા પડશે. જો એમાં પાંચ લોકો હોય તો બેની વિરુદ્ધ ત્રણ અને ત્રણની વિરુદ્ધ બે. ૫૩  તેઓમાં ભાગલા પડશે, દીકરા વિરુદ્ધ પિતા, પિતા વિરુદ્ધ દીકરો, દીકરી વિરુદ્ધ મા, મા વિરુદ્ધ દીકરી, વહુ વિરુદ્ધ સાસુ અને સાસુ વિરુદ્ધ વહુ થશે.”+ ૫૪  પછી તેમણે લોકોને કહ્યું: “તમે પશ્ચિમમાં વાદળ ઘેરાતું જુઓ ત્યારે કહો છો, ‘વરસાદનું ભારે ઝાપટું પડશે’ અને એમ થાય છે. ૫૫  તમે દક્ષિણથી પવન વાતો જુઓ ત્યારે કહો છો, ‘લૂ વાશે’ અને એમ થાય છે. ૫૬  ઓ ઢોંગીઓ, હવામાન કેવું હશે એ તમે પારખી જાણો છો. પણ આ સમયે જે બને છે, એ તમે કેમ પારખતા નથી?+ ૫૭  તમે કેમ નક્કી નથી કરી શકતા કે ખરું શું છે? ૫૮  દાખલા તરીકે, તમારી વિરુદ્ધ ફરિયાદ કરનારની સાથે તમે અધિકારી પાસે જતા હોવ ત્યારે, રસ્તામાં જ તેની સાથે સુલેહ-શાંતિ કરી લો. એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે, ન્યાયાધીશ તમને અમલદારને સોંપી દે અને અમલદાર તમને કેદખાનામાં નાખે.+ ૫૯  હું તમને જણાવું છું કે તમે એકેએક પાઈ* ચૂકવી ન દો ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી.”

ફૂટનોટ

મૂળ, “બે અસારિયન.” એક અસારિયન ૪૫ મિનિટના કામની મજૂરી હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “ઈશ્વરની નજર બહાર રહેતી નથી.”
અથવા કદાચ, “સભાસ્થાનો.”
અથવા, “લાલચથી.”
અથવા, “એક હાથ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.
અથવા, “કમર કસો.”
એટલે કે, રાતના આશરે ૯:૦૦ વાગ્યાથી મધરાત સુધી.
એટલે કે, મધરાતથી સવારના આશરે ૩:૦૦ વાગ્યા સુધી.
અથવા, “શાણો.”
અથવા, “ઘરનો કારભારી.”
અથવા, “દાસ-દાસીઓની.”
અથવા, “માલિકની ઇચ્છા પ્રમાણે.”
મૂળ, “છેલ્લો લેપ્ટન.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.