શું તમે જાણો છો?
ઇઝરાયેલીઓ કેમ લગ્ન માટે કન્યાના કુટુંબને કિંમત ચૂકવતા હતા?
બાઇબલ સમયમાં એક છોકરા-છોકરીનું લગ્ન નક્કી થાય ત્યારે છોકરો અથવા તેનું કુટુંબ, છોકરીના કુટુંબને કન્યા માટે ઠરાવેલી કિંમત ચૂકવતું. એ કિંમત ચૂકવવા તેઓ કોઈ કીમતી વસ્તુ, પ્રાણી અથવા પૈસા આપતા. અમુક વખત એ કિંમત કન્યાના ઘરે ચાકરી કરીને ચૂકવવામાં આવતી. દાખલા તરીકે યાકૂબને રાહેલ સાથે લગ્ન કરવા હતા. એટલે તેમણે રાહેલના પિતાના ઘરે સાત વર્ષ સુધી ચાકરી કરી. (ઉત. ૨૯:૧૭, ૧૮, ૨૦) પણ એ રિવાજ કેમ પાળવામાં આવતો?
બાઇબલની વિદ્વાન કેરલ માયર્સ કહે છે, “કુટુંબમાં એક છોકરી ખેતીવાડીના કામમાં પિતાને મદદ કરતી. તેના લગ્ન પછી ઘરમાં કામ કરનાર એક વ્યક્તિની ખોટ પડતી. એટલે તેના કામની ભરપાઈ કરવા એ કિંમત ચૂકવવામાં આવતી.” એ રિવાજથી બંને કુટુંબોનો સંબંધ મજબૂત થતો. એ સંબંધને લીધે મુશ્કેલ સમયમાં તેઓ એકબીજાને મદદ કરતા. વધુમાં એ કિંમતથી સાબિતી મળતી કે છોકરીની સગાઈ થઈ ગઈ છે અને હવે તે પિતાની છત્રછાયા છોડીને પતિના ઘરે જવાની છે.
કન્યા માટે ઠરાવેલી કિંમત ચૂકવવાનો અર્થ એ ન હતો કે છોકરીને કોઈ વસ્તુ ગણવામાં આવે, જેને ખરીદી કે વેચી શકાય. એન્શીયન્ટ ઇઝરાયેલ—ઇટ્સ લાઈફ એન્ડ ઇન્સ્ટિટ્યૂશન્સ પુસ્તકમાં લખ્યું છે, “છોકરીના કુટુંબને એ કિંમત ચૂકવવાથી લોકોને એવું લાગે કે જાણે ઇઝરાયેલીઓનાં લગ્નમાં લે-વેચ થતી હોય. પણ એ [કિંમત] છોકરીના કુટુંબને વળતર તરીકે ચૂકવવામાં આવતી, નહિ કે છોકરી માટે.”
આજે પણ અમુક દેશોમાં એ રિવાજ પાળવામાં આવે છે. એ દેશોમાં યહોવાના સાક્ષી હોય એવાં માતા-પિતાએ “વાજબી” બનવું જોઈએ. (ફિલિ. ૪:૫; ૧ કોરીં. ૧૦:૩૨, ૩૩) તેઓએ વધારે પૈસાની માંગણી ન કરવી જોઈએ. એનાથી દેખાઈ આવશે કે તેઓ “પૈસાના પ્રેમી” કે લાલચુ નથી. (૨ તિમો. ૩:૨) જો કુટુંબ વધારે પૈસા માંગશે તો છોકરો એ રકમ ભેગી કરવા લગ્નની તારીખ પાછી ઠેલવી શકે. અથવા જો એ છોકરો પાયોનિયરીંગ કરતો હોય તો પાયોનિયરીંગ છોડીને પૂરા સમયની નોકરી કરવાનું તેના પર દબાણ આવી શકે.
અમુક દેશોમાં એ રિવાજ માટે કાયદા-કાનૂન છે. એવા સમયે યહોવાના સાક્ષી હોય એવાં માતા-પિતાએ એ નિયમો પાળવા જોઈએ. કેમ કે બાઇબલમાં લખ્યું છે કે “આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.” (રોમ. ૧૩:૧) આપણે એ બધા કાયદા-કાનૂન પાળવા જોઈએ, જે ઈશ્વરના સિદ્ધાંતોની વિરુદ્ધ ન હોય.—પ્રે.કા. ૫:૨૯.