ભવિષ્યવાણીઓ જે પૂરી થઈ
અગાઉ આપણે એ વાર્તા જોઈ ગયા કે ક્રિસસ ડેલ્ફીમાં થયેલી દેવવાણીથી છેતરાઈ ગયો અને ઈરાનના રાજા સામે લડાઈમાં હારી ગયો. બીજી બાજુ, બાઇબલમાં ઈરાનના રાજાને લગતી એક નોંધપાત્ર ભવિષ્યવાણી છે, જેની નાનામાં નાની વિગતો પૂરી થઈ હતી.
કોરેશ હજી જન્મ્યો પણ ન હતો એનાથી આશરે ૨૦૦ વર્ષો અગાઉ એક હિબ્રૂ ઈશ્વરભક્ત યશાયાએ કોરેશનું નામ લઈને ભવિષ્યવાણી કરી હતી કે તે શક્તિશાળી શહેર બાબેલોનને જીતી લેશે.
યશાયા ૪૪:૨૪, ૨૭, ૨૮: ‘યહોવા કહે છે, તે સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ. તે જ કોરેશ વિશે કહે છે કે તે મારો ઘેટાંપાળક છે, તે મારા બધા મનોરથો પૂરા કરશે. વળી તે યરૂશાલેમ વિશે કહે છે કે, તું ફરીથી બંધાઈશ; એના મંદિરનો પાયો નાખવામાં આવશે.’
ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસના જણાવ્યા પ્રમાણે, કોરેશે બાબેલોન શહેરમાંથી વહેતી યુફ્રેટિસ નદીના (ફ્રાત નદીના) પાણી વાળી દીધાં. કોરેશની આ યોજનાને લીધે તેનું સૈન્ય નદીમાંથી ચાલીને એ શહેરમાં ઘૂસી શક્યું. શહેરને જીતી લીધા પછી તેણે બાબેલોનમાંથી યહુદીઓને આઝાદ કર્યા. તેણે યહુદીઓને યરૂશાલેમ જવા દીધા, જેથી ૭૦ વર્ષો પહેલાં નાશ પામેલા એ શહેરને તેઓ ફરીથી બાંધી શકે.
યશાયા ૪૫:૧: “યહોવા કહે છે, કે કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમર ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ઉઘાડવામાં આવશે, ને ભાગળો બંધ કરવામાં આવશે નહિ.”
ઈરાની સૈનિકો શહેર ફરતેની મજબૂત દીવાલના મોટા દરવાજામાંથી શહેરમાં ઘૂસી ગયા. એ દરવાજા બેદરકારીથી ખુલ્લા રહી ગયા હતા. જો બાબેલોનીઓને ખબર હોત કે કોરેશ શું આયોજન કરી રહ્યો છે, તો તેઓએ નદી તરફના બધા દરવાજાઓ બંધ કરી દીધા હોત. પણ, સૈનિકો પ્રવેશ્યા ત્યારે શહેર તો સાવ રક્ષણ વગરનું હતું.
આ નોંધપાત્ર ભવિષ્યવાણી તો બાઇબલમાં આપેલી એવી ઘણી ભવિષ્યવાણીઓમાંની એક છે, જે અચૂક અને સચોટ રીતે પૂરી થઈ છે. a ખોટા દેવોને નામે માણસો જે આગાહીઓ કરે છે, બાઇબલની ભવિષ્યવાણીઓ તદ્દન જુદી છે. એ તો એવા ઈશ્વર તરફથી છે જે કહે છે, ‘આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું.’—યશાયા ૪૬:૧૦.
આવો દાવો તો ફક્ત સાચા ઈશ્વર, જેમનું નામ યહોવા છે, તે જ કરી શકે. અને તેમના નામનો અર્થ છે કે “તે શક્ય બનાવે છે.” તેમના નામનો અર્થ બતાવે છે કે આવનાર બનાવો જાણવાની અને એ બનાવોને પોતાની મરજી પ્રમાણે વાળવાની યહોવામાં શક્તિ છે. એ નામ એવી ખાતરી પણ આપે છે કે તેમણે જે જે વચન આપ્યું છે એ બધું પૂરું કરીને જ રહેશે.
આજે પૂરી થઈ રહેલી ભવિષ્યવાણીઓ
શું તમે જાણવા માંગો છો કે આપણા દિવસ વિશે બાઇબલની ભવિષ્યવાણીઓ શું કહે છે? આશરે બે હજાર વર્ષ પહેલાં, બાઇબલમાં ભાખવામાં આવ્યું હતું કે “છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” શાના છેલ્લા દિવસો? પૃથ્વી અથવા માનવજાતના નહિ, પરંતુ હજારો વર્ષોથી સતાવતાં લડાઈ-ઝઘડા, જુલમ અને દુઃખોના છેલ્લા દિવસો. ચાલો આપણે સાચી પડી રહેલી અમુક ભવિષ્યવાણીઓ જોઈએ, જે બતાવે છે કે આ ખરેખર “છેલ્લા દિવસો” છે.
૨ તિમોથી ૩:૧-૫: “છેલ્લા દિવસોમાં લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફૂલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા, ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા હશે.”
શું તમને નથી લાગતું કે આવું વર્તન આજના લોકોમાં વધી રહ્યું છે? તમે જોયું હશે કે આપણી આસપાસ એવા જ લોકો છે જે પોતાની વાહ વાહ કરે છે, પૈસાને પ્રેમ કરે છે અને ઘમંડથી ફુલાઈ ગયા છે. શું તમે જોઈ શકો છો કે લોકોની માગણીઓ વધતી જ જાય છે અને બીજાઓ સાથે સહમત થવાનો ગુણ સાવ મરી પરવાર્યો છે? તમે ચોક્કસ નોંધ્યું જ હશે કે હવે બાળકો માતા-પિતાનાં કહ્યામાં રહેતાં નથી. ઉપરાંત, આજે લોકો મોજશોખ અને એશઆરામને ઈશ્વર કરતાં વધારે પ્રેમ કરે છે. શું એ દેખીતું નથી કે દિવસે ને દિવસે એ વલણ વધતું જાય છે?
માથ્થી ૨૪:૬, ૭: ‘તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.’
કેટલાક અહેવાલ મુજબ, ૧૯૧૪થી યુદ્ધો અને બીજી લડાઈઓમાં મૃત્યુનો આંક ૧૦ કરોડને પાર કરી ગયો છે. કેટલી મોટી સંખ્યા! અરે, ઘણા દેશોની કુલ વસ્તી પણ એટલી નથી! કલ્પના કરો કે આટલી મોટી સંખ્યામાં માર્યા ગયેલા લોકોએ કેટલું દુઃખ, કેટલી પીડા સહેવી પડી હશે! શું દેશોએ પોતાની ભૂલોમાંથી બોધપાઠ લીધો છે? શું તેઓ યુદ્ધોનો અંત લાવ્યા છે?
માથ્થી ૨૪:૭: “દુકાળો પડશે.”
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જણાવે છે: ‘દુનિયાભરમાં એટલો ખોરાક ઉત્પન્ન કરવામાં આવે છે કે, બધા માટે પૂરતો થઈ રહે. તોપણ ૮૦ કરોડ કરતાં વધુ લોકો, એટલે કે દર નવમાંથી એક વ્યક્તિ હજુ પણ દરરોજ ખાલી પેટ સૂઈ જાય છે. ઉપરાંત, દર ત્રણમાંથી એક વ્યક્તિ કુપોષણનો શિકાર બને છે.’ એવો અંદાજ છે કે દર વર્ષે લગભગ ત્રીસ લાખ બાળકો ભૂખથી મરણ પામે છે.
લુક ૨૧:૧૧: “મોટા મોટા ધરતીકંપો થશે.”
દર વર્ષે, આશરે ૫૦,૦૦૦ જેટલા તીવ્ર ભૂકંપો થાય છે, જેને લોકો અનુભવી શકે છે. આશરે ૧૦૦ ભૂકંપો ઇમારતોને નુકસાન પહોંચે એટલા વિનાશક હોય છે. ઉપરાંત, દર વર્ષે ઓછામાં ઓછો એક મોટો ધરતીકંપ થાય છે. એક અંદાજ પ્રમાણે, વર્ષ ૧૯૭૫થી ૨૦૦૦ સુધી થયેલાં ભૂકંપોએ ૪,૭૧,૦૦૦ લોકોના જીવનનો ભોગ લીધો છે.
માથ્થી ૨૪:૧૪: ‘રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.’
આશરે ૮૦ લાખ કરતાં વધારે યહોવાના સાક્ષીઓ ધરતીને ખૂણે ખૂણે પહોંચીને પૂરા જોશથી પ્રચાર કરે છે. લગભગ ૨૪૦ દેશોમાં પ્રચાર કરવામાં આવ્યો છે. ભલે શહેરો હોય કે દૂરના ગામો, જંગલો હોય કે પર્વતો, બધે જ ઈશ્વરની ખુશખબર ફેલાવવામાં આવી રહી છે. ભવિષ્યવાણી જણાવે છે તેમ, જ્યારે આ કાર્ય પરમેશ્વર યહોવાની નજરે પૂરું થશે, ત્યારે “અંત આવશે.” એનો શો અર્થ થાય? એનો અર્થ થાય કે પૃથ્વી પર માનવ શાસનનો અંત આવશે અને ઈશ્વરના રાજ્યની શરૂઆત થશે. ઈશ્વરના રાજ્યમાં કયાં વચનો પૂરાં કરવામાં આવશે? એ જાણવા માટે આગળ વાંચો.
a “સચોટ ભવિષ્યવાણીનો મૂંગો સાક્ષી” લેખ જુઓ.