મુખ્ય વિષય | પોતાનું કોઈ ગુજરી જાય ત્યારે
શોકમાં ડૂબી જવું, એ કંઈ ખોટું નથી
શું તમે ક્યારેય ટૂંકી માંદગીમાં પટકાયા છો? કદાચ તમે એમાંથી જલદી સાજા થઈ ગયા હશો, એટલે એ દિવસો યાદ નહિ હોય. પણ, મરણનો શોક જલદી ભૂલાતો નથી. ડૉક્ટર એલેન વુલ્ફેટ પોતાના પુસ્તકમાં આમ લખે છે: ‘શોકમાંથી બહાર આવવું બહુ અઘરું છે. પણ, સમય વીતશે તેમ, બીજાઓનો સાથ એ દુઃખ હળવું કરશે.’—હિલીંગ અ સ્પાઉસીસ ગ્રીવીંગ હાર્ટ.
દાખલા તરીકે, ઈશ્વરભક્ત ઈબ્રાહીમના પત્ની ગુજરી ગયા ત્યારે તેમના પર શું વીત્યું એનો વિચાર કરો. શાસ્ત્ર જણાવે છે: ‘ઈબ્રાહીમ સારાહને માટે શોક કરવા લાગ્યા તથા તેમને માટે રડવા લાગ્યા.’ એમ લાગે છે કે ઈબ્રાહીમને શોકમાંથી બહાર આવતા થોડો સમય લાગ્યો હતો. * બીજો દાખલો યાકૂબનો છે. તેમને ખોટું કહેવામાં આવ્યું હતું કે તેમના દીકરા યુસફને જંગલી જાનવરે ફાડી ખાધો છે. તેમણે ‘ઘણા દિવસો’ સુધી શોક કર્યો અને કુટુંબનું કોઈ તેમને એ શોકમાંથી બહાર લાવી શક્યું નહિ. વર્ષો વીત્યા પછી પણ યુસફના મોતનું દુઃખ તે ભૂલી શક્યા નહિ.—ઉત્પત્તિ ૨૩:૨; ૩૭:૩૪, ૩૫; ૪૨:૩૬; ૪૫:૨૮.
આજે પણ ઘણા માટે ગુજરી જનારનું દુઃખ સહેવું અઘરું હોય છે. ચાલો બે દાખલા જોઈએ.
-
“જુલાઈ ૯, ૨૦૦૮ના રોજ મારા પતિ રોબર્ટ અકસ્માતમાં ગુજરી ગયા. તેમનો અકસ્માત થયો, એ સવાર બીજા દિવસોના જેવી જ હતી. રોજની જેમ, નોકરીએ જતા પહેલાં તેમણે મને ભેટીને ચુંબન કર્યું અને ‘આઈ લવ યુ’ કહ્યું. તેમના મરણને છ વર્ષ થઈ ગયા, પણ મારું દુઃખ હળવું થયું નથી. મને લાગતું નથી કે હું ક્યારેય રોબર્ટને ભૂલી શકીશ.”—ગેલ, ઉંમર ૬૦.
-
“મારી વહાલી પત્નીને ગુજરી ગયે ૧૮ વર્ષ થઈ ગયા. તોપણ, હું તેને યાદ કરું છું અને તેને ગુમાવવાનું દુઃખ મને હજુ પણ છે. કુદરતી સૌંદર્ય જોઉં ત્યારે મને તેની યાદ આવી જાય છે. હું વિચારવા લાગું છું કે આ જોઈને તે કેટલી ખુશ થઈ હોત.”—એટ્યેન, ઉંમર ૮૪.
આ દાખલાઓ બતાવે છે કે વહાલી વ્યક્તિને ગુમાવવાનું દુઃખ ભૂલતા સમય લાગે છે અને એવું થવું સામાન્ય છે. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે દુઃખ વ્યક્ત કરે છે. એટલે, આપણે એમ ન વિચારવું જોઈએ કે તેઓ કેમ આ રીતે વર્તે છે. જો આપણને પણ એમ લાગતું હોય કે આપણે મરણના શોકમાં સાવ ડૂબી ગયા છીએ, તો એ માટે પોતાનો વાંક ન કાઢવો જોઈએ. આપણે કઈ રીતે એ દુઃખ સહી શકીએ? (wp16-E No. 3)
^ ફકરો. 4 ઈબ્રાહીમના દીકરા ઈસ્હાકને પણ શોકમાંથી બહાર આવતા સમય લાગ્યો. સારાહના મરણને ત્રણ વર્ષ વીતી ચૂક્યા હતા, તોપણ ઈબ્રાહીમના દીકરા ઈસ્હાક શોકમાંથી બહાર આવ્યા ન હતા.—ઉત્પત્તિ ૨૪:૬૭.