સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારું ભવિષ્ય ખરેખર શાનાથી નક્કી થાય છે?

તમારું ભવિષ્ય ખરેખર શાનાથી નક્કી થાય છે?

અમુક લોકો માને છે કે કોઈક શક્તિ છે અને તેઓનું જીવન એના કાબૂમાં છે. એટલે તેઓ નસીબ કે ભાગ્ય પર ભરોસો રાખે છે. એ માટે તેઓ અમુક માન્યતાઓમાં માને છે, જેથી તેઓનું ભલું થાય.

લોકોની માન્યતાઓ

જ્યોતિષવિદ્યા: અમુક લોકો માને છે કે તેઓના જન્મ વખતે ગ્રહ-તારાઓની જે સ્થિતિ હોય છે, એના આધારે તેઓનું ભવિષ્ય નક્કી થાય છે. એટલે તેઓ ભવિષ્ય જાણવા જ્યોતિષીઓ પાસે જાય છે અથવા તો ન્યૂઝપેપરમાં રાશિ જુએ છે. પછી એ પ્રમાણે પગલાં ભરે છે, જેથી તેઓને સફળતા મળે અને તેઓ સાથે કોઈ ખરાબ બનાવ ન બને.

વાસ્તુ શાસ્ત્ર: ઘણા લોકોનું માનવું છે કે જો તેઓ વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે ઘર બનાવશે, તો તેઓનાં ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવશે. *

પૂર્વજોની પૂજા: અમુક લોકો એવા પણ છે જેઓ પૂર્વજોની પૂજા કરે છે, જેથી પૂર્વજો તેઓનું રક્ષણ કરે અને આશીર્વાદ આપે. વિયેતનામમાં રહેતી વન * નામની સ્ત્રી કહે છે, “હું માનતી હતી કે એ બધું કરવાથી મારું અને મારાં બાળકોનું જીવન સુખી થશે.”

પુનર્જન્મ: ઘણા લોકોનું માનવું છે કે વ્યક્તિ ગુજરી જાય, પછી તેનો ફરીથી જન્મ થાય છે અને એ ચક્ર ચાલ્યા જ કરે છે. તેઓ એમ પણ માને છે કે આપણે આ જન્મમાં જે સુખ-દુઃખ ભોગવીએ છીએ, એ તો પાછલાં જન્મનાં કર્મોનું ફળ છે.

ઘણા લોકો માને છે કે આ અંધશ્રદ્ધા છે. તોપણ તેઓ રાશિ જુએ છે, હાથ જોવડાવે છે, જન્મકુંડળી બનાવડાવે છે કે પોપટ પાસેથી પત્તાં કઢાવીને ભવિષ્ય જોવડાવે છે. તેઓને લાગે છે કે આ બધું કરવાથી કદાચ તેઓ પોતાનું ભવિષ્ય જાણી શકશે.

શું લોકોને એનાથી ફાયદો થયો?

જે લોકો એ બધું માને છે, શું તેઓ ખુશ છે? શું તેઓ સફળ થયા છે?

હાઉ વિયેતનામમાં રહે છે. તે ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પૂર્વજોની પૂજા કરતા હતા. તેમણે જ્યોતિષવિદ્યા અને ફેંગશુઈને પણ અજમાવી જોયાં. તે કહે છે, “મેં એ બધું કરીને જોયું તોપણ ધંધામાં કંઈ ફાયદો થયો નહિ, પણ હું દેવામાં ડૂબી ગયો. મારા ઘરમાં ઝઘડા થવા લાગ્યા અને હું નિરાશામાં ડૂબી ગયો.”

ચોમેંગ તાઇવાનમાં રહે છે. તે પૂર્વજોની પૂજા કરતા હતા. તે જ્યોતિષવિદ્યા, પુનર્જન્મ, ફેંગશુઈ અને નસીબ જેવી બાબતોમાં માનતા હતા. પછી તેમણે એ બધી માન્યતાઓ પર ઊંડો વિચાર કર્યો અને કહ્યું, “મને અહેસાસ થયો કે એ માન્યતાઓ તો એકબીજા સાથે મેળ ખાતી નથી. કોઈ આમ કરવાનું કહે છે તો કોઈ તેમ કરવાનું કહે છે, ખબર જ ન પડે કે શું કરવું. મેં ઘણી વાર જોયું છે કે જ્યોતિષીઓ જે કહે છે તે કંઈ હંમેશાં સાચું પડતું નથી. પુનર્જન્મની વાત કરીએ તો આપણને એ યાદ હોતું નથી કે ગયા જન્મમાં આપણાથી કઈ ભૂલ થઈ હતી. જો એ ભૂલ યાદ જ ના હોય તો પોતાનામાં કઈ રીતે સુધારો કરી શકીએ, જેથી બીજા જન્મમાં સારું જીવન મળે?”

“મને અહેસાસ થયો કે એ માન્યતાઓ તો એકબીજા સાથે મેળ ખાતી નથી. કોઈ આમ કરવાનું કહે છે તો કોઈ તેમ કરવાનું કહે છે, ખબર જ ન પડે કે શું કરવું.”—ચોમેંગ, તાઇવાન

હાઉ, ચોમેંગ અને તેઓના જેવા બીજા ઘણા લોકો છેવટે કયા નિર્ણય પર આવ્યા? એ જ કે નસીબ જેવું કંઈ હોતું નથી. પૂર્વજોની પૂજા કરવાથી, પુનર્જન્મમાં માનવાથી કે ગ્રહ-તારાઓથી આપણું ભવિષ્ય નક્કી થતું નથી. તો પછી જીવન સુખી બનાવવા આપણે કંઈ નહિ કરી શકીએ? શું એ આપણા હાથમાં નથી?

ઘણા લોકોને લાગે છે કે જો તેઓ ખૂબ ભણશે અને બહુ પૈસા કમાશે તો તેઓ આરામથી જીવશે. પણ શું ખરેખર એવું છે? ચાલો અમુક લોકોનો અનુભવ જોઈએ, જેઓને પહેલાં એવું જ લાગતું હતું.

^ ફકરો. 5 ચીન અને એશિયાના ઘણા દેશોમાં લોકો આવું જ કંઈક માને છે, જેને ફેંગશુઈ કહેવામાં આવે છે.

^ ફકરો. 6 આ લેખમાં અને એના પછીના લેખોમાં અમુક નામ બદલ્યાં છે.

^ ફકરો. 16 એ વાત પવિત્ર શાસ્ત્રમાં ગલાતીઓ ૬:૭માં લખેલી છે. એના જેવી જ બીજી એક જાણીતી કહેવત છે, “જેવું વાવો એવું લણો.”