ફોનની અસર લગ્નજીવન પર?
જો પતિ-પત્ની સમજી-વિચારીને ફોનનો ઉપયોગ કરે, તો તેઓનો સંબંધ મજબૂત થઈ શકે છે. જેમ કે, તેઓ સાથે ન હોય ત્યારે મૅસેજ કે ફોન કરીને એકબીજા સાથે વાત કરી શકે છે.
પણ, અમુક પતિ-પત્ની ફોનને લીધે . . .
-
એકબીજા સાથે સમય પસાર કરતા નથી.
-
કારણ વગર ઑફિસનું કામ ઘરે લઈ આવે છે.
-
એકબીજા પર શંકા કરવા લાગે છે અને બેવફા બને છે.
શું તમે જાણો છો?
સાથે પણ એકલા
માઇકલ કહે છે, “અમુક વાર એવું બને કે મારી પત્ની મારી સાથે હોય છે, છતાં હું એકલો પડી જાઉં છું. એનું ધ્યાન બસ ફોનમાં જ હોય છે અને કહે છે, ‘મેં હમણાં જ તો ફોન હાથમાં લીધો છે.’” જોનાથન કહે છે, એવા સંજોગોમાં “યુગલ સાથે તો છે, પણ એવું લાગે કે બંને એકબીજાના દિલથી દૂર છે.”
વિચારવા જેવું: મારા લગ્નસાથી જોડે વાત કરતો હોઉં અને કોઈકનો ફોન કે મૅસેજ આવે તો શું હું ઘડી ઘડી જોઉં છું?—એફેસીઓ ૫:૩૩.
નોકરી-ધંધો
અમુક લોકોનું એવું કામ હોય છે, દિવસ હોય કે રાત, ઑફિસમાં હોય કે ઘરે, તેઓને ફોન કે ઈ-મેઈલ આવે છે. એટલે તરત જ જવાબ આપવો પડે છે. જોકે, બધા લોકોનું કામ એવું હોતું નથી. તોય તેઓ ઑફિસનું કામ ઘરે લઈ આવે છે. લી કહે છે, “હું વિચારું છું કે આજે મારી પત્ની સાથે સમય પસાર કરીશ, પણ ત્યારે જ ઑફિસમાંથી ફોન કે મૅસેજ આવે અને એ જોવાનું મન થઈ જાય.” જોય પરણેલી છે. તે કહે છે, “હું ઘરેથી કામ કરું છું. એટલે ઑફિસનું કામ કદી ખૂટે નહિ. ઘરનાં કામ અને ઑફિસનાં કામ વચ્ચે બેલેન્સ રાખવું હંમેશાં સહેલું નથી.”
વિચારવા જેવું: મારા લગ્નસાથી વાત કરતા હોય ત્યારે શું હું ધ્યાનથી સાંભળું છું?—લૂક ૮:૧૮.
વફાદારી
એક સર્વેમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવાના અનેક કારણ છે. એમાંનું એક છે, સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ. એ સર્વે મુજબ, દસ ટકા લોકો કબૂલે છે કે તેઓ સોશિયલ મિડીયા પર જે મૂકે છે એ પોતાના સાથીથી છુપાવે છે.
સોશિયલ મીડિયા જાણે “જમીનમાં દાટેલી સુરંગ” જેવું છે. વ્યક્તિનું એક ખોટું પગલું “બેવફા બનવા તરફ” દોરી શકે છે. અરે, લગ્નજીવનને બરબાદ કરી શકે છે. કેટલાક વકીલો કહે છે, છૂટાછેડા મોટાભાગે સોશિયલ મીડિયાને લીધે થાય છે.
વિચારવા જેવું: શું હું ચોરીછૂપીથી મારા સાથી સિવાય કોઈ છોકરી કે છોકરા સાથે વાત કરું છું?—નીતિવચનો ૪:૨૩.
આવું કંઈક કરી શકો
મહત્ત્વનું શું છે?
જો આપણે ખાવાનું નહિ ખાઈએ, તો નબળા પડી જઈશું. એવી જ રીતે પતિ-પત્ની એકબીજા સાથે સમય પસાર નહિ કરે, તો સંબંધ નબળો પડી જશે.—એફેસીઓ ૫:૨૮, ૨૯.
પવિત્ર શાસ્ત્રની સલાહ: ‘જે વધારે મહત્ત્વનું છે એ પારખી લો.’—ફિલિપીઓ ૧:૧૦.
આ સૂચનોમાંથી તમને જે લાગુ પાડવાનું ગમે એના પર ટિક કરી શકો અથવા તમારું સૂચન લખી શકો.
-
દિવસમાં એકવાર તો સાથે બેસીને જમીશું
-
દિવસમાં અમુક સમયે અમે ફોન વાપરીશું નહિ
-
અમુક સમય સાથે મળીને કંઈક ખાસ કરવાનું નક્કી કરીશું
-
સૂતા પહેલાં ફોન બંધ કરીને સાઇડ પર મૂકી દઈશું
-
ફોન બાજુમાં મૂકીને પંદરેક મિનિટ રોજ વાત કરીશું
-
રોજ સાંજે અમુક સમય પછી ઇન્ટરનેટ વાપરીશું નહિ