સાચી માહિતી મેળવો
મુસીબતનું મૂળ
ઘણી વાર લોકો પાસે સાચી માહિતી હોતી નથી. એના લીધે તેઓ ભેદભાવ કરી બેસે છે. ચાલો એ સમજવા અમુક ઉદાહરણો જોઈએ:
-
અમુક લોકોનું માનવું છે કે વિજ્ઞાન કે ટૅક્નોલૉજીને લગતાં કામ સ્ત્રીઓ કરી નથી શકતી. એટલે તેઓ સ્ત્રીઓને એવી જગ્યાએ નોકરી પર રાખતા નથી.
-
ઓગણીસમી સદીમાં યહુદી લોકો પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ કૂવામાં ઝેર નાખે છે અને બીમારીઓ ફેલાવે છે. જર્મનીમાં નાઝી સરકારના સમયમાં યહુદી લોકો પર એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે તેઓના લીધે પૈસાની તંગી ઊભી થઈ છે. એના લીધે તેઓ ભેદભાવનો શિકાર બન્યા હતા, જેની અસર આજે પણ જોઈ શકાય છે.
-
અમુક લોકોને લાગે છે કે અપંગ લોકો હંમેશાં ઉદાસ હોય છે.
આવું માનતા લોકો પોતાની વાત સાબિત કરવા કદાચ એકાદ કિસ્સો પણ કહે. તેઓને લાગે છે કે જેઓ તેમના જેવું વિચારતા નથી તેઓ સમજદાર નથી.
પવિત્ર શાસ્ત્રની સલાહ
‘માણસ અજ્ઞાની રહે એ સારું નથી.’—નીતિવચનો ૧૯:૨.
આપણે શું શીખી શકીએ? જો આપણને સાચી માહિતી ખબર ન હોય અથવા આપણે લોકોની વાતોમાં આવી જઈએ તો બની શકે કે બીજાઓ વિશે ખોટી ધારણા બાંધી લઈશું.
શા માટે સાચી માહિતી મેળવવી જોઈએ?
અમુક લોકો વિશે ખોટી વાતો ફેલાવવામાં આવે છે. જો આપણે તેઓ વિશે સાચી માહિતી મેળવીશું તો આપણે બીજાઓની વાતમાં નહિ આવી જઈએ. જો આપણા મનમાં બીજા કોઈ સમાજના લોકો વિશે ખોટી ધારણા હોય તો આપણે તેઓ વિશે સાચી માહિતી મેળવવાની જરૂર છે.
આપણે શું કરી શકીએ?
-
લોકો કદાચ અમુક સમાજ વિશે ખરું-ખોટું કહે. પણ આપણે એવું માની ન લઈએ કે એ સમાજની દરેક વ્યક્તિ એવી જ હોય છે.
-
આપણે સ્વીકારવું જોઈએ કે બીજા સમાજ વિશે આપણે બધું જાણતા નથી.
-
સાચી માહિતી મેળવવાની કોશિશ કરવી જોઈએ.