શું કોઈ આશાનું કિરણ છે?
શું કોઈ આશાનું કિરણ છે?
“દુઃખી લગ્ન સાથીઓ એવું માની લે છે કે હવે બાબતો ક્યારેય થાળે નહિ પડે, એ એક મોટી સમસ્યા છે. આ પ્રકારની માન્યતા ધરાવનાર પરિસ્થિતિને સુધારતા અટકાવે છે. એના લીધે તમને બાબતો થાળે પાડવા કોઈ પ્રોત્સાહન મળતું નથી.” —ડૉ. એરન ટી. બૅક.
કલ્પના કરો કે તમે કોઈક દુખાવાના કારણે ડૉક્ટર પાસે જાવ છો. તમે ચિંતાતુર હોવ એ સ્વાભાવિક છે, કેમ કે તમારું સ્વાસ્થ્ય, અરે તમારું જીવન પણ જોખમમાં છે. પરંતુ ધારો કે તમને તપાસ્યા પછી ડૉક્ટર જણાવે કે તમને ગંભીર બીમારી છે. તેમ છતાં ગભરાવાની કોઈ જરૂર નથી, એની સારવાર થઈ શકે એમ છે. ડૉક્ટર તમને કહે છે કે તમે તમારા ખોરાક અને કસરતમાં થોડી કાળજી રાખશો તો, સાજા થઈ જશો. ખરેખર તમે તેમના બહુ આભારી થશો અને તેમની સલાહને કાળજીપૂર્વક પાળશો.
આ જ બાબત આપણે ચર્ચી રહ્યા છીએ એ વિષય જેવી છે. શું તમારું લગ્નજીવન દુઃખથી ભરેલું છે? જોકે, દરેક લગ્નમાં સમસ્યાઓ અને મતભેદો તો રહેવાના જ. અને તમારા સંબંધમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવે તો, એનો અર્થ એમ નથી કે તમારા લગ્નમાં હવે પ્રેમ રહ્યો નથી. પરંતુ, એવી પરિસ્થિતિ અમુક સપ્તાહો, મહિનાઓ કે વર્ષો સુધી ચાલે તો શું? તો એ ખરેખર ચિંતાની બાબત કહેવાય. કેમ કે આ કંઈ નાનીસૂની બાબત નથી. ખરેખર, તમારું લગ્નજીવન તમારા જીવનના દરેક પાસાંને અને તમારાં બાળકોને પણ અસર કરી શકે. દાખલા તરીકે, એવું માનવામાં આવે છે કે લગ્નમાં અશાંતિ હોય તો એ ઉદાસીનતા, કામમાં નિષ્ફળતા કે શાળામાં બાળકોનું નપાસ થવું જેવી સમસ્યાઓ લાવે છે. એટલું જ નહિ, ખ્રિસ્તીઓ જાણે છે કે તેઓનો પતિ કે પત્ની સાથે સારો સંબંધ નહિ હોય તો પરમેશ્વર સાથેના સંબંધમાં પણ અસર પડી શકે છે.—૧ પીતર ૩:૭.
તમારામાં મતભેદ હોય તો, એનો અર્થ એમ નથી કે પરિસ્થિતિ હાથમાંથી સરકી ગઈ છે. જોકે લગ્નમાં સમસ્યાઓ તો ચાલતી જ રહેશે. પરંતુ યુગલ સમસ્યાઓ પર મનન કરીને એનો ઉપાય શોધી શકે છે. આઈઝાક નામનો એક પતિ કહે છે: “મને ખબર ન હતી કે લગ્નમાં સુખ-દુઃખ પણ આવી શકે, મને તો થતું હતું કે અમારામાં જ કંઈક ખામી છે.”
હાલમાં તમારા લગ્નમાં પ્રેમ ન હોય તોપણ, એ ટકી શકે છે. હા, એ ખરું છે કે લાંબા સમયથી સમસ્યાઓ ચાલતી આવી હોય ત્યારે, તમને માનસિક રીતે ઘણું દુઃખ થયું હોય શકે. તેમ છતાં સમસ્યાઓ હલ થશે એવી ચોક્કસ આશા રહેલી છે અને એના માટે તૈયાર રહેવું જ જોઈએ. *
લોકોને લગ્નમાં ગંભીર સમસ્યાઓ હોય તોપણ તેઓ એ હલ કરી શકે છે.પોતાને પૂછો, ‘સુખી કુટુંબ બનાવવા માટે હું કેટલો ઇચ્છુક છું?’ શું તમે બંને તમારી પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવા તૈયાર છો? શરૂઆતમાં ઉલ્લેખેલા ડૉ. બૅક કહે છે, “એ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું છે કે બંને સાથી ભેગા મળીને પોતાના લગ્નજીવનમાં સુધારો કરે ત્યારે, તેઓનો સંબંધ મજબૂત બનીને ટકી રહે છે.” પરંતુ તમારા સાથી એમ કરવા તૈયાર ન હોય તો શું? અથવા કોઈ પણ એક સાથી ખરેખર સમસ્યા છે એ હકીકતને સ્વીકારવા તૈયાર ન હોય તો શું? તમે એકલા જ સુધારો કરવાનો પ્રયત્ન કરશો તો શું એના પર પાણી ફરી વળશે? જરાય નહિ! ડૉ. બૅક કહે છે, “તમે તમારામાં સુધારો કરશો તો, તમારા સાથીને પણ સુધારો કરવામાં ઉત્તેજન મળશે અને એમ ઘણી વાર જોવા મળ્યું છે.”
તમે ઉતાવળે એવા નિર્ણય પર ન આવો કે મારા કિસ્સામાં તો એ શક્ય જ નથી. આ પ્રકારના ખોટા વિચારો જ કદાચ તમારા લગ્ન માટે મોટી ધમકીરૂપ બની શકે છે! કોઈકને પહેલ કરવાની જરૂર છે. શું તમે ન કરી શકો? તમે એક વાર સુધારો કરવા લાગશો એના ફાયદાઓ તમારા સાથી જોઈ શકશે અને પછી એ પણ સુખી લગ્નજીવન માટે પોતાનો ફાળો આપશે.
તેથી તમારા લગ્નને ટકાવવા માટે વ્યક્તિગત રીતે કે યુગલ તરીકે તમે શું કરી શકો? આ પ્રશ્નનો જવાબ મેળવવા બાઇબલ ખરેખર અસરકારક રીતે મદદ કરે છે. ચાલો, આપણે જોઈએ કે એ કઈ રીતે મદદ કરે છે. (g01 1/8)
[ફુટનોટ]
^ એ સાચું છે કે અમુક કિસ્સાઓમાં પતિ-પત્નીને અલગ થવા માટે યોગ્ય કારણ હોય શકે. (૧ કોરીંથી ૭:૧૦, ૧૧) વધુમાં, બાઇબલ વ્યભિચારના કારણે છૂટાછેડા આપવાની પરવાનગી આપે છે. (માત્થી ૧૯:૯) અવિશ્વાસી લગ્નસાથી પાસેથી છૂટાછેડા મેળવવા કે નહિ એ વ્યક્તિગત બાબત છે. આથી, બીજાઓએ નિર્દોષ સાથીએ કયો માર્ગ લેવો જોઈએ એના પર દબાણ કરવું જોઈએ નહિ.—વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકના પાન ૧૫૮-૬૧ પર જુઓ.