બાળકોને શાની જરૂર છે?
બાળકોને શાની જરૂર છે?
બાળક જન્મતાની સાથે જ, તેને ફૂલ જેવી માવજતની જરૂર હોય છે. ખાસ તો તેને માની મમતાની ખૂબ જ જરૂર હોય છે. અમુક ડૉક્ટરોનું કહેવું છે કે પહેલા ૧૨ કલાક બહુ નાજુક સમય હોય છે. તેઓનું માનવું છે, કે બાળકના જન્મ પછી તરત જ મા અને બાળકને “ઊંઘ કે ખોરાકની નહિ, પણ વહાલ, પ્રેમ અને હૂંફ, એકબીજા સામે જોયા કરવાની અને એકબીજાને સાંભળવાની જરૂર હોય છે.” *
કુદરતી રીતે જ માબાપ બાળકને ઊંચકી લઈને, છાતી-સરસું ચાંપી દે છે અને વહાલ કરે છે. એટલે બાળકને પ્રેમ અને હૂંફનો અનુભવ થાય છે. તે માબાપ તરફ જુએ છે અને હુંકારા કરે છે. માબાપની આ મમતા એટલી બધી હોય છે, કે તેઓ પોતાના લાડલા બાળક માટે કંઈ પણ કરશે.
પરંતુ, આવી મમતા ન મળે તો, ફૂલ જેવું બાળક ખીલ્યા પહેલાં જ કરમાઈ જઈ શકે. એટલે જ અમુક ડૉક્ટરો માને છે, કે જન્મતાની સાથે જ બાળકને માની સોડમાં મૂકી દેવું જોઈએ. તેઓ સૂચવે છે, કે જન્મ પછી ઓછામાં ઓછી ૩૦થી ૬૦ મિનિટ તો મા અને બાળકને એકબીજા સાથે જ પસાર કરવા દેવી જોઈએ.
ખરું કે કેટલાક એમ માને છે છતાં, અમુક હૉસ્પિટલોમાં એ મુશ્કેલ કે અશક્ય હોય છે. મોટે ભાગે બાળક જન્મે કે તરત જ તેની માથી અલગ કરવામાં આવે છે, જેથી કોઈ ચેપ ન લાગે. જોકે, પુરાવા બતાવે છે કે જન્મ પછી તરત જ બાળક જો મા સાથે રહે, તો હજુ ઓછા ચેપ લાગી શકે. તેથી, હવે
વધારે ને વધારે હૉસ્પિટલો બાળક જન્મે ત્યારે તેની મા પાસે રહેવા દે છે.જોતા જ મમતા ન ઊભરાય તો?
ઘણી મા ચિંતામાં પડી જાય છે કે ‘મારા બાળકને જોઈને કેમ મારી મમતા જાગી ઊઠતી નથી? શું મારો પ્રેમ જાગશે ખરો?’ આમ જુઓ તો કંઈ બધી જ મમ્મીઓ બાળકને જોતાં જ એના પ્રેમમાં પડી જતી નથી. પણ એમાં કંઈ ગભરાઈ જવાની જરૂર નથી.
ભલે તરત જ માની મમતા જાગી ઊઠતી ન હોય, પણ સમય જતાં એ લાગણી બદલાય છે. એક પ્યારી મમ્મી કહે છે કે ‘એવો એકેય બાળકના જન્મનો કિસ્સો બન્યો નથી, જેનાથી મા અને તેના બચ્ચાંનો નાતો તૂટ્યો હોય.’ તેમ છતાં, તમે મા બનવાના હોવ અને તમને એ ચિંતા સતાવતી હોય તો, ડૉક્ટરની સલાહ લો. વાતચીત કરતી વખતે તમે પોતે નક્કી કરો કે બાળક જન્મે કે તરત જ તમારે પાસે લઈ લેવું છે કે કેમ. વળી, તમારે તેને કેટલી વાર સુધી તમારી ગોદમાં જ રાખવું છે.
“મને બોલાવો તો ખરા!”
અમુક સમય એવો જણાઈ આવે છે, જ્યારે બાળક ખાસ કરીને ‘વાતચીત’ કરવા માંગે છે. અમુક વખત પછી એ સમયનો જાણે અંત આવે છે. જેમ કે, બાળકનું મગજ સહેલાઈથી ભાષા શીખી શકે છે, કોઈ કોઈ વાર તો અનેક ભાષાઓ શીખી લે છે. પરંતુ, લગભગ પાંચ વર્ષની ઉંમરે નવી નવી ભાષા શીખવાનો સમય જાણે કે પૂરો થતો જણાય છે.
જ્યારે બાળક ૧૨થી ૧૪ વર્ષની ઉંમરનું થાય છે, ત્યારે તો નવી ભાષા શીખવી ઘણી જ મુશ્કેલ થઈ પડે છે. બાળકોના મગજના ડૉક્ટર પીટર હુટ્ટેનલોચરના કહેવા પ્રમાણે, એ સમયે “મગજના ભાષા શીખવાના ભાગના જ્ઞાનતંતુઓની સંખ્યા જાણે ઘટી જાય છે.” તેથી, એમ લાગે છે કે બાળકના પહેલા પહેલા વર્ષો ભાષાઓ શીખવા માટે સરસ છે!
છોકરું કઈ રીતે બોલતા શીખે છે, એ તેની આવડતો માટે બહુ જ જરૂરી હોય છે. પહેલા પહેલા તો માબાપ સાથે ‘ઊં.., આ.., હ..’ એવા હુંકારા કરે છે. બાળક ખાસ કરીને માનવ અવાજ પારખી લઈને હુંકારા કરે છે. ટૅક્નોલૉજીની મૅસાચ્યૂસિટ્સની સંસ્થાના, બેરી એરોન્સ કહે છે કે “બાળક . . . તેની મમ્મીની જેમ બોલવાનો પ્રયત્ન કરે છે.” જોકે, એ નાનકડું ભૂલકું કંઈ બધા જ અવાજની કૉપી કરતું નથી. એરોન્સ જણાવે છે કે બાળક ‘ઘોડિયાનો “કીચુડ, કીચુડ” અવાજ કાઢતું નથી, જે મમ્મીના અવાજ સાથે સાથે આવતો હોય છે.’
દરેક મમ્મી-પપ્પા પોતાની રીતે પોતાનાં વહાલા બાળક સાથે કાલું-કાલું બોલતા હોય છે. માબાપ જેમ લાડ-પ્યારથી બોલે તેમ બાળકના હૃદયના ધબકારા વધે છે. એમ માનવામાં આવે છે કે આ રીતે બાળક શબ્દોને વસ્તુ સાથે જલદીથી જોડી શકે છે. તેમ જ, તે જાણે હાથ-પગ હલાવી, હુંકારા ભરીને ‘બોલી ઊઠે’ છે: “મારી સાથે વાત કરો!”
“મારું સાંભળો તો ખરા!”
એ સાબિત થઈ ચૂક્યું છે, કે પહેલા એકાદ વર્ષમાં બાળક પોતાની સંભાળ રાખનાર, ખાસ કરીને મા સાથે લાગણીના બંધનમાં બંધાય જાય છે. જ્યારે બાળકને એવી સલામતીનો અનુભવ થાય છે, ત્યારે તે બીજાની પાસે ગભરાતું નથી. પણ જો તે માબાપ પાસેથી એવી સલામતી ન અનુભવે તો તે બીજાની પાસે જતાં ગભરાશે. આવું લાગણી અને સલામતીનું બંધન બાળક ત્રણેક વર્ષનું થાય ત્યાં સુધી બંધાઈ જાય તો સારું.
પરંતુ, જો આવા સમયે બાળકની કાળજી રાખવામાં ન આવે તો શું બની શકે? મારથા ફેરલ એરીકસને, ૨૬૭ મમ્મીઓ અને બાળકોનો ૨૦ વર્ષ સુધી અભ્યાસ કર્યો. તે જણાવે છે: “નાના ભૂલકાઓ પ્રત્યે બેદરકારી બતાવવામાં આવે તો, ધીમે ધીમે તેઓની હોંશ મરી પરવારે છે. પછી, બાળકને બીજા કોઈ સાથે કે દુનિયા સાથે કોઈ ખાસ સંબંધ બાંધવાની પડી હોતી નથી.”
ટેક્સસ ચિલ્ડ્રન હૉસ્પિટલના ડૉક્ટર બ્રુસ પેરી જણાવે છે કે બાળકને ધ્યાન ન અપાય તો, એ ફૂલ જેવા કુમળા મગજ પર કેવી અસર થઈ શકે. તે કહે છે: “જો તમે મને પૂછો કે છ મહિનાના બાળકનું એકેએક હાડકું ભાંગી નાખવું સારું કે પછી બે મહિના સુધી તેને ધ્યાન ન આપવું સારું? તો હું કહીશ કે તેનું એકેએક હાડકું ભાંગી નાખવું સારું થશે.” શા માટે? ડૉક્ટર પેરી કહે છે, કે “હાડકાં સંધાય શકે, પણ જો બે મહિનાના બાળકના મગજની વૃદ્ધિ ન થાય, તો મગજનું એ નુકસાન કાયમ માટે રહી જશે.” ખરું કે કદાચ બધા આ વાત માને પણ નહિ. તેમ છતાં, વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે જેમ કુમળા છોડને યોગ્ય પ્રકાશ અને પોષણ જોઈએ, તેમ જ બાળકને ભરપૂર પ્રેમ અને હૂંફની જરૂર હોય છે.
બાળકો નામનું અંગ્રેજી પુસ્તક કહે છે, કે “ટૂંકમાં (નાના ભૂલકાં) લાડ-પ્યાર વરસાવે છે, અને એના તરસ્યા હોય છે.” જ્યારે બાળક રડે, ત્યારે તે મમ્મી-પપ્પાને કાલાવાલા કરતું હોય છે: “મારું સાંભળો!” તેથી, એ ખાસ જરૂરી છે કે માબાપ પોતાના લાડકા બાળક પર વહાલ વરસાવે. એમ કરવાથી, બાળક સમજી શકે છે કે પોતે વાતચીત કરીને બીજાને પોતાના વિષે જણાવી શકે છે. આ રીતે તે એકબીજા સાથે સંબંધ બાંધવાનું શીખે છે.
‘હું એને માથે તો નથી ચડાવતી ને?’
તમને થશે: ‘જો મારું બાળક રડે અને હું તરત જ દોડી જાઉં, તો હું એને હાથે કરીને બગાડતી નથી?’ એના જવાબ જુદા જુદા હોય શકે. દરેક બાળક અલગ હોય છે, એટલે મમ્મી-પપ્પાએ નક્કી કરવું જોઈએ કે શું કરવું ને શું ન કરવું. પરંતુ, હમણાંની માહિતી પ્રમાણે, જ્યારે બાળક ભૂખ્યું હોય, કે ખીજાયું હોય, કે ઝાડો-પેશાબ કર્યો હોય, ત્યારે તેનું મગજ સ્ટ્રેસના એવા કોશો કે હોર્મોન્સ પેદા કરે છે, જેની અસરને કારણે બાળક રડે છે. એમ કહેવાય છે કે એ પોકારને માબાપ જો ધ્યાન આપે, તો સમય જતાં બાળકના મગજમાં એવા કોશો પેદા થાય છે, જે બાળકને શાંત રહેતા શીખવે છે. તેમ જ, ડૉક્ટર મેગન ગુન્નાર માને છે કે જે બાળકને આવી મદદ મળે છે, તેના મગજમાં સ્ટ્રેસના એવા ઓછા કોશો પેદા થાય છે. તેથી, જો બાળક ખીજાયું હોય તોપણ તે જલદી જ શાંત થઈ જાય છે.
ડૉક્ટર એરીકસન કહે છે, કે “ખરું જોતાં પહેલા ૬-૮ મહિનામાં જે બાળકોનું એ રીતે ધ્યાન રાખવામાં આવ્યું હોય, તેઓ પછીથી ઓછું રડ રડ કરે છે. જ્યારે એમ નથી થતું ત્યારે બાળક પછીથી વધારે રડતું હોય છે.” જોકે, બાળક રડે ત્યારે તમારે કાયમ તેને દૂધ પાવું કે ઊંચકી લેવું જ જરૂરી નથી. નહિ તો ચોક્કસ તમે એને ખોટી ટેવ પાડશો. પરંતુ, તે રડે ત્યારે કોઈ વાર ફક્ત
હુંકારો કરીને તેને ધ્યાન આપવું. અથવા તેની નજીક બેસીને ધીમે ધીમે કંઈક કહેવું પૂરતું હોય શકે. કોઈ વાર તો ફક્ત પેટ પર કે પીઠ પર પ્રેમથી હાથ ફેરવવો બસ હોય છે.‘બાળકને રડવા સિવાય બીજું શું કામ હોય,’ એવું એશિયાના દેશોમાં કહેવાય છે. બાળકને જો કંઈ જોઈએ, તો તરત જ ઉંવા.. ઉંવા.. કરીને રડશે. જો તમે કંઈ માંગો, પણ કોઈ તમારું સાંભળે જ નહિ, તો તમને કેવું લાગશે? તેથી, બાળકની સંભાળ રાખનાર તેનું ધ્યાન ન રાખે તો, બાળક બિચારું ક્યાં જાય? જોકે, સવાલ એ થાય કે બાળકની સંભાળ કોણે રાખવી જોઈએ?
બાળકનું ધ્યાન કોણ રાખે?
યૂનાઇટેડ સ્ટેટ્સમાં હાલમાં થયેલા એક સર્વેમાં આ જાણવા મળ્યું: જન્મથી તે ૮-૯ વર્ષના થાય ત્યાં સુધીમાં, લગભગ ૫૪ ટકા બાળકોનું એક યા બીજી રીતે માબાપ સિવાય બીજા લોકો ધ્યાન રાખે છે. ઘણાં કુટુંબોની જરૂરિયાતો પૂરી પાડવા, મમ્મી-પપ્પા બંને નોકરી કરે છે. શક્ય હોય તો, ઘણી મમ્મીઓ નોકરી પરથી અમુક અઠવાડિયાં કે મહિનાની રજા લે છે, જેથી પોતાના વહાલા બાળકનું ધ્યાન રાખી શકે. પણ પછી બાળકની સંભાળ કોણ લેશે?
એ માટે કોઈ નિયમો બનાવવા જરૂરી નથી. તોપણ, એ યાદ રાખવું જરૂરી છે કે બાળક હજુ પણ તેના જીવનના નાજુક સમયમાં છે. માબાપે મળીને સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. પસંદગી કરતી વખતે બહુ ધ્યાનથી ઉપાય શોધવાની જરૂર છે.
અમેરિકન એકેડેમીના જોસેફ ઝાંગા, બાળકોના ડૉક્ટર કહે છે: “દિવસે દિવસે એ સાબિત થઈ રહ્યું છે કે આપણાં લાડકવાયાને ભલેને દુનિયાના સૌથી સારા લોકો પાસે મૂકી જઈએ. તેમ છતાં, જે માબાપ પાસેથી મળે છે એ તેઓને ક્યાંય નહિ મળે.” અમુક એક્સપર્ટોનું કહેવું છે કે બાળકોને કોઈની પાસે રાખી જઈએ તો, તેમને જેટલા ધ્યાનની જરૂર છે, એ મળી શકતું નથી.
નોકરી કરતી અમુક મમ્મીઓએ આંખના રતન જેવા બાળકને માટે, નોકરી છોડી દીધી છે. કોઈ બીજું બાળકની લાગણી સંતોષે, એના કરતાં મા પોતે પોતાના કુમળા છોડની માવજત કરે છે. એક મા જણાવે છે: “મારા દિલમાં જે સંતોષ છે, એ મને કોઈ પણ નોકરી આપી શકી ન હોત.” હકીકત એ પણ છે કે સંજોગોને કારણે બધી મમ્મીઓ એમ કરી શકતી નથી. ઘણાં માબાપે નોકરી કરવી જ પડે છે, એટલે બાળકોને કોઈની પાસે મૂકી જવા પડે છે. પરંતુ, તેઓ જ્યારે સાથે હોય છે, ત્યારે તેઓ બાળક સાથે પ્રેમ અને સ્નેહનો નાતો મજબૂત બનાવવા મહેનત કરે છે. તેમ જ, ઘણી એકલી મમ્મી કે એકલા પપ્પા પાસે પણ બીજો કોઈ ઉપાય રહેતો નથી. પણ તેઓ પોતાનાં બાળકો પાછળ ઘણી જ મહેનત કરીને સફળ થાય છે.
ખરેખર, ઘરમાં પારણું બંધાવું એક આશીર્વાદ છે. સાથે સાથે એ ઘણી જવાબદારી પણ લાવે છે. તમે કઈ રીતે એ આશીર્વાદનો આનંદ માણી શકો? (g03 12/22)
[ફુટનોટ]
^ આ વિષય પરના લેખોમાં સજાગ બનો! બાળકની સંભાળ વિષે અમુક એક્સપર્ટના વિચારો જણાવે છે. એ કદાચ માબાપને મદદ કરી શકે. પરંતુ, આ વિચારો બદલાઈ શકે છે. સજાગ બનો! જે બાઇબલના વિચારો જણાવે છે એવા આ નથી.
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
ગુમસૂમ બાળકો
જાપાનમાં અમુક ડૉક્ટરો કહે છે કે એવાં બાળકોમાં વધારો થતો જાય છે, જેઓ નથી રડતાં કે નથી હસતાં. બાળકોના ડૉક્ટર સાતોસી યાનાગીસાવા તેઓને ગુમસૂમ બાળકો કહે છે. કેમ અમુક નાનાં ભૂલકાંઓ હસતાં કે રડતાં નથી? અમુક ડૉક્ટરો માને છે કે માબાપના પ્રેમ વિના બાળકોની લાગણી મરી પરવારે છે. બાળકને જાણીજોઈને એ હાલતમાં ધકેલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાનકડા બાળકનું ઉંવા.. ઉંવા.. કે હુંકારાને જાણીજોઈને ધ્યાન આપવામાં આવતું નથી, એટલે આખરે થાકી-હારીને બાળક કંઈ જ પ્રયત્ન કરતું નથી.
જો બાળકની લાગણીને ઉત્તેજન આપવામાં ન આવે, તો મગજનો જે ભાગ લાગણીઓ પેદા કરે છે એની વૃદ્ધિ થતી નથી. એવું ટેક્સસ ચિલ્ડ્રન હૉસ્પિટલના માનસશાસ્ત્રી, ડૉક્ટર બ્રુસ પેરીનું કહેવું છે. વળી, જ્યારે લાગણીને જાણીજોઈને એકદમ ટાળી દેવામાં આવે છે, ત્યારે તો એ બાળકમાં ફરીથી લાગણી જગાડવી શક્ય ન પણ બને. ડૉક્ટર પેરી માને છે કે ડ્રગ્સ કે દારૂની લતે ચડી જતા અથવા વાતવાતમાં મારામારી પર ઊતરી આવતા અમુક લોકોને નાનપણમાં પ્રેમ મળ્યો હોતો નથી.
[પાન ૭ પર ચિત્ર]
મમ્મી-પપ્પા બાળક સાથે ‘વાતચીત’ કરે તેમ, તેઓનું બંધન ગાઢ બને છે