ઝગમગ કરતી “નાનકડી ટ્રેઇન”
ઝગમગ કરતી “નાનકડી ટ્રેઇન”
▪ બ્રાઝિલના ગામડાંઓમાં શાંત સાંજે એના ઝાડીવાળા એરિયાના કચરામાંથી નાનકડી “ટ્રેઇન” બહાર નીકળે છે. એની બે લાલ “હેડલાઇટ” પ્રકાશ ફેંકે છે. એની બંને બાજુએ આવેલી લીલી-પીળી ફાનસની ૧૧ જોડ આજુબાજુ અજવાળું પાથરે છે. આ કંઈ જેવી-તેવી ટ્રેઇન નથી. આ તો ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં મળી આવતી કવચવાળી ઇયળની એક જાત છે. એ ઇયળ બે ઇંચ લાંબી છે. એમાંની માદા ઇયળના રૂપમાં જ રહે છે અને જાણે ટ્રેઇનના ડબ્બામાં લાઇટ ચાલુ હોય એવી દેખાય છે, એટલે એને “ટ્રેઇન” ઇયળ કહેવામાં આવે છે. ગામડાંના લોકો એને નાનકડી ટ્રેઇન તરીકે ઓળખે છે.
દિવસે તો બદામી રંગની એ ઇયળને શોધવી મુશ્કેલ છે. પણ રાત્રે એની લાઇટ ઝગમગતી હોવાથી એ તરત જ દેખાઈ આવે. એ કેવી રીતે એમ કરી શકે છે? આ ઇયળ પર રહેલા પદાર્થમાં કૅમિકલ રીએક્શન થાય છે ત્યારે, ઠંડો પ્રકાશ ઉત્પન્ન થાય છે. એ લાઇટમાં લાલ, નારંગી, પીળો અને લીલો રંગ દેખાય છે.
ઇયળની લાલ લાઇટો ચાલુ જ રહે છે, પણ લીલી-પીળી કાયમ ચાલુ રહેતી નથી. શોધ-ખોળ કરનારાનું માનવું છે કે લાલ લાઇટની મદદથી ઇયળ પોતાનો ખોરાક શોધી શકે છે. જ્યારે કે બંને બાજુની લીલી-પીળી લાઇટો કીડી, દેડકો કે કરોળિયા જેવા જીવ-જંતુઓને પોતાથી દૂર રાખે છે. જાણે કે એ લાઇટો કહેતી હોય કે “મને જવા દો, હું એટલી ટેસ્ટી નથી!” એટલે જ્યારે જ્યારે ઇયળને લાગે કે કોઈ એના પર હુમલો કરશે, ત્યારે બંને બાજુની લીલી-પીળી લાઇટો ઝબક-ઝબક થાય છે. જ્યારે એ પોતાના શિકાર પર તરાપ મારે અને માતા પોતાનાં ઈંડાની સંભાળ રાખતી હોય ત્યારે પણ એ લાઇટો ઝબકતી હોય છે. મોટે ભાગે બંને બાજુની લાઇટો ધીમે ધીમે ફુલ પ્રકાશ આપે છે, પછી બુઝાઈ જાય છે. પાછી ઝબકે, પાછી બુઝાય! આ બધું થોડી સેકંડમાં જ બને છે.
સાચે જ, ઝાડી-ઝાંખરાંના કચરામાં પણ આપણને આવી નવાઈ પમાડતી રચના જોવા મળે છે. એનાથી એક કવિએ ઈશ્વરને કહેલા આ શબ્દો યાદ આવે છે: “પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪. (g 11/06)
[પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Robert F. Sisson / National Geographic Image Collection