કઠપૂતળીઓની કરામત!
કઠપૂતળીઓની કરામત!
ઑસ્ટ્રિયાના સજાગ બનો!ના લેખક તરફથી
‘અરે, દિલ ચોરી લેતું સંગીત વાગતું હતું. કઠપૂતળીના ખેલે તો અમને દંગ કરી દીધા. કઠપૂતળી માણસની જેમ હરતી-ફરતી-નાચતી-ગાતી હતી. આવો કઠપૂતળીનો ખેલ મેં કદી પહેલાં જોયો નથી!’
આવું એક સ્ત્રીએ કહ્યું ત્યારે, શું તે બાળકો માટેના કઠપૂતળીના ખેલની વાત કરતી હતી? ના-રે-ના. તમે નહિ માનો, પણ એ સ્ત્રી તો મોટાઓ માટે તૈયાર કરેલા કઠપૂતળીના સંગીત ખેલની વાત કરતી હતી. આ લોકપ્રિય કઠપૂતળીનો ખેલ કે નાટક ક્યાં રાખવામાં આવે છે? ઑસ્ટ્રિયાના સાલ્સબર્ગ શહેરના અજોડ ઑપેરા કે સંગીત-નાટકના હૉલમાં. આ એ જ શહેર છે જેમાં દુનિયાના જાણીતા સંગીતકાર મૉર્ટશર્ટનો જન્મ થયો હતો
તમે કદી એવું સાંભળ્યું છે કે બે-ત્રણ ફૂટ ઊંચી લાકડાંની કઠપૂતળી માણસની જેમ નાચી-ગાઈ શકે? ‘સાલ્સબર્ગ મેરિયોનેત થિયેટરʼનાં પૂતળાં એમ કરી શકે છે. તેઓ સ્ટેજ પર નાચવા લાગે ત્યારે ઑડિયન્સ જોતું જ રહી જાય. એવું જ લાગે કે તમે બીજી દુનિયામાં પહોંચી ગયા છો. એમાં વાગતાં ગીતો ને સંગીત તમારું મન હરી લે!
અસલી-નકલીનો સંગમ
સંગીત વાગે એટલે પડદો ધીમે-ધીમે ઉપર ચડે. પછી ખેલ શરૂ થાય. ઘણી વાર ઑડિયન્સ ખેલ જોઈને અચરત પામે છે. અરે જુઓ તો ખરા! લાકડાંનાં પૂતળાં સ્ટેજ પર આવીને આપણી જેમ રાગ બદલીને ગાય છે. શું તેઓ ગાઈ શકે? અરે, તેઓના માથા પર વાળ જેવા
દોરા દેખાય છે. એ શું છે? અમુક લોકો કદાચ એ દોરા જોઈને નિરાશ થશે. તેઓ કહેશે કે ‘આ શું? ઉપરથી તોરણની જેમ લટકતા બધા દોરા દેખાય છે!’ કોઈક કહેશે કે ‘સ્ટેજ પાસે ઓરકેસ્ટ્રાનાં વાજિંત્રો છે. પણ સંગીતકારો નથી. બસ, આ તો સંગીતની ટેપ મૂકીને લોકોને છેતરે છે. કેટલું ખરાબ કહેવાય!’ કદાચ ગુસ્સે થઈને તમે રવાના થવા લાગશો. પણ જરા ઊભા રહો! ધીમે ધીમે ઑડિયન્સનું દિલ ચોરાવા લાગે છે.ઑડિયન્સની શંકા મનમાંથી દૂર થયા પછી કઠપૂતળી તેઓના દિલમાં વસવા લાગે છે. માની ન શકાય એવી રીતે અસલી-નકલી દુનિયાનો સંગમ થાય છે. પહેલાં પૂતળાનાં માથાં પર રેશમ જેવા દોરા દેખાતા હતા. પણ હવે દેખાતા નથી. લોકો હરતી-ફરતી કઠપૂતળીથી તો નવાઈ પામે જ છે, પણ એનાથીયે વધારે નાનકડા ઑપેરા હૉલમાં સ્ટેજ પર કઠપૂતળીનો ખેલ જોઈને રોમાંચ પામે છે. અમુક પળોમાં તેઓના મનમાંથી એ વિચાર જ નીકળી ગયો કે તેઓ કઠપૂતળીનો ખેલ જુએ છે. પહેલાં તો તેઓને એ વિચાર પણ મૂર્ખતા લાગતો. અરે, તમે માનશો નહિ, કઠપૂતળી વિષે જેઓ શંકા ઉઠાવે છે તેઓને તે વશ કરીને પોતાની દુનિયામાં ડૂબાડી દે છે.
પડદા પાછળની કરામત
સ્ટેજ પરનો ખેલ જેટલો જોરદાર હોય એટલી જ પડદા પાછળની કરામત હોય છે. કઠપૂતળીની દોરીઓ ખેલાડીઓના હાથમાં હોય છે. તેઓ રંગમંચ કે સ્ટેજ ઉપરના પ્લૅટફૉર્મ પરથી પૂતળીઓને નચાવે છે. તેઓ ત્યાંથી પૂતળીઓના દોરા એવી રીતે ખેંચે ને ફેરવે છે કે એવું જ લાગે કે પૂતળીઓ ગાય છે, રડે છે, લડે છે, હેત બતાવે છે અથવા સલામ પણ ભરે છે. એ જોઈને એવું જ લાગે કે ઑપેરામાં માણસો ગાઈ રહ્યાં છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ છાપામાં એક વાર સમજાવવામાં આવ્યું કે કઠપૂતળીના ખેલાડીઓની કળા કઈ રીતે અજોડ છે: “કઠપૂતળીના ખેલાડી પડદા પાછળ ઊભા રહીને નાનાં-મોટાં છોકરા-છોકરી કે સ્ત્રી-પુરૂષ કોઈનો પણ ભાગ ભજવી શકે છે. એમ કરવા ખાસ વસ્તુની જરૂર છે: કળા.” સાલ્સબર્ગની કઠપૂતળીઓમાં જાણે શ્વાસ પૂરીને એને જીવતી કરવી કંઈ રમતવાત નથી. એમાં આવડત જોઈએ.
‘જીવતાં પૂતળાં’
૧૯૧૩માં, સાલ્સબર્ગના થિયેટરમાં પહેલી વાર મૉર્ટશર્ટની પૂતળીઓનો નાચ-ગાનનો ઑપેરા શો ચાલ્યો હતો. એને આજે નેવુંથી વધારે વર્ષ થઈ ગયાં. ત્યારથી દરેક શો સફળ ગયો છે. આ થિયેટર આનટૉન ઇચરે નામના શિલ્પકારે ખોલ્યું હતું. તે મ્યુનિકમાં મૂર્તિઓ બનાવવાની કળા શીખ્યો હતો. પછી તે માણસ જેવડાં મોટાં મોટાં લાકડાંના પૂતળાં બનાવવા લાગ્યો. એ માણસ જેવા જ દેખાતા. હરી-ફરી શકતા. પછી તેને થયું કે ભક્તિમાં વપરાતી મૂર્તિઓ બનાવવામાં એટલી મજા આવતી નથી. તેઓ હલચલ કરી શકતી નથી. એના કરતાં તો હલચલ કરી શકે એવી પૂતળીઓ બનાવવામાં વધારે મજા આવે.
થોડા સમયમાં આનટૉન ઇચરેનું આખું કુટુંબ આ મનોરંજનના ધંધામાં મશગૂલ થઈ ગયું. તેમનું કુટુંબ હોંશે-હોંશે કઠપૂતળીઓનાં કપડાં સીવવા લાગ્યું. તેઓ શોમાં વાજિંત્રો વગાડતા ને ગીતો ગાતા. જુદાં જુદાં પાત્રોના અવાજમાં બોલતા. તેઓનો એ શો એટલો વખણાઈ ગયો કે તેઓ વધારે ને વધારે કઠપૂતળીઓ રાખીને શો કરવા લાગ્યા. ૧૯૨૭ પછી તેઓ બીજા દેશોમાં શો રાખવા લાગ્યા. આજે અનેક દેશોમાં કઠપૂતળીના ખેલ જોવા મળે છે. જેમ કે જાપાન ને અમેરિકા. કઠપૂતળીના ખેલ જોવાનું કોને ન ગમે?
કઠપૂતળીના ખેલ જોવા કંઈ ખોટું છે?
ઑપેરા શાને કહેવાય? એના વિષે એક શબ્દકોશ કહે છે: ‘સંગીત નાટકમાં કલાકારો જુદો જુદો વેશ લઈને વાજિંત્રો વગાડતા જઈને ગીત ગાય છે.’ સંગીત નાટકમાં ગવાતાં ગીત ને ડાયલોગ: દંતકથા, ઐતિહાસિક કે બાઇબલ બનાવ અથવા કાલ્પનિક વાર્તા પરથી લખવામાં આવે છે. એમાં કભી ખુશી કભી ગમ અથવા કૉમેડી હોઈ શકે. સાલ્સબર્ગ થિયેટરમાં રાખવામાં આવતો કઠપૂતળીનો ખેલ મોટે ભાગે જર્મન કે ઇટાલી ભાષામાં હોય છે. ખેલ જોવા જતા પહેલાં તમારે એનો સારાંશ વાંચવો જોઈએ. પછી નક્કી કરી શકો કે એમાં તમને મજા આવશે કે નહિ.
યહોવાહના ભક્તો કેવી રીતે નક્કી કરી શકે કે એવા કઠપૂતળીના ખેલ જોવા જોઈએ કે નહિ? લોકપ્રિય સંગીતકારો પરથી નક્કી કરવું જોઈએ? કે પછી મધુર સંગીત પરથી? કે પછી સ્ટૉરી પરથી?
એ નિર્ણય લેતા પહેલાં યહોવાહના ભક્તોએ કોઈ પણ પ્રોગ્રામ જોતા કે સાંભળતા પહેલાં એનો સારાંશ વાંચવો જોઈએ. પછી ઈશ્વરભક્ત પાઊલે આપેલી સલાહ પરથી નિર્ણય લેવો જોઈએ: “છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.”—ફિલિપી ૪:૮. (g 1/08)
[Picture on page 8]
બધી કઠપૂતળીઓ અનેક સંગીત નાટક કે ઑપેરામાં ભાગ લેવા તૈયાર છે
[Picture on page 8]
સાલ્સબર્ગ
[Picture on page 8]
વીયેના
[Picture on page 8]
ઑસ્ટ્રિયા
[Picture on page 9]
સાલ્સબર્ગ મેરિયોનેત થિયેટર
[Picture on page 10]
થિયેટર ખોલનાર, આનટૉન ઇચરૅ