સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સાક્ષીઓ વારંવાર પૂછાતા સવાલો

યહોવાહના સાક્ષીઓ વારંવાર પૂછાતા સવાલો

યહોવાહના સાક્ષીઓ વારંવાર પૂછાતા સવાલો

અમુક લોકો યહોવાહના સાક્ષીઓનો વિરોધ શા માટે કરે છે?

તેઓ વિષે ઘણા લોકોને ખોટી માહિતી મળી હોય. યહોવાહના સાક્ષીઓ લોકોને ઈશ્વર વિષે જણાવે, એ કદાચ ઘણાને ગમતું ન હોય. પણ તેઓ એ કામ લોકો પરના પ્રેમને લીધે કરે છે, કેમ કે તેઓ જાણે છે કે “જે કોઈ પ્રભુને [યહોવાહને] નામે વિનંતી કરશે તે તારણ પામશે.”—રૂમી ૧૦:૧૩.

શું યહોવાહના સાક્ષીઓ પ્રોટેસ્ટંટ, ધર્મઝનૂની કે કોઈ પંથના લોકો છે?

યહોવાહના સાક્ષીઓ ખ્રિસ્તી છે. પણ તેઓ પ્રોટેસ્ટંટ કે કૅથલિક નથી. એ બે ધર્મની અમુક માન્યતાઓ બાઇબલ પ્રમાણે નથી, એમ તેઓ જાણે છે. દાખલા તરીકે, બાઇબલ એમ શીખવતું નથી કે નરક જેવી કોઈ જગ્યા છે, જેમાં ઈશ્વર લોકોને હંમેશ માટે રિબાવે છે. ઈશ્વર તો પ્રેમના સાગર છે. બાઇબલ એમ પણ શીખવતું નથી કે મનુષ્યમાં આત્મા જેવું કંઈ છે, જે અમર છે. તેમ જ, ખ્રિસ્તીઓને રાજકારણમાં ભાગ લેવાનું પણ બાઇબલ શીખવતું નથી.—હઝકીએલ ૧૮:૪; યોહાન ૧૫:૧૯; ૧૭:૧૪; રૂમી ૬:૨૩. *

ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે કે “અમેરિકામાં પ્રોટેસ્ટંટ ધર્મમાંથી ઝનૂની ભક્તોનો ફાંટો પડ્યો.” સમય જતાં એ ફાંટામાંથી ઊભા થયેલાં અમુક સંગઠનોએ ‘બાઇબલનાં લખાણોનો મન ફાવે એવો અર્થ કરીને રાજકારણ અને સમાજમાં પદવીઓ મેળવી.’ જ્યારે કે યહોવાહના સાક્ષીઓ રાજકારણમાં ભાગ લેતા નથી. તેઓ રાજકારણ દ્વારા કે બીજી કોઈ રીતે પોતાના વિચારો બીજાઓ પણ માને, એવી બળજબરી કરતા નથી. તેઓ તો શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, લોકોને મળીને વાત કરે છે. તેઓને ગળે ઊતરે એવા પુરાવા પણ આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૮.

પંથ એને કહેવાય જે કોઈક ધર્મનો ફાંટો હોય કે પછી એમાંથી નવો ધર્મ બનાવવા છૂટા પડેલા ભક્તોનું કોઈક ગ્રૂપ હોય. યહોવાહના સાક્ષીઓએ કોઈ ચર્ચમાંથી નીકળીને ધર્મ બનાવ્યો નથી. તેઓ કોઈ પંથના લોકો નથી.

યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં શું થાય છે?

તેઓની મિટિંગમાં કોઈ પણ આવી શકે છે. એમાં બાઇબલનું શિક્ષણ મળે છે. ઘણી વાર સવાલ-જવાબ પણ થાય છે. દર અઠવાડિયે દેવશાહી સેવા શાળા હોય છે, જેમાં તેઓને વાંચવા, શીખવવા અને સંશોધન માટેની કળા કેળવવા મદદ મળે છે. બીજી એક મિટિંગમાં બાઇબલના કોઈ વિષય પર ત્રીસ મિનિટનું પ્રવચન હોય છે. એ પ્રવચન યહોવાહના ભક્તો ન હોય, તેઓને પણ ગમે એવું હોય છે. એના પછી ચોકીબુરજ મૅગેઝિન દ્વારા બાઇબલની ચર્ચા થાય છે. બધી મિટિંગની શરૂઆત અને અંતમાં ગીત ગવાય છે, પ્રાર્થના થાય છે. કોઈ દાન માગવામાં આવતું નથી કે દાનની થાળી ફેરવવામાં આવતી નથી.—૨ કોરીંથી ૮:૧૨.

યહોવાહના સાક્ષીઓનો ખર્ચો કઈ રીતે નીકળે છે?

તેઓનો ખર્ચો લોકોએ પોતાની મરજીથી આપેલાં દાનોમાંથી નીકળે છે. તેઓ બાપ્તિસ્મા, લગ્‍ન, અંતિમ ક્રિયા કે બીજી કોઈ પણ ધાર્મિક વિધિ માટે પૈસા લેતા નથી. તેઓએ પોતાના સંગઠનને અમુક રકમ આપવી જ, એવું કંઈ હોતું નથી. તેઓ ભક્તિ માટે ભેગા મળે છે, એ કિંગ્ડમ હૉલમાં ફાળા માટેના બૉક્સ હોય છે. જે કોઈ ખુશીથી દાન આપવા ચાહે, તે એમાં નાખી શકે છે. યહોવાહના સાક્ષીઓ પોતે જ બાઇબલનું સાહિત્ય છાપે છે, જેથી એ સસ્તું પડે. કિંગ્ડમ હૉલ અને બ્રાંચ ઑફિસો પણ મોટા ભાગે તેઓ પોતે જ બાંધે છે.

શું યહોવાહના સાક્ષીઓ કોઈ સારવાર લે છે?

હા. તેઓ પોતાના માટે અને કુટુંબ માટે એકદમ સારી સારવાર ચાહે છે. તેઓમાંના ઘણા તો નર્સ, પેરામેડિક, ડૉક્ટર અને સર્જન છે. પણ બાઇબલ જણાવે છે કે ‘લોહીથી દૂર રહો.’ એટલે યહોવાહના સાક્ષીઓ સારવારમાં લોહીનો ઉપયોગ કરતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) આજે ઘણા ડૉક્ટરો પણ માને છે કે લોહી વિના સારવાર કરાવવી, એ ‘સૌથી સારી સારવાર’ છે. એનાથી તંદુરસ્તીને એવાં જોખમ રહેતાં નથી, જે લોહી લેવાથી ઊભા થઈ શકે છે. (g10-E 08)

[ફુટનોટ]

^ બાઇબલની આ અને બીજી ઘણી માન્યતાઓ વિષે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તક જણાવે છે. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

હળી-મળીને રહેતા લોકો

દક્ષિણ મૅક્સિકોમાં બેકુકલ દે ઑકામ્પો નામે શહેર છે, જે કંઈક અલગ જ છે. ઍક્સેલ્યોર ન્યૂઝ પેપર જણાવે છે કે ‘એ શહેરમાં રહેતા મોટા ભાગના લોકો યહોવાહના સાક્ષીઓ છે. ત્યાં ધાર્મિક અને રાજકીય બાબતે લોકો ઝઘડતા નથી. તેઓએ દારૂ અને સિગારેટ છોડી દઈને, બાઇબલ વાંચવાનું અને એનાં ગીતો ગાવાનું શરૂ કર્યું છે. તેઓ બધા અધિકારીઓને પણ માન આપે છે.’

એ જ ન્યૂઝ પેપર આગળ જણાવે છે કે શહેરમાં બીજા ધર્મોના લોકો હોવા છતાં, ‘ધર્મની બાબતે કોઈ તકરાર થતી નથી. કોઈ વેરઝેર નથી. પડોશીઓ એકબીજા સાથે હળી-મળીને રહે છે. દરેક કુટુંબ પોતપોતાનો ધર્મ પાળતા હોવા છતાં, બધા સાથે હળી-મળીને રહે છે. બેકુકલ શહેરમાં યહોવાહના ઘણા સાક્ષીઓ છે, એનો કોઈને વાંધો નથી.’ એક હાઇસ્કૂલના શિક્ષક યહોવાહના સાક્ષી નથી, છતાંય તેમણે આમ કહ્યું: “સાક્ષીઓના બાળકો સ્કૂલમાં સારી રીતે તૈયાર થઈને આવે છે, સારા માર્ક્સ લાવે છે અને ક્લાસમાં કોઈ ધમાલ મચાવતા નથી.”