સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૧
યુવાનો પૂછે છે
સોશિયલ નેટવર્કિંગ વિષે શું ધ્યાન રાખવું જોઈએ? ભાગ ૧
“બીજા દેશોમાં પણ મારા ફ્રેન્ડ્સ છે. તેઓ સાથે સોશિયલ નેટવર્કથી સંપર્કમાં રહેવું સૌથી સહેલું છે. ભલેને તેઓ દુનિયાના બીજા છેડે હોય તોય તેઓ સાથે વાત કરવાની મઝા આવે છે.”—૧૭ વર્ષની સુસ્મિતા. *
‘મને લાગે છે કે સોશિયલ નેટવર્કિંગ સમયનો બગાડ છે. એ તો રૂબરૂ હળવું-મળવું નથી એવા આળસુ લોકો માટે છે. દોસ્તો સાથે રૂબરૂ વાત કરવાની મઝા કંઈ ઓર જ છે!’—૧૯ વર્ષનો ગેરી.
ઉપર જણાવેલી કોમેન્ટમાંથી કઈ તમારા વિચારોની સુમેળમાં છે? ભલે એમાંની ગમે એ હોય, એક વાત ચોક્કસ છે: સોશિયલ નેટવર્કિંગ આજે લોકપ્રિય છે. * જરા વિચાર કરો: પાંચ કરોડ લોકો રેડિયો સાંભળતા થયા એને ૩૮ વર્ષ લાગ્યા. એટલા જ લોકો ટીવી જોતા થયા એને ૧૩ વર્ષ અને ઇન્ટરનેટ વાપરતા થયા એને ફક્ત ચાર વર્ષ લાગ્યા. જ્યારે કે એની સરખામણીમાં એક જ વર્ષમાં ૨૦ કરોડ લોકો સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબુક વાપરતા થયા!
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું એ જણાવો.
સૌથી વધારે તરુણો સોશિયલ નેટવર્ક સાઈટ વાપરે છે. ___ ખરું ___ ખોટું
જવાબ: ખોટું. ૬૦ ટકાથી પણ વધારે લોકો ૨૫ વર્ષ કે એનાથી મોટી ઉંમરના છે. ૨૦૦૯માં જોવા મળ્યું કે ૫૫ વર્ષથી મોટી ઉંમરનાઓ વધારે એવી વેબસાઈટ વાપરે છે.
જોકે, આજે લાખો યુવાનો સોશિયલ નેટવર્ક સાઈટ વાપરે છે. તેઓમાંના ઘણાને આ રીતે વાતચીત કરવાનું વધારે પસંદ છે. સત્તર વર્ષની જેસ્સી કહે છે, ‘મેં મારું એકાઉન્ટ થોડા સમય માટે બંધ (ડીએક્ટીવેટ) કરાવી નાખ્યું. પછી ફરી એક્ટીવેટ કરાવું પડ્યું, કેમ કે કોઈ મને ફોન કરતું ન હતું. મને એવું લાગ્યું કે સોશિયલ નેટવર્ક સાઈટ પર ન આવો તો, લોકો તમને ભૂલી જાય.’
સોશિયલ નેટવર્કિંગ કેમ આટલું લોકપ્રિય છે? સાદો જવાબ છે કે મનુષ્યોને બીજાઓ સાથે વાત કરવું ગમે છે. સોશિયલ નેટવર્ક દ્વારા લોકો એ જ કરે છે. ઘણાને એ વાપરવાનું વધારે ગમે છે. શા માટે? ચાલો અમુક કારણો જોઈએ.
૧. વાત કરવી સહેલું પડે છે.
“બધા જ મિત્રોના સંપર્કમાં રહેવું સહેલું નથી. પણ બધા એક જ વેબસાઈટ પર હોય તો, આસાન બને છે.”—૨૦ વર્ષની લીના.
“કોમેન્ટ લખવાથી બધા જ ફ્રેન્ડ્સને સંદેશો મળી જાય છે, જાણે કે બધાને એક જ સમયે મેં ઈમેઈલ કર્યો હોય.”—૨૦ વર્ષની ક્રિસ્ટીના.
૨. મિત્રોનું દબાણ.
“ઈમેઈલમાં મને ફ્રેન્ડ્સ બનવાની લોકો પાસેથી રીક્વેસ્ટ આવે છે. પણ સોશિયલ નેટવર્કમાં મારું એકાઉન્ટ ન હોવાથી હું જોડાઈ શકતી નથી.”—૨૨ વર્ષની નીતા.
“જ્યારે હું લોકોને જણાવું કે મારે એમાં એકાઉન્ટ ખોલાવવું નથી, ત્યારે તેઓને લાગે છે કે ‘હું કઈ દુનિયામાં જીવું છું!’”—૧૮ વર્ષની હર્ષા.
૩. મીડિયાનું દબાણ.
“મીડિયા અહેસાસ કરાવે છે કે મિત્રો સાથે ઇન્ટરનેટથી જોડાયેલા ન રહો તો, કોઈ મિત્રો જ નહિ રહે. મિત્રો ન હોય તો જીવનમાં કંઈ નથી. જો તમે સોશિયલ નેટવર્કનો ઉપયોગ ન કરો તો તમારી કોઈ કિંમત નથી.”—૧૮ વર્ષની કેટરીના.
૪. સ્કૂલ.
‘મારા ટીચર સોશિયલ નેટવર્ક વાપરે છે. કોમેન્ટ દ્વારા તે અમુક વાર જણાવે છે કે ક્યારે ક્વિઝ કરવાના છે. તેમ જ, મને મૅથ્સમાં સમજ ન પડે તો, હું ટીચરને કોમેન્ટમાં લખું અને તે મને ઓનલાઇન એ સમજવા મદદ કરે છે.’—૧૭ વર્ષની મરીના.
૫. કામ.
‘જોબ શોધતા હોય તેઓ પણ સોશિયલ નેટવર્ક વાપરે છે. કોઈક વાર એનાથી તેઓને કામ મળી જાય છે.’—૨૦ વર્ષની અમી.
‘હું કામ માટે સોશિયલ નેટવર્ક વાપરું છું. એનાથી મારા ક્લાયન્ટ જોઈ શકે છે કે હું કેવી ડિઝાઈન બનાવું છું.’—૨૧ વર્ષનો ડેવીડ.
શું તમારે સોશિયલ નેટવર્ક એકાઉન્ટ ખોલાવવું જોઈએ? જો તમે મમ્મી-પપ્પા સાથે રહેતા હોવ, તો તેઓ નક્કી કરી શકે કે તમને જરૂર છે કે નહિ. * (નીતિવચનો ૬:૨૦) તેઓ ના પાડે તો તમારે માનવું જોઈએ.—એફેસી ૬:૧.
અમુક માબાપ પોતાના જવાબદાર બાળકોને સોશિયલ નેટવર્ક વાપરવાની રજા આપે છે, પણ તેઓ પર નજર રાખે છે. જો તમારા મમ્મી-પપ્પા પણ એમ કરતા હોય, તો શું તેઓ તમારા જીવનમાં માથું મારે છે? જરાય નહિ! માબાપ જાણે છે કે સોશિયલ નેટવર્ક જેટલું ઉપયોગી છે તેટલું જ એમાં જોખમ રહેલું છે. તમારી ચિંતા હોવાથી તેઓ નજર રાખે છે. જોકે, ઇન્ટરનેટથી જેટલો ખતરો રહેલો છે એટલો જ સોશિયલ નેટવર્કિંગથી પણ છે. તમારા મમ્મી-પપ્પા તમને સોશિયલ નેટવર્ક વાપરવાની રજા આપે તો, એના ખતરાથી કેવી રીતે દૂર રહી શકો?
સમજી-વિચારીને વાપરો
ઇન્ટરનેટ વાપરવાને કાર ચલાવવા સાથે સરખાવી શકાય. તમે જોયું હશે કે વ્યક્તિ પાસે લાઇસન્સ હોય એનો એવો અર્થ નથી કે તે સાચવીને ચલાવશે. ખરું કહીએ તો, ઘણા લોકો બેદરકારીથી કાર ચલાવીને ખતરનાક ઍક્સિડન્ટ કરી બેઠા છે.
ઇન્ટરનેટ વાપરતા લોકો વિષે પણ એવું જ છે. અમુક લોકો સમજી-વિચારીને અને બીજાઓ બેદરકારીથી વાપરે છે. તમારા મમ્મી-પપ્પા સોશિયલ નેટવર્ક વાપરવાની રજા આપે તો, તેઓને ભરોસો છે કે તમે સમજી-વિચારીને વાપરશો. સોશિયલ નેટવર્ક વાપરવામાં તમે કેવા છો? શું તમે બતાવ્યું છે કે તમારામાં ‘જ્ઞાન તથા વિવેકબુદ્ધિ’ છે?—નીતિવચનો ૩:૨૧.
આ લેખમાં આપણે સોશિયલ નેટવર્કિંગ વિષે બે મહત્ત્વની બાબત વિષે ચર્ચા કરીશું. એ છે તમારી પ્રાઇવસી અને ટાઈમ. એના વિષે તમારે ખાસ વિચારવું જોઈએ. પાન ૧૮ ઉપરનો “યુવાનો પૂછે છે” લેખ, તમારી શાખ અને દોસ્તી વિષે ચર્ચા કરશે.
તમારી પ્રાઇવસી
સોશિયલ નેટવર્ક વાપરવાની વાત આવે ત્યારે પ્રાઇવસી સાચવવાનું તમે કદાચ વિચાર્યું પણ નહિ હોય. તમારો ઇરાદો તો લોકો સુધી પહોંચવાનો છે, ખરું ને? જોકે, સાવચેત ન રહીએ તો મુસીબત આવી શકે.
એક દાખલો લઈએ. ધારો કે તમારી પાસે પુષ્કળ રોકડા પૈસા છે. શું તમે એ રોકડ તમારા ફ્રેન્ડ્સની સાથે રસ્તા પર ચાલતા બધાને બતાવશો? એમ કરવું મૂર્ખામી કહેવાય! એ તો સામે ચાલીને લુટારાને નોતરવા બરાબર છે! તમે સમજદાર હશો તો, પૈસા છુપાવીને રાખશો.
ભૂલશો નહિ કે તમારી માહિતી રોકડા પૈસા બરાબર છે. એ ધ્યાનમાં રાખીને નીચે આપેલું લિસ્ટ જુઓ અને ટિક કરો કે કઈ બાબતો તમે અજાણ્યાને જણાવવા ચાહતા નથી.
___ ઘરનું સરનામું
___ મારું ઈમેઈલ
___ કઈ સ્કૂલમાં ભણ્યો
___ ક્યારે ઘરે હોઉં છું
___ ક્યારે ઘરે કોઈ જ ન હોય
___ મારા ફોટા
___ મારા વિચારો
___ મને શું ગમે છે અને શામાં રસ છે
ભલેને તમે સૌથી મળતાવડા હોવ, તોય સહમત થશો કે ઉપરના લિસ્ટમાંથી મોટા ભાગની બાબતો અજાણ્યાને જણાવવી ન જોઈએ. પરંતુ ઘણા યુવાનો અને મોટી ઉંમરના લોકોએ પણ અજાણતા એવી માહિતી પારકાને આપી છે. તમારાથી એવી ભૂલ ન થાય માટે શું કરી શકો?
જો તમારાં મમ્મી-પપ્પા સોશિયલ નેટવર્ક વાપરવા દે, તો તમારે પ્રાઇવસી સેટિંગથી પૂરેપૂરા જાણકાર થઈને યોગ્ય સેટિંગ રાખવી જોઈએ. એવું ન માનશો કે નેટવર્ક સાઈટ આપોઆપ તમારી માહિતીનું રક્ષણ કરશે. હકીકતમાં ડિફૉલ્ટ સેટિંગ બીજા લોકોને તમારું પેજ જોવાની અને એના પર કોમેન્ટ લખવાની છૂટ આપે છે. એટલે જ અનીતાએ એવું સેટિંગ રાખ્યું છે કે ફક્ત તેના મિત્રો જ તેનું પેજ અને ફોટા જોઈ શકે. તે કહે છે, “મારા મિત્રોના પણ મિત્રો છે જેઓને હું નથી ઓળખતી. એટલે હું નથી ચાહતી કે તેઓ પણ મારા વિષે બધું જ વાંચે.”
તમે દોસ્તો સાથે જ વાતચીત વ્યવહાર રાખતા હોવ તોય તમારે સાવચેત રહેવું જોઈએ. ૨૧ વર્ષની કરીના કહે છે, ‘તમને મિત્રોની કોમેન્ટ જાણવાની આદત પડી જાય છે. એટલે પોતાના વિષે જેટલું જણાવવું જોઈએ એનાથી પણ વધારે જણાવવા લાગો છો.’
એ ભૂલીએ નહિ કે ઇન્ટરનેટ પર કંઈ જ છુપાવી શકતા નથી. કેમ એવું? ગ્વેન શરગીન ઑકીફે પોતાના પુસ્તક સાયબરસેફમાં લખ્યું: ‘મોટી મોટી વેબસાઈટ ડેટાબેઝનું બૅકઅપ રાખે છે. આપણે ઇન્ટરનેટ પર જે કંઈ મૂકીએ એ કદી ડિલીટ થતું નથી. એ ડિલીટ થાય છે એવું ધારવું મૂર્ખામી કહેવાય. ક્યાંક ને ક્યાંક તો એની કૉપી રહે જ છે.’
તમારો ટાઈમ
તમારી પ્રાઇવસીની સાથે સાથે સમય પણ રોકડા પૈસા જેવો છે. એટલે સમય સારી રીતે વાપરતા શીખવું જોઈએ. (સભાશિક્ષક ૩:૧) ઇન્ટરનેટ, એમાંય ખાસ કરીને સોશિયલ નેટવર્ક વાપરતા હોઈએ ત્યારે, સાવધ ન રહીએ તો સમય વીજળીની જેમ ભાગી જાય. *
“ઘણી વાર વિચારતી કે ‘હું થોડી વાર જ વાપરીશ.’ અરે, કલાક પછી પણ હું ત્યાં ચોંટેલી હોઉં છું.”—૧૮ વર્ષની અનુ.
“રોજ સ્કૂલેથી ઘરે જઈને જોવા બેસતી કે બીજા લોકોએ મારા વિષે શું લખ્યું છે અને તેઓ વિષે બીજાએ શું લખ્યું
છે. એ બધું વાંચ્યા વગર મને ચાલતું જ નહિ.”—૧૬ વર્ષની કિર્તિ.“સ્કૂલે જતા, સ્કૂલમાં અને ઘરે આવતા હું મારા મોબાઇલમાંથી સોશિયલ નેટવર્ક વાપરી શકતી. ઘરે આવ્યા પછી પણ કૉમ્પ્યુટર પર ચોંટી જતી. હું જાણતી હતી કે મને આદત પડી ગઈ છે, પણ મને છોડવી ન હતી!”—૧૭ વર્ષની રીના.
તમારા મમ્મી-પપ્પા સોશિયલ નેટવર્ક સાઈટ વાપરવાની રજા આપે તોય, વાજબી રીતે નક્કી કરો કે તમે રોજ કેટલો સમય આપશો. પછી એ પ્રમાણે જ કરો. એક મહિનો જુઓ કે તમે કેટલો સમય એવી સાઈટ પર ગાળો છો. પછી જુઓ કે તમે નક્કી કરેલા સમય પ્રમાણે જ વાપરો છો કે કેમ. ભૂલશો નહિ કે તમારો સમય પૈસાની જેમ કીમતી છે. એટલે સોશિયલ નેટવર્કિંગ પાછળ તમારો સમય વેડફી ન નાખશો. ખરું કહીએ તો, જીવનમાં એના કરતાંય ઘણી મહત્ત્વની બાબતો છે!—એફેસી ૫:૧૫, ૧૬; ફિલિપી ૧:૧૦.
અમુક યુવાનોએ વધારે પડતો સમય ન વપરાય માટે યોગ્ય પગલાં લીધા છે. નીચે આપેલા અમુક અનુભવનો વિચાર કરો:
“એકાઉન્ટ ડીએક્ટીવેટ કરાવ્યા પછી મારી પાસે પુષ્કળ સમય રહેતો. હાલમાં મેં પાછું એક્ટીવેટ કરાવ્યું. પણ હવે સમય સાચવીને વાપરું છું અને રોજ રોજ ચેક નથી કરતી. અરે, કોઈ વાર તો એના વિષે યાદ પણ નથી આવતું. જો સોશિયલ નેટવર્ક મારો વધારે પડતો સમય ખાવા લાગશે તો, ફરી ડીએક્ટીવેટ કરી દઈશ.”—૧૯ વર્ષની અનીતા.
‘હું અમુક મહિના મારું એકાઉન્ટ ડીએક્ટીવેટ કરું છું. મન થાય ત્યારે ફરી એક્ટીવેટ કરું છું. મને જ્યારે પણ અહેસાસ થાય કે વધારે સમય વાપરું છું ત્યારે ડીએક્ટીવેટ કરું છું. હવે પહેલાં જેટલો સમય નથી વાપરતી. ફક્ત કામ પૂરતું જ વાપરું છું.’—૨૨ વર્ષની સુજાતા.
હકીકતમાં કોના માટે છે?
સોશિયલ નેટવર્કિંગ વિષે વિચારવા માટે બીજું એક કારણ છે. એ સમજવા નીચે આપેલી યોગ્ય પસંદગી સામે ✔ કરો.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ કોના માટે છે?
(૧) ___ વેપાર-ધંધા.
(૨) ___ સોશિયલ ક્લબ.
(૩) ___ મનોરંજન.
ખરો જવાબ? માનો કે ન માનો, વેપાર-ધંધા માટે છે. હકીકતમાં સોશિયલ નેટવર્ક એક વેપાર-ધંધો છે. એનો મકસદ જાહેરાતો દ્વારા પૈસા બનાવવાનો છે. જેટલા વધારે લોકો એના મેમ્બર થાય અને તેઓનું પેજ બીજાઓ પણ જુએ, એનાથી જાહેરાત કરનારાઓની નામના વધે છે. તમે કે બીજા કોઈ જેટલો સમય ઇન્ટરનેટ પર ગાળો એટલી વધારે જાહેરાતો થાય છે.
એ જાણીને આ હકીકત સ્વીકારવા મદદ મળે છે: આપણે ઇન્ટરનેટ પર વધારે સમય આપીએ કે વધારે લોકો સાથે માહિતીની આપે-લે કરીએ એનાથી સોશિયલ નેટવર્ક કંઈ ગુમાવતું નથી. પણ જાહેરાત આપનારાને જ ફાયદો થાય છે. એટલે જો તમે સોશિયલ નેટવર્ક વાપરતા હોવ, તો પોતાની પ્રાઇવસી સાચવો અને કેટલો સમય વાપરો છો એની નોંધ રાખો. (g11-E 07)
હવે પછીના “યુવાનો પૂછે છે” લેખમાં . . .
સોશિયલ નેટવર્કિંગની તમારી શાખ અને દોસ્તી પર અસર પડે છે. કેવી રીતે? એ વિષે વાંચો.
“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype
[ફુટનોટ્સ]
^ આ લેખમાં નામ બદલવામાં આવ્યા છે.
^ સોશિયલ નેટવર્ક એટલે ઇન્ટરનેટ પર એક પ્રકારની વેબસાઈટ. જેઓએ એમાં એકાઉન્ટ ખોલ્યા હોય તેઓ પોતાના મિત્રોને સંદેશાની આપ-લે કરી શકે છે.
^ સજાગ બનો! સોશિયલ નેટવર્કિંગ વાપરવાનું ઉત્તેજન નથી આપતું કે મના નથી કરતું. ઇન્ટરનેટ વાપરવા વિષે યહોવાના ભક્તે કાળજી રાખવી જોઈએ, જેથી બાઇબલનો કોઈ સિદ્ધાંત ન તૂટે.—૧ તીમોથી ૧:૫, ૧૯.
^ વધારે માહિતી માટે એપ્રિલ-જૂન ૨૦૧૧ના સજાગ બનો!માં “યુવાનો પૂછે છે . . . શું હું ઇલેકટ્રોનિક્સ સાધનોનો ગુલામ છું?” લેખ જુઓ. ખાસ કરીને પાન ૧૮નું બૉક્સ જુઓ, “હું સોશિયલ નેટવર્કિંગ સાઇટની બંધાણી હતી.”
[પાન ૧૫ પર બ્લર્બ]
પાંચ કરોડ લોકો રેડિયો સાંભળતા થયા એને ૩૮ વર્ષ લાગ્યા
[પાન ૧૫ પર બ્લર્બ]
એક જ વર્ષમાં ૨૦ કરોડ લોકો સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબુક વાપરતા થયા
[પાન ૧૭ પર બોક્સ]
તમારા માબાપને પૂછો
માબાપ સાથે વાત કરો કે ઇન્ટરનેટ પર પ્રાઇવસી કઈ રીતે સાચવી શકાય. કેવી બાબતો ન જણાવવી જોઈએ અને શા માટે? ઇન્ટરનેટ પર કેવી માહિતી મૂકવાથી જોખમ રહેલું છે? માબાપને એ પૂછો કે ઇન્ટરનેટ પર અને રૂબરૂ વાત કરવામાં કઈ રીતે સમતોલ રાખી શકાય? તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે?
[પાન ૧૬ પર ચિત્ર]
સોશિયલ નેટવર્ક પર જે કંઈ કરો એ તમે ધારો છો એટલું પ્રાઇવેટ રહેતું નથી
[પાન ૧૭ પર ચિત્ર]
સમય પૈસા જેવો છે. એક વસ્તુ પાછળ બધો સમય વેડફી નાખશો તો, જરૂર હોય ત્યારે સમય નહિ હોય