સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બીજાઓના કેમ વખાણ કરવા જોઈએ?

બીજાઓના કેમ વખાણ કરવા જોઈએ?

બાઇબલ શું કહે છે?

બીજાઓના કેમ વખાણ કરવા જોઈએ?

ઘણાને લાગે છે કે તેઓ જે મહેનત કરે છે એ બીજાઓના ધ્યાનમાં આવતી નથી. દાખલા તરીકે, નોકરી કરતા વ્યક્તિઓને ઘણી વાર એવું લાગે છે કે માલિકને તેમની કદર નથી. ઘણા લગ્‍ન સાથીઓને લાગે છે કે પોતાના સાથી તેમની કંઈ કિંમત કરતા નથી. અમુક બાળકોને લાગે છે કે તેઓ કદી પણ માબાપની અપેક્ષાઓ પૂરી કરી શકશે નહિ. પરંતુ, આપણે અવારનવાર એકબીજાના વખાણ કરીશું, તો આવી લાગણીઓથી મુક્ત થઈ શકીશું.

આજકાલ કોઈ દિલથી વખાણ કરતું હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જોકે, એમાં કોઈ નવાઈ નથી, કેમ કે બાઇબલ કહે છે: ‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે. કેમ કે માણસો સ્વાર્થી થશે.’ આભાર ન માનનારા અને વિશ્વાસઘાતી થશે.—૨ તીમોથી ૩:૧, ૨.

શું કોઈએ તમારા વખાણ કર્યા છે? જો એમ હોય તો ચોક્કસ તમારા દિલને બહુ આનંદ થયો હશે અને તમને ઘણું ઉત્તેજન મળ્યું હશે. બાઇબલ કહે છે: “યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!” (નીતિવચનો ૧૫:૨૩) એકબીજા સાથે નમ્રતાથી વર્તવા બાઇબલ આપણને મદદ કરી શકે છે.

બીજાઓમાં સારું જુઓ

યહોવાને આપણામાં ખૂબ જ રસ છે. તેથી, તે આપણા સારાં કામો અને ગુણો જુએ છે, એની કદર પણ કરે છે. બાઇબલ આપણને ખાતરી આપે છે: ‘યહોવાની નજર આખી પૃથ્વી પર છે. અને જેઓનું દિલ તેમના પ્રત્યે સંપૂર્ણ છે તેઓને તે શોધે છે, જેથી તેઓને મદદ કરીને તે પોતાનું મહાન સામર્થ્ય પ્રગટ કરે છે.’ (૨ કાળવૃત્તાંત ૧૬:૯) આપણે ઈશ્વરના નિયમો પાળીને તેમને પ્રેમ બતાવીએ છીએ ત્યારે, તે એની ચોક્કસ કદર કરે છે.

યહોવા ઈશ્વર આપણામાં ભૂલો કે ખામીઓ શોધતા નથી. જો તે એમ કરે તો આપણામાંથી કોઈ તેમની આગળ ઊભું ન રહી શકે. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) કદાચ તમે ખાણમાં કામ કરતા માણસોને (ખાણિયા) જોયા હશે. તેઓ કીમતી પથ્થરોની શોધમાં હોય છે. તેઓને હીરા જેવો કીમતી પથ્થર મળે છે ત્યારે, બહુ ખુશ થાય છે! પહેલી નજરે જોતાં, એ પથ્થર સાવ સામાન્ય લાગી શકે, પરંતુ ખાણિયા પારખી શકે છે કે એ હીરો છે. એવી જ રીતે, યહોવા પણ આપણા હૃદયમાં જુએ છે. એમાંથી તે ભૂલો અને ખામીઓ નહિ, પણ સારા ગુણો શોધે છે. જ્યારે આપણામાં હીરા જેવા ગુણો મળે છે, ત્યારે તેમને ઘણો આનંદ થાય છે! તે જાણે છે કે એ ગુણોને હીરાની જેમ, આકાર આપવામાં આવે અને ચમકાવવામાં આવે, ત્યારે એ ગુણો વ્યક્તિને બહુ કીમતી બનાવે છે. એવી વ્યક્તિઓ યહોવાના વહાલા ભક્તો બને છે.

પણ એવું બની શકે કે લોકોમાં આપણને પહેલા તેઓની ભૂલો જ દેખાય. પણ, ઈશ્વરના દાખલામાંથી કંઈક શીખવા મળે છે. તેમની જેમ લોકોને જોઈશું તો, તેઓમાં સારા ગુણો શોધીશું. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૧, ૧૭, ૧૮) બીજાઓમાં સારા ગુણો જોવા મળે, ત્યારે તેઓના વખાણ કરીએ. એનાથી શું થશે? આપણા શબ્દોથી ચોક્કસ તેઓને ઉત્તેજન મળશે અને તેઓ સારુ કરવા હજી વધારે પ્રયત્નો કરશે! બીજાઓને શાબાશી આપીશું તો ચોક્કસ આપણને આનંદ મળશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

સારાં કામોની કદર કરો

ઈસુ હંમેશાં બીજાઓનાં સારાં કામો જોતા અને એની કદર કરતા. એક સમયે, એક બીમાર સ્ત્રી સાજી થવા ગભરાતી ગભરાતી, છૂપી રીતે ઈસુના કપડાંને અડકે છે. ઈસુ તેની કદર કરતા કહે છે: “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે.”—માર્ક ૫:૩૪.

બીજા એક પ્રસંગે, ઈસુ યરૂશાલેમના મંદિરમાં શીખવતા હતા. તેમણે જોયું કે કેટલાક અમીરો દાન પેટીમાં પૈસા નાખતા હતા. પછી, એક ગરીબ વિધવાને “બે દમડી,” એટલે કે બે નાના સિક્કા પેટીમાં નાખતાં જોઈ. બીજાઓએ તેના કરતાં વધારે પૈસાનું દાન કર્યું હતું. તોપણ, ઈસુએ જાહેરમાં તે વિધવાના વખાણ કરતા કહ્યું: “હું તમને સાચું કહું છું, કે આ દરિદ્રી વિધવાએ એ સઘળાઓ કરતાં વધારે નાખ્યું છે; કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”—લુક ૨૧:૧-૪.

આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? બાઇબલ જણાવે છે: “કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ.”—નીતિવચનો ૩:૨૭, કોમન લેંગ્વેજ.

વખાણના બે બોલમાં ઘણી તાકાત છે

આજની દુનિયામાં કદર જેવું જોવા મળતું નથી. પરંતુ, બધાને શાબાશીના બે બોલ સાંભળવા ગમે છે. દિલથી બીજાઓની કદર કરીએ ત્યારે, તેઓને હિંમત અને ઉત્તેજન આપીએ છીએ. આપણે દિલથી કરેલા વખાણ, તેઓને સારું કરવા પ્રોત્સાહન આપે છે.—નીતિવચનો ૩૧:૨૮, ૨૯.

બાઇબલ ઉત્તેજન આપે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.” (હિબ્રૂ ૧૦:૨૪) જો બધા લોકો એકબીજામાં રસ લેતા હોત, સારા ગુણો જોતા હોત અને કદર કરતા હોત, તો દુનિયા આજે કંઈ અલગ જ હોત. સાચે જ, વખાણના બે બોલમાં ઘણી તાકાત છે! (g12-E 04)

શું તમે કદી વિચાર્યું છે?

● લોકોના સારાં કામો માટે કેમ વખાણ કરવા જોઈએ?—નીતિવચનો ૧૫:૨૩.

● યહોવા આપણા દિલમાં શું જુએ છે?—૨ કાળવૃત્તાંત ૧૬:૯.

● આપણે ક્યારે બીજાઓના વખાણ કરવા જોઈએ?—નીતિવચનો ૩:૨૭.

[પાન ૨૧ પર ચિત્ર]

શું તમે લોકોના સારાં કામ જોઈને વખાણ કરો છો?