કુટુંબ માટે મદદ | લગ્નજીવન
રીસ ન ચઢાવીએ
મુશ્કેલી
લગ્નસાથીએ વિચાર્યા વગર કરેલો વર્તાવ અથવા બોલેલા કડવા વેણ, તમારા દિલમાં જાણે કોતરાઈ ગયા છે. એ તમે ભૂલી શકતા નથી. એટલે, તેમના માટેનો પ્રેમ હવે ગુસ્સામાં બદલાઈ ગયો છે. એવું લાગી શકે કે પડ્યું પાનું નિભાવવા સિવાય છૂટકો નથી. ફક્ત મૂંગે મોંએ સહેવું પડશે. એટલે, તમે લગ્નસાથી પર ચિડાઈ જાઓ છો.
હિંમત ન હારશો, બધું સુધરી શકે છે. પહેલાં તો, રીસ કેમ ચઢે છે એ માટે અમુક હકીકતો જાણીએ.
તમારે શું જાણવું જોઈએ?
રીસ ચઢાવવાથી લગ્નજીવન તૂટી શકે છે. લગ્નજીવન આ ગુણો પર આધારિત છે: પ્રેમ, ભરોસો અને વફાદારી. પણ, રીસ એ ગુણોને નબળા પાડી દે છે. તમે લગ્ન કર્યા છે એટલે રીસ ચઢે છે એવું નથી. પણ, એ બતાવે છે કે તમારા લગ્નજીવનમાં મુશ્કેલી છે. એટલે જ, બાઇબલ આ સલાહ આપે છે: ‘સર્વ પ્રકારની કડવાશ તમારામાંથી દૂર કરો.’—એફેસી ૪:૩૧.
ગુસ્સો ભરી રાખવાથી પોતાને જ નુકસાન થશે. મનમાં ગુસ્સો ભરી રાખવો શાના જેવો છે? એ જાણે એવું છે કે પોતાને તમાચો મારીએ અને ઇચ્છીએ કે બીજી વ્યક્તિને દુખાવો થાય. લેખક માર્ક ઝીકેલે પોતાના પુસ્તકમાં લખ્યું: “એવું બની શકે કે કુટુંબમાં જેના પર આપણને ખાર હોય એ વ્યક્તિ કદાચ બિંદાસ હોય, જીવનનો આનંદ માણતી હોય. કદાચ એ બનાવ વિશે તેને જરાય પડી ન હોય.” એ શું બતાવે છે? લેખક જણાવે છે: “તમને જે વ્યક્તિથી દુઃખ થયું છે એના કરતાં દિલમાં ભરી રાખેલો ખાર તમને વધારે નુકસાન કરે છે.”—કુટુંબમાં બગડેલા સંબંધો સુધારવા (અંગ્રેજી) પુસ્તક.
મનમાં ગુસ્સો ભરી રાખવો એ જાણે એના જેવું છે કે પોતાને તમાચો મારીએ અને ઇચ્છીએ કે બીજી વ્યક્તિને દુખાવો થાય
ગુસ્સા પર કાબૂ રાખવો પોતાના હાથમાં છે. અમુક લોકો એવું માનતા નથી. તેઓ કહેશે કે ‘લગ્નસાથી મને રીસ ચઢાવે છે.’ તકલીફ એ છે કે એવું વિચારવાથી આપણે પોતાના નહિ, પણ બીજી વ્યક્તિનાં વાણી-વર્તન પર વધારે ધ્યાન આપીએ છીએ, જે આપણા હાથમાં નથી. એટલે જ, બાઇબલ સલાહ આપે છે: ‘દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસવી જોઈએ.’ (ગલાતી ૬:૪) આપણે બીજી વ્યક્તિનાં વાણી-વર્તન પર કાબૂ રાખી શકતા નથી, પણ પોતાના પર રાખી શકીએ છીએ. એટલે, રીસ ચઢાવવી જ ઉપાય નથી.
તમે શું કરી શકો?
પોતાની ભૂલ સ્વીકારો. ખરું કે, સાથી પર દોષનો ટોપલો નાખવો સહેલો છે. પરંતુ, યાદ રાખો કે ગુસ્સા પર કાબૂ રાખવો પોતાના હાથમાં છે. માફી આપવી પણ પોતાના હાથમાં છે. બાઇબલની આ સલાહ કદાચ તમને ગમશે: “તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” (એફેસી ૪:૨૬) માફ કરવાનું વલણ રાખશો તો, લગ્નમાં આવેલી મુશ્કેલી ઠંડા મગજે થાળે પાડી શકશો.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૩:૧૩.
દિલમાં ડોકિયું કરો. બાઇબલ કબૂલે છે કે અમુક વ્યક્તિ “ક્રોધી” અને ‘ગુસ્સાવાળી’ હોય છે. (નીતિવચનો ૨૯:૨૨) શું તમે એવા છો? પોતાને પૂછો: ‘શું વાત વાતમાં મારું મોં ફૂલાઈ જાય છે? શું હું જલદીથી રિસાઈ જાઉં છું? શું હું નાની નાની વાતમાં રાઈનો પહાડ બનાવું છું?’ બાઇબલ કહે છે: “અપરાધ યાદ કરાવ્યા કરવાથી ગાઢ મૈત્રી પણ તૂટે છે.” (નીતિવચનો ૧૭:૯, કોમન લેંગ્વેજ; સભાશિક્ષક ૭:૯) પતિ-પત્ની વચ્ચે પણ એવું બની શકે. જો તમને જલદીથી માઠું લાગી જતું હોય, તો પોતાને પૂછો: ‘શું હું મારા સાથી જોડે ધીરજથી વર્તી શકું?’—બાઇબલ સિદ્ધાંત: ૧ પીતર ૪:૮.
મહત્ત્વનું શું છે એ નક્કી કરો. બાઇબલ જણાવે છે કે “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૭) માઠું લાગ્યું હોય એવી બધી જ બાબતની ચર્ચા કરવાની જરૂર નથી. અમુક વખત તમે ‘બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરીને શાંત રહી શકો.’ (ગીતશાસ્ત્ર ૪:૪) કોઈ બાબત વિશે ફરિયાદ કરવી હોય તો, ગુસ્સો ઠંડો પડ્યા પછી વાત કરો. બિટ્રિઝ નામની પત્ની કહે છે: ‘મને કોઈ વાતથી ખોટું લાગે ત્યારે, પ્રથમ શાંત થવાની કોશિશ કરું છું. અમુક વાર મને ખ્યાલ આવે છે કે, જે વિશે ખોટું લાગ્યું હતું એ બહુ મોટી વાત ન હતી. પછી હું માનથી વાત કરી શકું છું.’—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૯:૧૧.
“માફ” કરવાનો અર્થ સમજો. બાઇબલની મૂળ ભાષામાં ‘માફી’ માટે વપરાયેલા શબ્દનો અર્થ થાય, ‘કંઈ જતું કરવું.’ એટલે, માફ કરવાનો અર્થ એ નથી થતો કે ખોટાં વાણી-વર્તન સહી લેવાં અથવા એવું વિચારવું કે જાણે કશું થયું જ નથી. પણ, એનો અર્થ થાય છે કે જતું કરવું ને ભૂલી જવું. ખોટું લાગ્યું છે એનો વિચાર કરતા રહીશું તો, બીજાને નહિ પણ પોતાની તંદુરસ્તી અને લગ્નજીવન પર એની ખરાબ અસર થશે. (g14-E 09)