વિશ્વ પર નજર
મધ્ય પૂર્વ પર એક નજર
એક સમયે ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિની શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી. એટલે, પુરાતત્ત્વશાસ્ત્રીઓ માટે ત્યાં ખજાનો રહેલો છે.
દ્રાક્ષદારૂ બનાવતા કનાનીઓ
વર્ષ ૨૦૧૩માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને એક ઘણું મોટું દ્રાક્ષદારૂનું ગોદામ મળી આવ્યું. એ કનાનીઓનું હતું, જે આશરે ૩,૭૦૦ વર્ષ જૂનું હતું. એ ગોદામમાં ૪૦ મોટી બરણીઓ હતી. એમાં આજની ૩,૦૦૦ બાટલી ભરી શકાય એટલો દ્રાક્ષદારૂ રહેતો. એ બરણીમાં મળેલા અવશેષો પરથી એક પુરાતત્ત્વશાસ્ત્રીએ પારખ્યું કે, કનાનીઓ બહુ ધ્યાનપૂર્વક દ્રાક્ષદારૂ બનાવતા હતા. તેણે કહ્યું: “દરેકે દરેક બરણીમાં એક જ રીતે દ્રાક્ષદારૂ બનાવવામાં આવતો.”
શું તમે જાણો છો? પ્રાચીન ઈસ્રાએલના ‘ઉત્તમ દ્રાક્ષદારૂ’ વિશે બાઇબલમાં નોંધવામાં આવ્યું છે. એને મોટી બરણીઓમાં ભરીને રાખવામાં આવતો હતો.—ગીતોનું ગીત ૭:૯; યિર્મેયા ૧૩:૧૨.
વસ્તીનો વિસ્ફોટ
ગાર્ડિયન ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે ઇજિપ્તમાં વર્ષ ૨૦૧૦ કરતાં ૨૦૧૨માં ૫,૬૦,૦૦૦ વધારે બાળકો જન્મ્યાં હતાં. ઇજિપ્તની બસેરા નામની સંશોધક સંસ્થાની આગળ પડતી વ્યક્તિ, મગેદ ઓસ્માને જણાવ્યું: ‘ઇજિપ્તના ઇતિહાસમાં આટલો મોટો વધારો પહેલી વાર જોવા મળ્યો છે.’ અમુક નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ જ દરે વસ્તી વધ્યા કરશે, તો દેશમાં પાણી, વીજળી અને ખોરાકની પહેલાં કરતાં પણ વધારે અછત પડશે.
શું તમે જાણો છો? બાઇબલ પ્રમાણે, ઈશ્વરનો હેતુ છે કે મનુષ્યો અમુક હદે ‘પૃથ્વીને ભરપૂર કરે’ અને બધાને પૂરતી જીવન-જરૂરી વસ્તુઓ મળી રહે.—ઉત્પત્તિ ૧:૨૮; ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
દાટેલા સિક્કા મળી આવ્યા
ઈસ્રાએલના એક હાઈવે નજીકથી ૧૦૦ કરતાં વધારે કાંસાના સિક્કા મળી આવ્યા હતા. એના પર “વર્ષ ચાર” એવું લખાણ જોવા મળે છે. એ લખાણ યહુદીઓએ રોમનો સામે બળવો કર્યાના ચોથા વર્ષને બતાવે છે. (ઈસવીસન ૬૯-૭૦) એ બળવાના પરિણામે યરૂશાલેમનો વિનાશ થયો. પાબ્લો બેટ્ઝર નામના પુરાતત્ત્વશાસ્ત્રીએ જણાવ્યું: ‘કોઈ વ્યક્તિને લાગ્યું હશે કે વિનાશ આવવાનો છે. કદાચ તેણે રોમન સૈન્યને તેઓની તરફ આવતું જોયું હશે. એટલે, તેણે એ આશામાં પોતાની સંપત્તિ દાટી દીધી કે પાછો આવીને એને લઈ લેશે.’
શું તમે જાણો છો? સાલ ૩૩માં ઈસુએ જણાવ્યું હતું કે, રોમન સૈનિકો યરૂશાલેમને ઘેરી લેશે. ઈસુએ શિષ્યોને પોતાના બચાવ માટે પહાડોમાં નાસી જવાનું કહ્યું હતું.—લુક ૨૧:૨૦-૨૪. (g૧૫-E ૦૯)