પ્રિયજન બીમાર હોય ત્યારે
‘મારા પપ્પાને હૉસ્પિટલમાંથી રજા આપવાના હતા. અમે ડૉક્ટરને પૂછ્યું કે, તેમના બ્લડ રિપોર્ટ કેવા છે. પહેલા તો તેમણે જણાવ્યું કે, બધું બરાબર છે. પણ, તેમણે ફરીથી એના પર નજર નાંખી ત્યારે, જાણવા મળ્યું કે બે જગ્યાએ રિપોર્ટ નોર્મલ નથી. તેમણે માફી માંગી અને એ વિશેના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કર્યો. હવે મારા પપ્પાની તબિયત સારી છે. જોકે, સારું થયું કે અમે એ જ વખતે રિપોર્ટ વિશે ડૉક્ટરને પૂછી લીધું.’—મેરીબેલ.
ડૉક્ટરને બતાવવા જવું કે હૉસ્પિટલમાં દાખલ થવું તણાવભર્યું બની શકે. મેરીબેલનો અનુભવ બતાવે છે કે, એવા સમયે કોઈ સગાં કે દોસ્તનો સાથ મદદરૂપ બની શકે. અમુક કિસ્સામાં વ્યક્તિનો જીવ પણ બચાવી શકે. પ્રિયજન ડૉક્ટરને મળવા જાય ત્યારે, તમે કઈ રીતે મદદ કરી શકો?
મળતા પહેલાં. દર્દીને પોતાની તકલીફો અને હાલમાં તે કઈ દવાઓ લે છે એ વિશે લખી લેવા મદદ કરો. ડૉક્ટરને તે શું પૂછશે એનું પણ લિસ્ટ બનાવવા કહો. તેને પોતાની બીમારીના દરેક લક્ષણો યાદ કરવા જણાવો. ઉપરાંત, તેના કુટુંબમાં કોઈને એવી બીમારી છે કે નહિ એ પણ યાદ કરવા જણાવો. એમ માની ન લો કે ડૉક્ટરને એ બધી માહિતી ખબર હશે અથવા તેમને જરૂર હશે તો પૂછી લેશે.
મળતી વખતે. ડૉક્ટરે જે કહ્યું એ તમે અને દર્દી સમજી ગયા છો એની ખાતરી કરી લો. કંઈ ન સમજાય તો ધારી ન લો પણ સવાલો પૂછો. દર્દીને પોતાના વિચારો જણાવા દો અને સવાલો પૂછવા દો. ડૉક્ટર જે કહે એને ધ્યાનથી સાંભળો અને એની નોંધ લો. અલગ અલગ સારવાર વિશે પૂછો. અમુક કિસ્સાઓમાં બીજા ડૉક્ટરની સલાહ લેવી પણ સારી રહેશે.
મળ્યા પછી. ડૉક્ટર સાથે થયેલી વાતની દર્દી જોડે ચર્ચા કરો. ખાતરી કરી લો કે, તેને યોગ્ય દવાઓ મળે. ડૉક્ટરના સૂચવ્યા પ્રમાણે દવા લેવા તેને ઉત્તેજન આપો. દવાઓની કોઈ આડઅસર થાય તો, તરત ડૉક્ટરને જણાવવા કહો. સારું વિચારવા દર્દીને અરજ કરો. વધારાની સારવાર લેવા જણાવ્યું હોય તો, એ પ્રમાણે કરવા તેને સૂચવો. બીમારી વિશે વધારે માહિતી જાણવા તેને મદદ કરો.
હૉસ્પિટલમાં હો ત્યારે
શાંત પણ સજાગ રહો. હૉસ્પિટલમાં દાખલ થતી વખતે દર્દી ઘણી ચિંતામાં હશે અને પોતાને સાવ લાચાર અનુભવશે. તમે શાંત અને સજાગ રહેશો તો, બીજાઓ હળવાશ અનુભવશે અને કોઈ મોટી ભૂલ થતી અટકશે. દર્દીને દાખલ થવા માટેનું ફૉર્મ બરાબર ભર્યું છે એની ખાતરી કરી લો. સારવાર પસંદ કરવાના દર્દીના હક્કને માન આપો. જો તે ખૂબ જ બીમાર હોય અને તેણે પહેલેથી સારવારને લગતી ઇચ્છા જણાવી હોય, તો એને માન આપો. દર્દીએ પોતાના વતી કોઈને નિર્ણય લેવાનો હક્ક આપ્યો હોય તો, તેને આદર આપો. *
પહેલ કરો. તમારા વિચારો જણાવતા અચકાશો નહિ. તમારા સારાં પહેરવેશ અને વાણી-વર્તનથી હૉસ્પિટલના કર્મચારીઓ પર સારી છાપ પડશે. એનાથી, તેઓને તમારા પ્રિયજનની સારી કાળજી રાખવાનું મન થશે. અમુક હૉસ્પિટલમાં એક જ દર્દીને તપાસવા અલગ અલગ ડૉક્ટરો આવે છે. એવા કિસ્સામાં, મળવા આવેલા ડૉક્ટરને જણાવી શકો કે આગલા ડૉક્ટરે શું કહ્યું હતું. દર્દીને તમે સારી રીતે ઓળખતા હોવાથી તેની તબિયતમાં ફેરફાર દેખાય તો, તરત જણાવો.
માન આપો અને કદર બતાવો. હૉસ્પિટલના કર્મચારીઓને મોટા ભાગે તણાવમાં કામ કરવું પડે છે. તેથી, તેઓ સાથે માનથી વર્તો. (માથ્થી ૭:૧૨) તેઓનાં અનુભવ અને તાલીમની કદર કરો. તેમ જ, તેઓની ક્ષમતામાં ભરોસો બતાવો અને તેઓના પ્રયત્નો માટે આભાર માનો. એવી કદર બતાવવાથી તેઓને બનતું બધું કરવા ઉત્તેજન મળશે.
બીમારીને કોઈ ટાળી શકતું નથી. પરંતુ, પહેલેથી વિચાર કરીને અને વ્યવહારુ પગલાં ભરીને આપણે, મુશ્કેલ સંજોગોનો સામનો કરવા પ્રિયજનને મદદ કરી શકીશું.—નીતિવચનો ૧૭:૧૭. (g૧૫-E ૧૦)
^ ફકરો. 8 અલગ અલગ જગ્યાએ દર્દી માટેના હક્ક અને નિયમો જુદા હોય છે. દર્દીની સારવાર વિશેની ઇચ્છા બતાવતા ફૉર્મમાં પૂરતી અને નવી માહિતી છે એની ખાતરી કરી લો.