સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમ કુટુંબનો અમૂલ્ય ખજાનો

પ્રેમ કુટુંબનો અમૂલ્ય ખજાનો

પ્રેમ કુટુંબનો અમૂલ્ય ખજાનો

“બાળી નાખ! તારામાં તાકાત હોય તો બાળી નાખ!” દિલીપે, તેની પત્ની હેમા પર ગુસ્સે થતા કહ્યું. * હેમાએ ઈંટનો જવાબ પથ્થરથી આપતા કહ્યું, “હા, હું બાળી જ નાખીશ.” તેણે બંનેનો ફોટો બાળી નાખવા દીવાસળી સળગાવી અને કહ્યું, “ફોટો તો શું, આખું ઘર જ બાળી નાખીશ.” દિલીપે હેમાને થપ્પડ મારી દીધી. આમ, નાની અમથી વાતે મોટું રૂપ લીધું.

ત્રણ વર્ષ પહેલાં, દિલીપ અને હેમાનું સુખી લગ્‍ન જીવન શરૂ થયું. તો પછી, શું વાંધો પડ્યો? જો કે દિલીપ ખુશમિજાજી માણસ હતો. પરંતુ, હેમાને લાગતું કે તે તેને ખરેખર ચાહતો નથી, તેની જરાય પડી નથી. અરે, તે તેની લાગણીઓ પ્રત્યે તદ્દન બેદરકાર હતો. હેમા એ સહન ન કરી શકી, તે સાવ ચિડિયલ બની ગઈ. તેની ઊંઘ હરામ થઈ ગઈ. તેને ભૂખ પણ ન લાગતી. છેવટે તે ડિપ્રેશ બની ગઈ અને ડરી ડરીને રહેવા લાગી. એમ લાગતું કે આ બધાની દિલીપને જરાય દરકાર ન હતી, અને તે કહેતો કે ‘એ તો ચાલ્યા કરે’!

“મુશ્કેલીના દિવસો આવશે”

આજે આ તો ઘર-ઘરની કહાની થઈ ગઈ છે. પ્રેષિત પાઊલે ભાખ્યું હતું તેમ, લોકોને એકબીજા માટે પ્રેમ નથી. (૨ તીમોથી ૩:૧-૫) એકબીજા માટે ‘પ્રેમ’ ન હોવાનો મૂળ ગ્રીક શબ્દ, કુટુંબમાં એકબીજા માટેના અતૂટ પ્રેમને ઘણો જ મળતો આવે છે. ખરેખર, આજે કુટુંબમાં એવો પ્રેમ જોવા મળતો નથી. જો હોય તોપણ, તેઓ ભાગ્યે જ એકબીજાને બતાવશે.

આજે ઘણાં માબાપ બાળકોને કઈ રીતે પ્રેમ કે મમતા બતાવવી, એ જાણતા નથી. અમુક બાળકો એવા કુટુંબમાં મોટા થયા હોય છે, જ્યાં તેઓને જરા પણ પ્રેમ મળ્યો ન હોય. તેથી, તેઓ સમજી શકતા નથી કે પ્રેમથી કુટુંબ સુખી અને આનંદી બનશે. દિલીપના કિસ્સામાં પણ એમ જ હતું. તે નાનો હતો ત્યારે, તેના પપ્પા કામ પર એટલા બીઝી રહેતા કે રાતે પણ મોડેથી ઘરે આવતા. તેમને દિલીપ સાથે વાત કરવાની ફુરસદ જ ન હતી, અને જ્યારે વાત કરતા તો હંમેશા તેને ઉતારી પાડતા. દિલીપની મમ્મી પણ આખો દિવસ નોકરી કરતી હોવાથી, તેની સાથે મજા-મસ્તી કે વાતો કોણ કરે? તેથી, દિલીપ મોટે ભાગે ટીવી જોવામાં જ સમય પસાર કરતો. તેઓના કુટુંબમાં પ્રેમ કે વાતચીત જેવું કંઈ જ ન હતું.

સમાજ પણ આપણા જીવનને ઘણી અસર કરે છે. જેમ કે લૅટિન અમેરિકાના અમુક ભાગમાં, પતિએ પોતાની પત્નીને પ્રેમ બતાવવો હોય તો, સમાજની રીત-રસમ ભૂલી જવી પડે. પૂર્વ અને આફ્રિકાના દેશોમાં પણ પત્નીને વહાલ બતાવવું એ સમાજની રીત નથી. તેથી, પતિને પોતાનાં બાળકોને કે પત્નીને “હું તને ચાહું છું,” એમ કહેવું મુશ્કેલ લાગી શકે. તેમ છતાં, ચાલો આપણે યહોવાહ પરમેશ્વરના કુટુંબ પાસેથી શીખીએ, જે સુખમાં અને દુઃખમાં ટકી રહ્યું.

સરસ દાખલો

યહોવાહનું કુટુંબ આપણા માટે સૌથી સરસ દાખલો છે. એ આપણને તેમના એકના એક પુત્ર સાથેના ગાઢ સંબંધમાં જોવા મળે છે. તેઓ એકબીજા પરનો પ્રેમ વાણી અને વર્તનથી બતાવે છે. હજારો વર્ષોથી યહોવાહના એ પુત્ર સ્વર્ગમાં એક દૂત તરીકે રહેતા હતા, જે પછીથી ઈસુ ખ્રિસ્ત બન્યા. યહોવાહ અને ઈસુ વચ્ચેનો સંબંધ અતૂટ હતો. તેથી, તેમણે કહ્યું: ‘હું દિનપ્રતિદિન તેમને સંતોષ આપતો હતો, સદા હું તેમની આગળ હર્ષ કરતો હતો.’ (નીતિવચનો ૮:૩૦) યહોવાહ ઈસુ પર બહુ રાજી હતા, એટલે જ ઈસુ પૂરી ખાતરીથી આમ કહી શક્યા. ઈસુ તેમના પિતા સાથે ઘણા જ ખુશ હતા.

ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે પણ, યહોવાહે તેમને એટલો જ પ્રેમ બતાવ્યો. ઈસુના બાપ્તિસ્મા પછી તરત જ, તેમણે પોતાના પિતા યહોવાહનો અવાજ સાંભળ્યો: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.” (માત્થી ૩:૧૭) ઈસુ પૃથ્વી પર પોતાને સોંપાયેલું કામ શરૂ કરે એ પહેલાં, કેવું સરસ ઉત્તેજન આપવામાં આવ્યું! ખરેખર, આ સાંભળીને અને સ્વર્ગના જીવનની યાદ પાછી મેળવીને, ઈસુનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું હશે!

આમ, યહોવાહે આપણા માટે સુંદર નમૂનો બેસાડ્યો છે. તેમ જ, તેમણે આપણા માટે પણ અપાર પ્રેમ બતાવ્યો છે. આપણે ઈસુમાં વિશ્વાસ મૂકીશું તો યહોવાહનો પ્રેમ અનુભવી શકીશું. (યોહાન ૧૬:૨૭) જો કે આજે આપણને સ્વર્ગમાંથી યહોવાહનો અવાજ સંભળાશે નહિ. પરંતુ, તેમણે બનાવેલી કુદરત જુઓ, ઈસુના બલિદાનનો વિચાર કરો. તેમ જ, બીજી ઘણી રીતોએ તેમણે આપણા પર વરસાવેલો પ્રેમ જોઈએ છીએ. (૧ યોહાન ૪:  ૯, ૧૦) એટલું જ નહિ પણ યહોવાહ આપણી બધી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણને દિલાસો મળે એ રીતે એનો જવાબ આપે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮; યશાયાહ ૪૮:૧૭) તેથી, યહોવાહ સાથે પાક્કી મિત્રતા બાંધીશું તેમ, તેમના પ્રેમ માટેની આપણી કદર વધતી જ જશે.

ઈસુ તેમના પિતા પાસેથી શીખ્યા કે કઈ રીતે બીજાઓને દયા, માન અને પ્રેમ બતાવવો. તેમણે કહ્યું: “જે પિતા કરે છે, તે પુત્ર પણ કરે છે. કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કરે છે તે બધું તેને બતાવે છે.” (યોહાન ૫:૧૯, ૨૦, પ્રેમસંદેશ) એ જ રીતે, આપણે પણ ઈસુ પાસેથી શીખીએ, અને તેમના જેવો જ પ્રેમ-ભાવ બતાવીએ.​—⁠ફિલિપી ૧:⁠૮.

કઈ રીતે કુટુંબમાં પ્રેમ બતાવવો?

“ઈશ્વર પ્રેમ છે.” તેમણે આપણને ‘પોતાના જેવા જ બનાવ્યા’ છે, એટલે આપણામાં પણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮; ઉત્પત્તિ ૧:૨૬, ૨૭, IBSI) તેમ છતાં, એ પ્રેમ આપોઆપ આવી જતો નથી. પહેલા તો આપણા દિલમાં પ્રેમ જગાડવો જોઈએ. પછી જ, આપણે પત્ની અને બાળકોને પ્રેમ બતાવી શકીશું. સૌ પ્રથમ તો તેમના સારા ગુણોને ધ્યાનમાં લો અને તેઓના વખાણ કરો. પરંતુ તમે કહેશો કે, ‘મારા પતિમાં [પત્ની અથવા બાળકોમાં] વખાણવા જેવું કંઈ જ નથી.’ કદાચ જ્યારે માબાપ કે બીજા કોઈની મરજીથી લગ્‍ન થયા હોય, ત્યારે એકબીજા માટેની ચાહત ઓછી હોય શકે. વળી, કદાચ ઘણાં યુગલોને બાળકોની ઇચ્છા ન હોય. પરંતુ, ઈ.સ. પૂર્વે દસમી સદીનો વિચાર કરો. ઈસ્રાએલના રાષ્ટ્રને યહોવાહની પત્ની જેવું ગણવામાં આવતું હતું. યહોવાહને એના માટે કેટલી લાગણી હતી? જ્યારે પ્રબોધક એલીયાહે યહોવાહને કહ્યું, કે ઈસ્રાએલના દશ કુળોમાં તેમના કોઈ ભક્ત નથી, ત્યારે તેમણે શું કર્યું? યહોવાહે તપાસ કરી અને પૂરા દિલથી તેમની સેવા કરનારા સાત હજાર ભક્તોને શોધી કાઢ્યા. યહોવાહની જેમ, શું આપણે પણ કુટુંબમાં સદ્‍ગુણો જોઈએ છીએ?​—⁠૧ રાજાઓ ૧૯:૧૪-૧૮.

તેથી, કુટુંબ માટેનો તમારો પ્રેમ બતાવવાની તક શોધતા રહો. તમે કંઈક સારું જુઓ તો, તરત જ એના વખાણ કરો. બાઇબલ એવા કુટુંબ વિષે જણાવે છે, જે સદ્‍ગુણી સ્ત્રીના વખાણ કરે છે: ‘તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ દે છે; અને તેનો ધણી [પતિ] પણ તેનાં વખાણ કરે છે.’ (નીતિવચનો ૩૧:૨૮) આ કુટુંબ એકબીજાને દિલોજાનથી પ્રેમ બતાવે છે. પતિ પોતાની પત્નીના વખાણ કરે છે. તેમ જ, તે પોતાના દીકરા માટે દાખલો બેસાડે છે. જેથી દીકરો લગ્‍ન કરે ત્યારે, ખુલ્લા દિલથી તેની પત્નીના વખાણ કરી શકે.

માબાપે પણ પોતાનાં બાળકોના વખાણ કરવા જોઈએ. એનાથી બાળકોનું સ્વમાન વધશે. બાળકને પોતાનું જ માન ન હોય તો, કઈ રીતે તે “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ” રાખશે? (માત્થી ૨૨:​૩૯) એમ પણ બને કે માબાપ કદી પોતાના બાળકના વખાણ ન કરે, પણ બીજાની સામે હંમેશા ઉતારી પાડે. એમ હોય તો, બાળક આસાનીથી સ્વમાન ખોવી બેસશે, અને તેઓ બીજાને પણ માન બતાવી શકશે નહિ.​—⁠એફેસી ૪:૩૧, ૩૨.

એનો ઇલાજ શું છે?

પરંતુ, તમે કહેશો કે ‘મને ખુદને પણ કુટુંબમાં પ્રેમ મળ્યો નથી’! તેમ છતાં, તમે પ્રેમ કેળવી શકો છો. સૌ પ્રથમ તો જીવનની એ હકીકત સ્વીકારો અને સુધારો કરવાની કોશિશ કરો. એ માટે બાઇબલ આપણને ઘણી જ મદદ કરે છે. એ એક અરીસા જેવું છે, જેમાં આપણે પોતે કેવા છીએ એ દેખાય છે. એ જ રીતે, બાઇબલનું શિક્ષણ આપણને આપણી નબળાઈઓ જોવા મદદ કરે છે. (યાકૂબ ૧:૨૩) વળી, એ શિક્ષણ આપણી ખોટી ઇચ્છાઓ દૂર કરી, સારા ગુણો કેળવવા પણ મદદ કરે છે. (એફેસી ૪:૨૦-૨૪; ફિલિપી ૪:૮, ૯) ચાલો આપણે કાયમ એમ કરતા રહીએ, અને કદી પણ ‘સારૂં કરતાં થાકીએ નહિ.’​—⁠ગલાતી ૬:⁠૯.

અમુકને પોતાના સમાજ અથવા સંસ્કારને કારણે, પ્રેમ બતાવવું ઘણું જ અઘરું લાગી શકે. પરંતુ, એક સર્વે પ્રમાણે આ મુશ્કેલીનો ઇલાજ છે. મગજના રોગના એક ડૉક્ટર, દાનીયેલ ગોલમેને કહ્યું, કે ‘બાળકના મનમાં ઘર કરી ગયેલી કોઈ પણ આદતને બદલી શકાય છે.’ બાઇબલમાં લગભગ ૧૯૦૦ વર્ષો પહેલાં લખાયું હતું, કે આવી આદતોને ઈશ્વરની મદદથી બદલી શકાય છે. બાઇબલ ઉત્તેજન આપે છે: ‘તમે જૂના સ્વભાવને તેની ટેવો સાથે મૂકી દો અને નવો સ્વભાવ પહેરી લો.’​—⁠કોલોસી ૩:૯, ૧૦, પ્રેમસંદેશ.

તમે પારખી શકો કે મુશ્કેલી કઈ છે, પછી કુટુંબ સાથે બેસી બાઇબલમાંથી મદદ લો. દાખલા તરીકે, અયૂબનો અહેવાલ વાંચો. પ્રેમ અને લાગણી વિષે એ શું શીખવે છે? તમે કદાચ આ કલમ વાંચી શકો: ‘તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને યહોવાહથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે, કે યહોવાહ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.’ (યાકૂબ ૫:૧૧) ધ્યાન આપો કે યહોવાહે કઈ રીતે અયૂબ પર પ્રેમ અને દયા બતાવી. આમ, તમે પણ યહોવાહની જેમ પ્રેમ અને દયા બતાવતા શીખી શકશો.

જો કે અપૂર્ણ હોવાથી આપણે દરેક “ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ.” ખાસ કરીને, બોલવામાં કોણ ભૂલ નથી કરતું! (યાકૂબ ૩:૨) ઘણી વખતે, કુટુંબમાં આપણે એકબીજા સાથે પ્રેમથી બોલતા નથી. એ માટે પ્રાર્થનામાં યહોવાહ પાસે મદદ માંગીએ. કદી હિંમત ન હારો, પણ “પ્રાર્થનામાં સતત લાગુ રહો.” (૧ થેસ્સાલોનીકી ૫:​૧૭, IBSI) જેઓ કુટુંબમાં પ્રેમને માટે તડપે છે, તેઓને યહોવાહ ચોક્કસ મદદ કરશે. તેમ જ, જેઓ પ્રેમ બતાવવા તો માંગે છે પણ બતાવી શકતા નથી, તેઓને પણ તે ચોક્કસ મદદ કરશે.

એ ઉપરાંત, યહોવાહે આપણને મંડળોમાં વડીલોની સરસ મદદ આપી છે. યાકૂબે લખ્યું: “તમારામાં શું કોઈ [પ્રભુની સેવામાં] માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી.” (યાકૂબ ૫:૧૪) જો કે વડીલો કંઈ ડૉકટર નથી. તેમ છતાં જે કુટુંબમાં એકબીજાને પ્રેમ બતાવવાની મુશ્કેલી પડતી હોય, તેઓને વડીલો ધીરજથી મદદ કરવા તૈયાર છે. વડીલો એવી સલાહ આપશે નહિ કે તમારે શું કરવું અને શું નહિ કરવું. પરંતુ, એ વિષે યહોવાહના વિચારો જણાવશે, અને તેઓ સાથે પ્રાર્થના કરશે. વળી, વડીલો પોતાની પ્રાર્થનામાં પણ તેઓ માટે મદદ માંગી શકે.​—⁠ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫; ગલાતી ૬:૧.

દિલીપ અને હેમાના કિસ્સામાં, વડીલોએ તેઓનું ધ્યાનથી સાંભળ્યું અને દિલાસો આપ્યો. (૧ પીતર ૫:૨, ૩) ઘણી વખતે તો વડીલ પોતાની પત્ની સાથે હેમાને મળતા. જેથી હેમા, અનુભવી બહેનની સંગતમાં રહીને ‘પોતાના પતિ પર પ્રેમ રાખવાનું’ શીખી શકે. (તીતસ ૨:૩, ૪) આમ વડીલો, ભાઈ-બહેનોના દુઃખમાં પણ પ્રેમ, સમજણ બતાવી, ‘તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડે’ છે.​—⁠યશાયાહ ૩૨:૧, ૨.

વડીલોની મદદથી દિલીપ પણ સમજી શક્યો કે, તે કુટુંબમાં પ્રેમ બતાવી શકતો ન હતો. તેણે એ પણ જોયું કે શેતાન આ ‘મુશ્કેલીના દિવસોમાં’ દરેક કુટુંબને પોતાની જાળમાં ફસાવવા ચાહે છે. (૨ તીમોથી ૩:​૧, પ્રેમસંદેશ) તેથી, દિલીપે ફેરફારો કરવાનું નક્કી કર્યું. તેણે સ્વીકાર્યું કે પોતાને માબાપનો પ્રેમ ન મળ્યો હતો, એટલે તે પોતે પણ પ્રેમ બતાવી શક્તો ન હતો. બાઇબલની મદદ અને પ્રાર્થના દ્વારા, ધીરે ધીરે દિલીપ પોતાની પત્ની હેમાની લાગણીઓ સમજી શક્યો.

દિલીપ કેવા કુટુંબમાંથી આવે છે એ સમજ્યા પછી, હેમાને પણ પોતાની ભૂલ સમજાઈ. હવે તે પોતાના પતિમાં સારા ગુણો જોતી હતી. (માત્થી ૭:૧-૩; રૂમીઓને પત્ર ૫:૧૨; કોલોસી ૩:૧૨-૧૪) તેણે યહોવાહને કાલાવાલા કરીને મદદ માંગી, જેથી તે પોતાના પતિ પર પ્રેમ વરસાવી શકે. (ફિલિપી ૪:૬, ૭) સમય જતાં, દિલીપ પણ પોતાની પત્ની પર વહાલ વરસાવવા માંડ્યો.

તમે પણ જો કુટુંબમાં કોઈને પ્રેમ બતાવી શકતા ન હોય તો, મદદ મેળવી શકો છો. બાઇબલ આપણને દરેક રીતે માર્ગદર્શન આપે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭) સૌ પ્રથમ શોધી કાઢો કે કઈ મુશ્કેલી છે. કુટુંબમાં દરેકના સારા ગુણો જુઓ. દરરોજ બાઇબલ વાંચો અને લાગુ પાડો. યહોવાહને પૂરા દિલથી પ્રાર્થના કરો અને વડીલોની મદદ લો. આમ, તમે કુટુંબ વચ્ચે ઊભી થયેલી આ દીવાલને પાડી શકો છો. (૧ પીતર ૫:૭) તમારું કુટુંબ પણ સુખી થઈ શકે છે! યુનાઇટેડ સ્ટેટ્‌સમાં, એક પતિએ એવો જ અનુભવ કર્યો. તેને પણ કુટુંબમાં પ્રેમ બતાવવાની મુશ્કેલી નડતી હતી. તેને મદદ અને ઉત્તેજન આપવામાં આવ્યું. પછી, તેણે હિંમત કરીને પોતાની પત્નીને કહ્યું: “હું તને ચાહું છું!” એ સાંભળીને તેની પત્નીની આંખમાં આંસુ આવી ગયા. પત્નીએ કહ્યું: “હું પણ તમને બહુ જ ચાહું છું. પણ ૨૫ વર્ષમાં પહેલી વાર તમે મને એ કહ્યું.” જો જો, તમારી પત્ની કે બાળકોને એમ કહેવામાં ૨૫ વર્ષો લાગી ન જાય!

[ફુટનોટ]

^ નામ બદલાયાં છે.

[પાન ૨૮ પર ચિત્ર]

યહોવાહ બાઇબલ દ્વારા મદદ પૂરી પાડે છે