અફસોસ વગર ભક્તિ કરો
“જે મારી પાછળ છે તેને હું ભૂલી જઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું.”—ફિલિ. ૩:૧૩, કોમન લેંગ્વેજ.
૧-૩. (ક) અફસોસ કોને કહેવાય? એની આપણા પર શું અસર થઈ શકે? (ખ) અફસોસ વગર ઈશ્વરની ભક્તિ કરવા માટે પાઊલ પાસેથી શું શીખી શકીએ?
“કહેવામાં આવ્યા હોય કે લખવામાં આવ્યા હોય, એ બધા જ ગમગીન શબ્દોમાં સૌથી દુઃખદાયક તો આ છે: ‘કાશ, આમ થયું હોત તો!’” આ લખનારા કવિ જે. જી. વ્હિટિયર હતા. તેમનો કહેવાનો અર્થ હતો કે કોઈ વાતનો અફસોસ રહી ગયો હોય તો, આપણને એમ થાય કે એને નવેસરથી કરીએ અને જુદી રીતે કરીએ. આપણે એવું કંઈ કર્યું હોય અથવા કંઈક કરી ન શક્યા હોય ત્યારે, જે મનદુઃખ કે દિલગીરી થાય એનું નામ “અફસોસ.” એનો મતલબ “રડવું” પણ થઈ શકે. આપણે બધાએ એવું તો કંઈકને કંઈક કર્યું જ હશે, જેના માટે એવું ઇચ્છીએ કે ‘કાશ, સમયમાં પાછા જઈ શકીએ અને એને અલગ રીતે કરીએ.’ તમને કઈ વાતનો અફસોસ છે?
૨ અમુક લોકોએ મોટી ભૂલો કરી છે, અરે ગંભીર પાપ પણ કર્યાં છે. બીજા એવા લોકો છે, જેઓએ કંઈ એટલું ખરાબ કર્યું નથી, પણ તેઓ વિચારતા હોય છે કે જીવનમાં કરેલી અમુક પસંદગીઓ બરાબર છે કે નહિ. અમુક લોકો પહેલાંની બાબતોને ભૂલીને જીવનમાં આગળ વધ્યા છે. જ્યારે કે બીજાઓ હજુ પણ એ જ વિચારતા હોય છે કે ‘કાશ, એમ ન કર્યું હોત તો!’ (ગીત. ૫૧:૩) આમાંથી તમારા વિચારો કયા છે? પહેલાં કરેલી ભૂલો વિશે સતત વિચારવાનું છોડીને, શું તમે ઈશ્વરની ભક્તિમાં બનતું બધું કરવા ચાહો છો? શું કોઈ એવી વ્યક્તિનું ઉદાહરણ છે, જેમાંથી આપણે એ શીખી શકીએ? હા, પ્રેરિત પાઊલનું ઉદાહરણ છે.
૩ પાઊલે જીવન દરમિયાન ગંભીર ભૂલો કરી અને સારા નિર્ણયો પણ લીધા. પહેલાં કરેલી ભૂલો માટે તેમને ઘણો અફસોસ હતો. તોપણ તે ઈશ્વરની ભક્તિમાં પૂરેપૂરું ધ્યાન લગાવવાનું શીખ્યા, જેથી તે પોતાનું શ્રેષ્ઠ આપી શકે. ચાલો જોઈએ કે કોઈ અફસોસ વગર ભક્તિ કરવા, તેમનું ઉદાહરણ આપણને શું શીખવી શકે.
પાઊલનો ભૂતકાળ
૪. પ્રેરિત પાઊલને ભૂતકાળ વિશે શાનો અફસોસ હતો?
૪ એક યુવાન ફરોશી તરીકે પાઊલે એવી બાબતો કરી હતી, જેના લીધે તેમને પછીથી અફસોસ થયો. જેમ કે, ખ્રિસ્તના શિષ્યોની આકરી સતાવણી કરવામાં તે આગેવાન હતા. બાઇબલ જણાવે છે કે સ્તેફનને મારી નાખ્યા પછી, “શાઊલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યાં.” (પ્રે.કૃ. ૮:૩) બાઇબલના એક નિષ્ણાત આલ્બર્ટ બાન્સ જણાવે છે કે “ભારે ત્રાસ વર્તાવ્યો,” માટેનો ગ્રીક શબ્દ, ‘જનૂન અને ગૂસ્સાને દર્શાવે છે. શાઊલ એ રીતે સતાવણી કરતા.’ તેથી બાન્સે આગળ જણાવ્યું કે ‘શાઊલ, ચર્ચ વિરુદ્ધ જંગલી જાનવરની જેમ હિંસક હતા.’ ચુસ્ત યહુદી તરીકે શાઊલનું માનવું હતું કે ખ્રિસ્તીઓને જડમૂળથી કાઢી નાખવા, એ ઈશ્વર તરફથી મળેલું કાર્ય છે. એટલે તેમણે ખ્રિસ્તીઓની ક્રૂરતાથી સતાવણી કરી. તેમણે ‘પુરુષ અને સ્ત્રીને કતલ કરવાની ધમકીઓ’ આપીને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો.—પ્રે.કૃ. ૯:૧, ૨; ૨૨:૪. *
૫. શાઊલ કેવી રીતે ઈસુના શિષ્યોને સતાવવાનું બંધ કરીને, સુવાર્તાનો પ્રચાર કરવા લાગ્યા? સમજાવો.
૫ શાઊલ દમસ્ક જવા ચાહતા હતા. એ માટે કે ઈસુના શિષ્યોને ઘરમાંથી કાઢે અને ઘસડીને યરૂશાલેમ લઈ જાય, જેથી તેઓ યહુદી ન્યાયસભાના ગુસ્સાનો ભોગ બને. તોપણ તે એમ કરવામાં સફળ ન થયા, કેમ કે તે ખ્રિસ્તી મંડળના શિરની વિરુદ્ધ જઈ રહ્યા હતા. (એફે. ૫:૨૩) દમસ્ક જતી વખતે ઈસુએ તેમને દર્શન દીધું અને સ્વર્ગમાંથી આવતા પ્રકાશને કારણે શાઊલ આંધળા થઈ ગયા. પછી, ઈસુએ શાઊલને દમસ્ક મોકલ્યા અને વધારે માર્ગદર્શન માટે રાહ જોવા કહ્યું. ત્યાર બાદ શું થયું એ આપણે જાણીએ છીએ.—પ્રે.કૃ. ૯:૩-૨૨.
૬, ૭. શું બતાવે છે કે પાઊલને ખ્યાલ હતો કે પહેલાં તેમણે ગંભીર ભૂલો કરી હતી?
૬ ખ્રિસ્તી બન્યા પછી તરત જ પાઊલના વિચારો બદલાઈ ગયા. તેમણે ખ્રિસ્તના શિષ્યોને સતાવવાનું બંધ કર્યું અને ઉત્સાહથી ઈસુ વિશે પ્રચાર કરવા લાગ્યા. તોપણ, પાઊલે પોતાના વિશે પછીથી લખ્યું કે ‘પહેલાં હું યહુદી ધર્મ પાળતો હતો, ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને બેહદ સતાવતો હતો, અને તેની પાયમાલી કરતો હતો.’ (ગલા. ૧:૧૩) કોરીંથીઓ, ફિલિપીઓને અને તીમોથીને લખતી વખતે, તેમણે અફસોસ ભરેલા પોતાના ભૂતકાળ વિશે વાત કરી. (૧ કોરીંથી ૧૫:૯ વાંચો; ફિલિ. ૩:૬; ૧ તીમો. ૧:૧૩) પાઊલે જે કર્યું હતું એનો તેમને ઘણો અફસોસ હતો, તોપણ તેમણે એવો ઢોંગ કર્યો નહિ કે એવું કંઈ થયું નથી. તે સારી રીતે જાણતા હતા કે તેમણે ગંભીર ભૂલો કરી હતી.—પ્રે.કૃ. ૨૬:૯-૧૧.
૭ બાઇબલ નિષ્ણાત ફ્રેડરિક ડબલ્યુ. ફેરરે લખ્યું કે પાઊલે જે હદે ખ્રિસ્તીઓની સતાવણી કરી, એનો વિચાર કરવાથી સમજી શકાય કે પછીથી પાઊલને કેટલું દુઃખ થયું હશે અને બીજાઓએ કેટલી નિંદા કરી હશે. જ્યારે પાઊલે અલગ અલગ મંડળોની મુલાકાત લીધી, ત્યારે તેમને પહેલી વાર મળનારા ભાઈઓ આમ કહેતા હશે: ‘તો તમે જ એ પાઊલ છો, જે અમારી સતાવણી કરતાʼતા!’—પ્રે.કૃ. ૯:૨૧.
૮. યહોવા અને ઈસુએ, પાઊલને પ્રેમ અને કૃપા બતાવી એ વિશે તેમને કેવું લાગ્યું? એમાંથી આપણને શું શીખવા મળે છે?
૮ પાઊલ સમજ્યા હતા કે ઈશ્વરની અપાર કૃપાને લીધે જ, તે સેવાકાર્ય ચાલુ રાખી શક્યા. બીજા કોઈ પણ બાઇબલ લેખક કરતાં, સૌથી વધારે વખત પાઊલે ઈશ્વરની કૃપાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના ૧૪ પત્રોમાં ૯૦ વખત એ વિશે જણાવ્યું છે. (૧ કોરીંથી ૧૫:૧૦ વાંચો.) કૃપાથી થયેલા વ્યવહારની પાઊલે કદર કરી. તેમ જ, તે ચાહતા હતા કે ઈશ્વર પાસેથી મળેલી અપાર કૃપા નકામી ન જાય. એટલે તેમણે બીજા પ્રેરિતો કરતાં “વધારે મહેનત” કરી હતી. પાઊલનું ઉદાહરણ આપણને એ સમજવા મદદ કરે છે કે જો ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરીને, પાપની કબૂલાત કરીશું અને ખોટાં કામો કરવાનું બંધ કરીશું, તો યહોવા આપણાં ગંભીર પાપ પણ ભૂંસી નાખવા તૈયાર છે. જો તમને એમ લાગતું હોય કે તમારાં પાપ એટલાં ગંભીર છે કે એ ઈસુના બલિદાનથી પણ માફ ન થઈ શકે, તો પાઊલનું ઉદાહરણ યાદ રાખો. (૧ તીમોથી ૧:૧૫, ૧૬ વાંચો.) ભલે પાઊલે ક્રૂરતાથી ખ્રિસ્તની સતાવણી કરી, તોપણ તે લખી શક્યા કે ‘ઈશ્વરના દીકરાએ મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.’ (ગલા. ૨:૨૦; પ્રે.કૃ. ૯:૫) પાઊલ શીખ્યા કે અફસોસ રાખ્યા વગર કેવી રીતે ભક્તિ કરી શકાય. શું તમે પણ એવું શીખ્યા છો?
તમને કોઈ વાતનો અફસોસ છે?
૯, ૧૦. (ક) શા માટે યહોવાના કેટલાક ભક્તોને અફસોસ થાય છે? (ખ) વીતી ગયેલી બાબતોની સતત ચિંતા કરવી કેમ ખોટું કહેવાય?
૯ શું તમે એવું કંઈક કર્યું છે, જેનો તમને હમણાં અફસોસ થાય છે? શું તમે તમારાં કીમતી સમય-શક્તિ ખોટી બાબતો મેળવવામાં વેડફ્યાં છે? શું તમે એવી રીતે વર્ત્યા છો, જેનાથી કોઈને નુકસાન થયું હોય? અથવા બની શકે કે બીજા કોઈ કારણને લીધે તમને અફસોસની લાગણી થતી હોય. પણ સવાલ થાય કે એ માટે તમે શું કરી શકો?
૧૦ ઘણા લોકો ચિંતા કરતા હોય છે! સતત ચિંતા કરવી એટલે કે હેરાન-પરેશાન કે દુઃખી થવું. શું ચિંતા કરવાથી મુશ્કેલીઓ હલ થઈ જાય છે? ના, એકેય નહિ! તમે એવા ગલૂડિયાને જોયું હશે, જે પોતાની પૂંછડી પકડવા ગોળ ગોળ ફરતું હોય. એમ કરવામાં એ પોતાની શક્તિ વેડફી દે છે. એવી રીતે, જો ચિંતા કરતા રહીશું તો પોતાની શક્તિ વેડફાઈ જશે. એટલે, ચિંતા કરવાને બદલે, સારાં પગલાં ભરવાથી તમને સારાં પરિણામ મળી શકશે. જો તમે કોઈને ખોટું લગાડ્યું હોય તો તેમની માફી માંગો, કદાચ એનાથી સારા સંબંધો ફરીથી બંધાશે. જેને લીધે તમારાથી ભૂલ થઈ હોય એવી બાબતો કરવાનું ટાળો. એમ કરશો તો એ જ ભૂલ બીજી વાર નહિ થાય. અમુક વાર, તમારે પોતાની ભૂલનું પરિણામ ભોગવવું પડી શકે. પણ, ચિંતા તો જાણે એક પ્રકારનો લકવો છે, જે વ્યક્તિને દિલથી ઈશ્વરની ભક્તિ કરતા રોકે છે. ચિંતા કરવાનો કોઈ જ ફાયદો નથી!
૧૧. (ક) યહોવાનો પ્રેમ અને કૃપા કેવી રીતે મેળવી શકીએ? (ખ) બાઇબલ પ્રમાણે મનની શાંતિ મેળવવાની ચાવી શું છે?
૧૧ અમુક લોકો પહેલાં કરેલી ભૂલોને લીધે, નિરાશામાં ડૂબી જઈને એમ વિચારે છે કે ઈશ્વરની નજરમાં તેઓ સાવ નકામા છે. તેઓને એમ લાગી શકે કે પોતે ઘણી ભૂલો કરી છે અથવા ગંભીર ભૂલો કરી છે કે ઈશ્વરની કૃપાને લાયક નથી. પણ હકીકત એ છે કે પહેલાં ભલે ગમે તે થયું હોય, તેઓ પસ્તાવો કરી શકે છે, પોતાને બદલી શકે છે અને માફી પણ માંગી શકે છે. (પ્રે.કૃ. ૩:૧૯) જેમ બીજાઓને યહોવાનો પ્રેમ અને કૃપા મળ્યાં છે, તેમ તેઓ પણ મેળવી શકે છે. જેઓ નમ્ર અને પ્રામાણિક છે અને દિલથી પસ્તાવો કરે છે, તેઓને યહોવા દયાથી જોશે. દાખલા તરીકે, ઈશ્વરે અયૂબને માફ કર્યા હતા. અયૂબે લખ્યું: ‘હું ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાત્તાપ કરું છું.’ (અયૂ. ૪૨:૬) મનની શાંતિ મેળવવાની ચાવી બાઇબલ આપણને બતાવે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિ. ૨૮:૧૩; યાકૂ. ૫:૧૪-૧૬) તેથી, આપણે ઈશ્વરની સામે પાપની કબૂલાત કરી શકીએ, પ્રાર્થનામાં તેમની માફી માંગી શકીએ અને આપણે ખોટું કર્યું હોય એને સુધારવા પગલાં લઈ શકીએ. (૨ કોરીં. ૭:૧૦, ૧૧) જો એમ કરીશું તો આપણને ‘સંપૂર્ણ ક્ષમા કરનાર’ યહોવા પાસેથી કૃપા મળશે.—યશા. ૫૫:૭.
૧૨. (ક) જ્યારે આપણું દિલ ડંખતું હોય ત્યારે કેવી રીતે દાઊદના સારા ઉદાહરણને અનુસરી શકીએ? (ખ) યહોવાને કયા અર્થમાં અફસોસ થયો હતો અને એ જાણવાથી શું મદદ મળે છે? (બૉક્સ જુઓ.)
૧૨ પ્રાર્થનામાં ઘણી શક્તિ છે, એનાથી ઈશ્વરની મદદ મળી શકે છે. દાઊદે વિશ્વાસ બતાવતી પ્રાર્થનામાં ઊંડી લાગણીઓ દર્શાવી, જે ગીતશાસ્ત્રના પુસ્તકમાં સુંદર રીતે સચવાઈ છે. (ગીતશાસ્ત્ર ૩૨:૧-૫ વાંચો.) દાઊદે સ્વીકાર્યું કે પોતાના અપરાધ દબાવી રાખવાથી, તે પોતે જ પીડાયા. તેમણે પોતાની ભૂલને લીધે મનની શાંતિ ગુમાવી અને તબિયત બગાડી. તેમ જ, પાપની કબૂલાત નહિ કરવાને લીધે આનંદ પણ ગુમાવ્યો હતો. શું કરવાથી દાઊદને માફી અને રાહત મળી? ઈશ્વરની સામે પાપ કબૂલ કરવાથી. યહોવાએ દાઊદની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને જીવનમાં આગળ વધવા હિંમત આપી, જેથી કંઈક મહત્ત્વનું મેળવી શકે. એવી જ રીતે, જો તમે દિલથી પ્રાર્થના કરશો, તો ખાતરી રાખી શકો કે યહોવા તમારી અરજ ધ્યાનથી સાંભળશે. જો તમને પહેલાંની ભૂલો સતાવતી હોય તો શું કરી શકો? એને સુધારવાનો બને એટલો પ્રયત્ન કરો અને યહોવામાં ભરોસો રાખો કે તેમણે તમને માફ કર્યા છે!—ગીત. ૮૬:૫.
ભાવિ પર નજર રાખો
૧૩, ૧૪. (ક) અત્યારે આપણા માટે કઈ બાબત મહત્ત્વની હોવી જોઈએ? (ખ) હમણાં આપણે શું કરી રહ્યા છીએ, એ પર ધ્યાન આપવા કયા પ્રશ્નો મદદ કરશે?
૧૩ એમ કહેવાય છે કે વીતેલા સમય પર નજર કરવાથી પોતાના જીવનને સમજી શકીએ છીએ, પણ આપણે ભાવિ તરફ નજર રાખીને જીવવું જોઈએ. તેથી વીતેલી બાબતો વિશે ચિંતા કરવાને બદલે, આપણે હાલના અને ભાવિના સમય વિશે વિચારવું જોઈએ. પોતાને આ પ્રશ્નો પૂછો: ‘વર્ષો પછી શું હું આજે લીધેલા નિર્ણયો માટે અફસોસ કરીશ? શું હું એમ વિચારીશ કે કાશ મેં અલગ નિર્ણય લીધો હોત તો? શું હું હમણાં પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરું છું, જેથી ભાવિમાં મને કોઈ અફસોસ ન થાય?’
૧૪ મહાન વિપત્તિ જેમ નજીક આવી રહી છે, તેમ આપણે આવા વિચારોમાં ડૂબી જવા માંગતા નથી. જેમ કે, ‘શું હું યહોવાની સેવામાં વધારે કરી શક્યો હોત? જ્યારે મારી પાસે પાયોનિયરીંગ કરવાની તક હતી, ત્યારે મેં કેમ ન કર્યું? સેવકાઈ ચાકર તરીકે સેવા આપવા માટે મને શું રોકતું હતું? શું મેં બાઇબલ પ્રમાણે સારાં ગુણો કેળવવા, બનતા બધા પ્રયત્નો કર્યા હતા? શું હું એવી વ્યક્તિ છું, જેને યહોવા નવી દુનિયામાં જોવા ચાહશે?’ આવા પ્રશ્નોની ફક્ત ચિંતા કરવાને બદલે, આપણે એનાથી પોતાને તપાસવાની જરૂર છે. તેમ જ, ખાતરી કરીએ કે યહોવાની સેવામાં આપણે બનતું બધું જ કરીએ છીએ. નહિ તો એવું જીવન જીવતા રહીશું, જેનાથી વધારે અફસોસ થશે.—૨ તીમો. ૨:૧૫.
ભક્તિ માટે આપેલાં બલિદાનનો અફસોસ ન કરો
૧૫, ૧૬. (ક) યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવા, ઘણાએ શું જતું કર્યું છે? (ખ) યહોવાની સેવા માટે આપણે જે ત્યાગ કર્યો છે, એનો અફસોસ કેમ ન કરવો જોઈએ?
૧૫ યહોવાની પૂરા સમયની સેવા કરવા, જેઓએ ઘણું જતું કર્યું છે તેઓ વિશે શું? બની શકે, તમે ઉજ્જવળ ભાવિ કે સફળ નોકરી-ધંધો જતાં કર્યાં હશે, જેથી યહોવાની સેવામાં વધારે સમય આપી શકો. કદાચ તમે કુંવારા રહેવાનું પસંદ કર્યું હશે અથવા લગ્ન કર્યા હશે પણ માબાપ બનવાનું ટાળ્યું હશે. એવી પસંદગી કરીને તમે યહોવા માટે પૂરા સમયના સેવક બનવાનો નિર્ણય લીધો હશે, જેથી તમે બેથેલમાં, દેશ-વિદેશના બાંધકામમાં, પ્રવાસી નિરીક્ષક અથવા મિશનરી તરીકે સેવા આપી શકો. તમે જેમ વૃદ્ધ થઈ રહ્યા છો તેમ, શું તમારે એ નિર્ણયોનો અફસોસ કરવો જોઈએ? શું તમારે એમ વિચારવું જોઈએ કે તમારો ત્યાગ નકામો હતો કે ખોટા સમયે કર્યો હતો? જરાય નહિ!
૧૬ તમે એ નિર્ણયો યહોવા માટેના ઊંડા પ્રેમને લીધે અને બીજા લોકોને તેમની સેવામાં મદદ કરવા લીધા હતા. તમારે એમ વિચારવાની જરૂર નથી કે જો તમે અલગ રીતે જીવન જીવતા હોત તો એ સારું થાત. તમે જે નિર્ણયો લીધા એ માટે તમારે ખુશ થવું જોઈએ. યહોવાની સેવા કરવા તમે બનતું બધું જ કર્યું, એ માટે તમારે આનંદ કરવો જોઈએ. તમે આપેલાં બલિદાનને યહોવા કદી નહિ ભૂલે. આવનારી નવી દુનિયામાં તે તમને એટલા બધા આશીર્વાદ આપશે, જેની હાલમાં તમે કલ્પના પણ નથી કરી શકતા!—ગીત. ૧૪૫:૧૬; ૧ તીમો. ૬:૧૯.
કેવી રીતે અફસોસ વગર ભક્તિ કરવી
૧૭, ૧૮. (ક) કયા સિદ્ધાંતે પાઊલને અફસોસ વગર સેવા કરવા મદદ કરી? (ખ) પાઊલનું ઉદાહરણ તમે કેવી રીતે અનુસરશો?
૧૭ પાઊલ એવો કયો સિદ્ધાંત શીખ્યા, જેનાથી તે કોઈ અફસોસ વગર યહોવાની સેવા કરી શક્યા? પાઊલે લખ્યું: “જે મારી પાછળ છે તેને હું ભૂલી જઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું.” (ફિલિપી ૩:૧૩, ૧૪, વાંચો. *) પાઊલ જ્યારે યહુદી ધર્મ પાળતા હતા ત્યારે તેમણે જે ખોટી બાબતો કરી હતી, એના પર વિચારવાનું ટાળ્યું. એને બદલે, તેમણે ધ્યાન રાખ્યું કે પોતાની બધી શક્તિ, એવી રીતે વાપરે જેથી ભાવિમાં અમર જીવનનું ઈનામ મેળવી શકે.
૧૮ પાઊલના શબ્દો પાછળ રહેલો સિદ્ધાંત, આપણે બધા પાળી શકીએ છીએ. જે બદલી નથી શકતા, એવી વીતી ગયેલી બાબતોની ચિંતા ન કરીએ. પણ એના પર ધ્યાન આપીએ કે હમણાં આપણે શું કરી શકીએ છીએ, જેથી ભાવિમાં આશીર્વાદો મેળવી શકીએ. ખરું કે પહેલાં કરેલી ભૂલો મનમાંથી પૂરેપૂરી જશે નહિ, પણ એના પર સતત વિચારતા રહીને પોતાને દુઃખ દેવાની જરૂર નથી. વીતી ગયેલી બાબતોને ભૂલી જવાનો પ્રયાસ કરીએ, યહોવાની સેવામાં સૌથી સારું કરવા બનતા પ્રયત્નો કરીએ અને સુંદર ભાવિ પર નજર રાખીએ!
^ શાઊલે કરેલી સતાવણીમાં સ્ત્રીઓ પણ ભોગ બની હતી એના કેટલાક અહેવાલ છે. એ બતાવે છે કે આજની જેમ પહેલી સદીમાં પણ, સ્ત્રીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતી.—ગીત. ૬૮:૧૧.
^ (ફિલિપી ૩:૧૩, ૧૪, [કોમન લેંગ્વેજ]) ૧૩ “જો કે ભાઈઓ, હું પહોંચી ગયો છું તેમ હું માનતો નથી. એક બાબત હું કરું છું: જે મારી પાછળ છે તેને હું ભૂલી જઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. ૧૪ તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે.”