વડીલો શું તમે “થાકેલા જીવને” તાજગી આપશો?
એન્જેલા a ત્રીસેક વર્ષના કુંવારા બહેન છે. વડીલો તેમને મળવા આવવાના છે. તેથી, તે થોડીક ચિંતામાં છે કે તેઓ આવીને શું સલાહ આપશે? ખરું કે, બહેન અમુક સભાઓ ચૂકી ગયાં છે. કારણ, તે નોકરી પર આખો દિવસ વૃદ્ધ લોકોની સંભાળ રાખીને થાકી જાય છે. વધુમાં, તેમને પોતાના મમ્મીની તબિયતની ચિંતા પણ છે.
માની લો, એક વડીલ તરીકે તમે એન્જેલાનાં ઘરે જઈને મુલાકાત લેવાના છો. એ “થાકેલા જીવને” તમે કઈ રીતે ઉત્તેજન આપશો? (યિર્મે. ૩૧:૨૫) સૌપ્રથમ, તમે કેવી તૈયારી કરશો, જેથી બહેનને તાજગી આપી શકો?
ભાઈ-બહેનોનાં સંજોગો વિશે વિચારો
કેટલીક વાર, આપણે નોકરી-ધંધાની કે મંડળની જવાબદારીઓને લીધે થાકી જઈએ છીએ. પ્રબોધક દાનીયેલનો વિચાર કરો. તેમને મળેલું એક સંદર્શન તે સમજી ન શક્યા ત્યારે, “હતાશ” થઈ ગયા. (દાની. ૮:૨૭, કોમન લેંગ્વેજ) એ સમયે, ગાબ્રીએલ દૂતે આવીને તેમને મદદ કરી. દૂતે દાનીયેલને એની સમજણ પૂરી પાડી. તેમ જ, ખાતરી અપાવી કે, યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી છે. એમ પણ જણાવ્યું કે, તે ઈશ્વરને “અતિ પ્રિય છે.” (દાની. ૯:૨૧-૨૩) અમુક વખત પછી, બીજા એક દૂતે દાનીયેલ પ્રબોધકને સારા શબ્દોથી ઉત્તેજન આપ્યું.—દાની. ૧૦:૧૯.
ધારો કે, તમે મંડળના એક ભાઈની મુલાકાત કરવાના છો, જે થાકી ગયા કે હતાશ થઈ ગયા છે. તેમના ઘરે જતા પહેલાં, તેમના સંજોગોનો વિચાર કરો. જેમ કે, તેમને કેવી મુશ્કેલીઓ છે? કઈ રીતે એ મુશ્કેલીઓના લીધે તે થાકી જતા હશે? તેમનામાં કયા સારા ગુણો છે? ભાઈ રીચર્ડ વીસ વર્ષથી વડીલ છે. તે જણાવે છે, ‘હું ભાઈઓની
મુલાકાત લઉં એ પહેલા, તેઓના સારા ગુણોનો વિચાર કરું છું. એમ કરવાથી, તેમને જરૂરી બાબતોમાં સહેલાઈથી ઉત્તેજન આપી શકું છું.’ જો તમારી સાથે બીજા વડીલ આવવાના હોય તો કેમ નહિ કે પહેલા, તમે બંને સાથે મળીને એ ભાઈના સંજોગોનો વિચાર કરો.વાત કરવી તેઓ માટે સહેલી બનાવો
કોઈ વ્યક્તિને પોતાની લાગણીઓ વિશે વડીલોને જણાવવામાં શરમ આવી શકે. દાખલા તરીકે, મુલાકાત લેવા આવેલા વડીલને મન ખોલીને કંઈક કહેવું, કોઈ ભાઈ માટે અઘરું હોય શકે. તે સહેલાઈથી પોતાના વિચારો જણાવે માટે વડીલ તરીકે તમે શું કરી શકો? એક સરસ સ્મિત આપવાથી અને ઉત્તેજનભર્યા શબ્દો કહેવાથી ભાઈ પર સારી અસર પડશે. ભાઈ મીખાએલ ૪૦ વર્ષથી વડીલ છે. તે કોઈને ઘરે મળવા જાય ત્યારે, આવા શબ્દોથી શરૂઆત કરે છે: ‘તમે જાણો છો વડીલ હોવાનો એક મોટો લહાવો શું છે? એ જ કે, ભાઈ-બહેનોનાં ઘરે જઈને તેમની મુલાકાત લેવી અને તેઓને સારી રીતે ઓળખવાં. તેથી, હું આજે તમને મળવા ખૂબ જ આતુર હતો.’
મુલાકાતની શરૂઆતમાં તેમની સાથે પ્રાર્થના પણ કરી શકો. પ્રેરિત પાઊલે પોતાની પ્રાર્થનામાં ભાઈઓના વિશ્વાસ, પ્રેમ અને ધીરજના ગુણ વિશે જણાવ્યું હતું. (૧ થેસ્સા. ૧:૨, ૩) તમે પણ પ્રાર્થનામાં ભાઈના સારા ગુણ વિશે ઉલ્લેખ કરી શકો. આમ, તમે ઉત્તેજન આપતી વાતચીત કરવા પોતાના અને ભાઈનાં દિલને તૈયાર કરો છો. તમારા શબ્દો ભાઈને ઠંડક આપનાર મલમ જેવા લાગશે. રાય નામના એક અનુભવી વડીલ જણાવે છે, ‘અમુક વખતે આપણે પોતે કરેલાં સારાં કામ ભૂલી જઈએ છીએ. તેથી, કોઈ એને યાદ અપાવે ત્યારે દિલને ઘણી તાજગી મળે છે.’
ભક્તિમાં મજબૂત કરતી ભેટ આપો
પાઊલની જેમ તમે પણ ભાઈને “આધ્યાત્મિક ભેટ” આપી શકો છો. એટલે કે, શાસ્ત્રમાંથી એકાદ કલમ વાંચીને ઉત્તેજન આપી શકો છો. (રોમ. ૧:૧૧, સંપૂર્ણ) દાખલા તરીકે, એક હતાશ ભાઈને લાગે કે તે મંડળ માટે ઉપયોગી નથી. તેમને પણ એક ઈશ્વરભક્તની જેમ લાગે, જે પોતાને “ધુમાડામાં રહેલી મશક” સાથે સરખાવે છે. (ગીત. ૧૧૯:૮૩, ૧૭૬) વડીલ કલમના શબ્દોની ટૂંકમાં સમજણ આપી શકે. તેમ જ, બાઇબલ સમયમાં એનો શું અર્થ થતો, એ સમજાવી શકે. ત્યાર બાદ, તે ભરોસો બતાવી શકે કે ભાઈ બાઇબલની આજ્ઞાઓ ‘ભૂલ્યા નથી.’
માની લો કે, એક બહેન મંડળમાં નિયમિત નથી અથવા ભક્તિમાં ધીમા પડી ગયાં છે. તેમને અધેલી સિક્કાનું દૃષ્ટાંત ઘણું મદદ કરી શકે. (લુક ૧૫:૮-૧૦) ખોવાયેલો એ સિક્કો કદાચ ચાંદીના સિક્કાથી બનેલા એક કીમતી હારનો ભાગ હોય શકે. દૃષ્ટાંતની ચર્ચા કરતી વખતે તમે બહેનને એ જોવા મદદ કરો કે, તે પણ મંડળનો મહત્ત્વનો ભાગ છે. પછી, તમે જણાવી શકો કે, યહોવા તેમની નાના ઘેટાંની જેમ ખૂબ કાળજી રાખે છે.
મોટા ભાગે, સાથી ભાઈ-બહેનોને બાઇબલની કલમ પર પોતાનાં વિચારો જણાવવા ગમે છે. તેઓનાં સંજોગો અનુસાર બાઇબલમાંથી કલમ વાંચ્યા પછી, મુખ્ય શબ્દ કે વાક્ય પર તેઓનાં વિચારો પૂછી શકાય. દાખલા તરીકે, બીજો કોરીંથી ૪:૧૬ વાંચ્યા પછી એક વડીલ પૂછી શકે, ‘યહોવાએ તમને નવી તાજગી આપી હોય એવો બનાવ શું તમને યાદ છે?’ આવા સવાલો પૂછવાથી તેઓને અને તમને ઉત્તેજન મળશે.—રોમ. ૧:૧૨
ભાઈ કે બહેનને ઉત્તેજન આપવા તેમના જેવા સંજોગોવાળા, બાઇબલના પાત્રોની ચર્ચા કરી શકો. ધારો કે, કોઈ ઉદાસ હોય તો તેમને હાન્નાહ કે એપાફ્રોદિતસ જેવું લાગતું હશે. એ બંને પણ અમુક સમયે ઉદાસ થયાં હતાં. તોપણ, યહોવા માટે તેઓ કીમતી હતાં. (૧ શમૂ. ૧:૯-૧૧, ૨૦; ફિલિ. ૨:૨૫-૩૦) બાઇબલમાં એવા ઘણા સારા દાખલા છે, જેઓનો તમે ઉલ્લેખ કરી શકો.
તેઓમાં દિલથી રસ બતાવતા રહો
તમારી મુલાકાત પછી પણ, એ ભાઈ કે બહેનમાં દિલથી રસ બતાવતા રહો. (પ્રે.કૃ. ૧૫:૩૬) મુલાકાતના અંતે, તમે પ્રચારમાં તેમની સાથે કામ કરવાની ગોઠવણ કરી શકો. ભાઈ બર્નાડ એક અનુભવી વડીલ છે. તે મુલાકાત લીધેલાં ભાઈ કે બહેનને ફરી મળે છે. તેમ જ, આપેલી સલાહ વિશે ધ્યાન રાખીને પૂછે છે કે ‘શું એ સલાહ તમને કામ લાગી?’ વ્યક્તિમાં આવો રસ લેવાથી તમે નક્કી કરી શકશો કે બીજી કઈ રીતે તેને મદદ આપી શકાય.
ખાસ આજના સમયમાં, ભાઈ-બહેનોને અનુભવ કરાવો કે તમે તેઓની સંભાળ રાખો છો, તેઓને સમજો છો અને પ્રેમ કરો છો. (૧ થેસ્સા. ૫:૧૧) તેથી, ભાઈ કે બહેનની મુલાકાત લેતા પહેલાં, તેમનાં સંજોગો પર વિચાર કરો. ઉત્તેજન આપી શકો એ માટે પ્રાર્થના કરો અને યોગ્ય કલમો પસંદ કરો. આમ કરવાથી, તમે “થાકેલા જીવને” તાજગી આપવા યોગ્ય શબ્દો પસંદ કરી શકશો.
a નામ બદલ્યાં છે.