શું તમે રૂપાંતર પામ્યા છો?
‘તમારાં મનથી પૂર્ણ રીતે રૂપાંતર પામો.’—રોમ. ૧૨:૨.
૧, ૨. સમાજ અને ઉછેરની આપણા જીવન પર કેવી અસર પડે છે?
સમાજ અને ઉછેરની આપણા જીવન પર ઘણી અસર પડે છે. આપણો પહેરવેશ, ખોરાક અને વર્તન અમુક હદે એ સમાજના લોકોના જેવો થઈ જાય છે જ્યાં આપણે રહીએ છીએ. શા માટે? કારણ, જે જગ્યાએ રહેતા હોઈએ ત્યાંના લોકોની અસર આપણા પર થાય છે.
૨ ખરું કે, આપણા પહેરવેશ અને ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્ત્વનું છે. દાખલા તરીકે, આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે અમુક બાબતો સારી અને યોગ્ય છે. જ્યારે કે, બીજી કેટલીક ખોટી અને ખરાબ છે. જોકે, એવી બાબતો માટે દરેક વ્યક્તિના વિચારો જુદા હોય છે. અરે, આપણા અંતરનો અવાજ પણ આપણી પસંદગીને અસર કરે છે. બાઇબલ જણાવે છે કે, ‘વિદેશીઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તોપણ સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે.’ (રોમ. ૨:૧૪) તો શું એનો અર્થ એવો થાય કે જ્યારે ઈશ્વરનો કોઈ સ્પષ્ટ નિયમ ન હોય, ત્યારે કુટુંબના કે સમાજના વિચારોને આધારે નિર્ણય લેવો જોઈએ?
૩. સાચા ખ્રિસ્તીઓ કયાં બે કારણોને લીધે દુનિયાના વિચારો પ્રમાણે ચાલતા નથી?
૩ એ પ્રમાણે ન કરવા સાચા ખ્રિસ્તીઓ પાસે ઓછામાં ઓછા બે મહત્ત્વનાં કારણો છે. પહેલું, બાઇબલ જણાવે છે કે, ‘એક એવો માર્ગ છે કે જે માણસને સીધો લાગે છે, પણ પરિણામે એ મોતનો જ માર્ગ છે.’ (નીતિ. ૧૬:૨૫) આપણે ભૂલો કરતા હોવાને લીધે અમુક વાર યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. (નીતિ. ૨૮:૨૬; યિર્મે. ૧૦:૨૩) બીજું, બાઇબલ જણાવે છે કે દુનિયાના વિચારો અને ધોરણો પર ‘આ જગતનો દેવ’ એટલે કે શેતાન કાબૂ રાખે છે. (૨ કોરીં. ૪:૪; ૧ યોહા. ૫:૧૯) તેથી, જો આપણે યહોવાની મંજૂરી અને આશીર્વાદ મેળવવા ચાહતા હોઈએ તો રોમનો ૧૨:૨ની સલાહ પાળવી જરૂરી છે.—વાંચો.
૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ રોમનો ૧૨:૨માં જણાવ્યા પ્રમાણે આ લેખ ત્રણ મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરશે: (૧) ‘રૂપાંતર પામવું’ શા માટે જરૂરી છે? (૨) રૂપાંતર પામવામાં શાનો સમાવેશ થાય છે? (૩) આપણે કઈ રીતે રૂપાંતર પામી શકીએ?
રૂપાંતર પામવું શા માટે જરૂરી છે?
૫. રોમનો ૧૨:૨માં પાઊલ ખાસ કોને સલાહ આપી રહ્યા હતા?
૫ આશરે ૫૬ની સાલમાં પ્રેરિત પાઊલે રોમનોનો પત્ર સાથી અભિષિક્ત ભાઈઓને લખ્યો હતો, વિદેશીઓ કે આમ જનતાને નહિ. (રોમ. ૧:૭) પાઊલે તેઓને આજીજી કરી કે રૂપાંતર પામો અને ‘આ જગતનું રૂપ ન ધરો.’ એ સમયના રોમના ખ્રિસ્તીઓ માટે ‘જગત’ શાને રજૂ કરતું હતું? રોમન લોકોનાં ધોરણો, તેઓનાં રીત-રિવાજો અને પહેરવેશને રજૂ કરતું હતું. “જગતનું રૂપ તમે ન ધરો,” એમ કહીને પાઊલ જણાવવા માંગતા હતા કે અમુક હજી પણ એ સમાજની અસરમાં હતા. એ સમયનાં ભાઈ-બહેનો પર રોમન જગતની કેવી અસર પડતી હતી?
૬, ૭. પાઊલના સમયમાં, રોમમાં રહેતા ખ્રિસ્તીઓ માટે કઈ સામાજિક અને ધાર્મિક મુશ્કેલીઓ હતી?
૬ હાલમાં, પર્યટકો રોમની મુલાકાત લે ત્યારે તેઓ મંદિરો, કબરો અને કીર્તિ સ્તંભનાં ખંડેરો જોઈ શકે છે. એમાંના અમુક પહેલી સદીમાં બનાવવામાં આવ્યા હતા. એ જોઈને પ્રાચીન રોમના સામાજિક અને ધાર્મિક જીવનની કલ્પના કરી શકાય છે. ઇતિહાસનાં પુસ્તકો પણ આપણને એ સમય વિશે જણાવે છે. એ વખતે હિંસક રમતો, રથ દોડ અને જુદા જુદા વિષયો પર નાટક ભજવવામાં આવતાં. એમાંના અમુક નાટક અશ્લીલ હતાં. રોમનું શહેર ઘણું ધનવાન હોવાથી લોકોને પૈસા કમાવાની અનેક તક મળતી હતી.—રોમ. ૬:૨૧; ૧ પીત. ૪:૩, ૪.
૭ રોમના લોકો ઘણા દેવી-દેવતાઓની પૂજા કરતા હતા. પરંતુ, તેઓ જે દેવોની ઉપાસના કરતા, તેઓની સાથે ગાઢ સંબંધ બાંધવાનો કોઈ પ્રયત્ન કરતા નહિ. તેઓ માટે ધર્મ ફક્ત જન્મ, મરણ અને લગ્નની વિધિઓ કરતાં વધારે કંઈ જ ન હતો. સાચે જ, રોમમાં રહેતા ખ્રિસ્તીઓ માટે એ બાબતોનો સામનો કરવો ઘણું અઘરું બન્યું હશે. ઘણાં ભાઈ-બહેનો એ સમાજમાંથી આવ્યાં હતાં. તેથી, સાચા ખ્રિસ્તીઓ બનવા તેઓએ રૂપાંતર પામવાની જરૂર હતી. બાપ્તિસ્મા પછી પણ રૂપાંતર પામવા તેઓએ ફેરફારો કરતા રહેવાના હતા.
૮. ખ્રિસ્તીઓ માટે આજનું જગત શા માટે જોખમી છે?
૮ રોમન જગતની જેમ આજનું જગત પણ સાચા ખ્રિસ્તીઓ માટે જોખમી છે. શા માટે? કારણ કે દુનિયાનું વલણ બધે જ જોવા મળે છે. (એફેસી ૨:૨, ૩; ૧ યોહાન ૨:૧૬ વાંચો.) દુનિયા જેવા વિચારો, ઇચ્છાઓ અને ધોરણો પ્રમાણે જીવવા આપણા પર સતત દબાણ થતું રહે છે. આ દુનિયાનો ભાગ બનવાનો આપણા પર હંમેશાં ખતરો રહે છે. તેથી, બાઇબલની આ સલાહ પાળવાના આપણી પાસે ઘણાં કારણ છે કે ‘આ જગતનું રૂપ તમે ન ધરો અને રૂપાંતર પામો.’ રૂપાંતર પામવા આપણે શું કરવાની જરૂર છે?
રૂપાંતર પામવામાં શાનો સમાવેશ થાય છે?
૯. ઘણા લોકોએ બાપ્તિસ્મા લેતા પહેલાં કેવા ફેરફારો કર્યા છે?
૯ વ્યક્તિ જ્યારે બાઇબલનો અભ્યાસ કરે છે અને સત્ય સ્વીકારે છે, ત્યારે યહોવા સાથેનો તેનો સંબંધ ગાઢ બને છે. વ્યક્તિ જે શીખે છે એના આધારે જીવનમાં ફેરફાર કરે છે. તે ખોટાં રીતરિવાજો અને ખરાબ ટેવો છોડીને ખ્રિસ્તને અનુસરવા સખત મહેનત કરે છે. (એફે. ૪:૨૨-૨૪) દર વર્ષે હજારો ને હજારો લોકો આવી પ્રગતિ કરે છે. તેઓ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે. એ જોઈને આપણને સાચે જ ઘણી ખુશી થાય છે. ચોક્કસ, યહોવાનું દિલ પણ આનંદથી છલકાઈ જતું હશે. (નીતિ. ૨૭:૧૧) તોપણ, સવાલ થાય કે વ્યક્તિ એટલા જ ફેરફાર કરે એ પૂરતું છે?
૧૦. રૂપાંતર પામવામાં કઈ બાબતનો સમાવેશ થાય છે?
૧૦ રૂપાંતર પામવામાં ફક્ત પ્રગતિ કરવી પૂરતી નથી, એમાં ઘણું સમાયેલું છે. બાઇબલનો એક શબ્દકોશ જણાવે છે કે રોમનો ૧૨:૨માં લખાયેલા “રૂપાંતર” શબ્દનો અર્થ થાય કે પવિત્ર શક્તિની મદદથી પોતાના વિચારોમાં ફેરફાર કરવા. તેથી, એક ખ્રિસ્તી વ્યક્તિ ફક્ત ખોટી આદતો કે ખરાબ વાણી-વર્તન છોડીને રૂપાંતર પામતી નથી. અરે, બાઇબલ ન જાણનાર અમુક લોકો પણ એવી ખોટી બાબતો કરવાનું ટાળે છે. તો પછી, ખ્રિસ્તી તરીકે આપણે રૂપાંતર પામવા કે વિચારોમાં ફેરફાર કરવા શું કરવાની જરૂર છે?
૧૧. વ્યક્તિએ રૂપાંતર પામવા શું કરવું જોઈએ, એ વિશે પાઊલે શું કહ્યું?
૧૧ પાઊલે લખ્યું: ‘તમારાં મનથી પૂર્ણ રીતે રૂપાંતર પામો.’ અહીં “મન” આપણા વિચારવાની શક્તિને રજૂ કરે છે. પરંતુ, બાઇબલ પ્રમાણે એમાં શાનો સમાવેશ થાય છે? આપણને શું વિચારવું ગમે, આપણું વલણ અને કોઈ બાબત માટે કારણ આપવાની પોતાની ક્ષમતાનો પણ એમાં સમાવેશ થાય છે. રોમનોને લખેલા પત્રમાં પાઊલે અગાઉ એવા લોકો વિશે વાત કરી, જેઓની ‘બુદ્ધિ ભ્રષ્ટ’ થઈ ગઈ હતી. કારણ, ‘તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, વેરથી ભરપૂર હતા. ઈર્ષા, હત્યા, કંકાસ, કપટ’ અને બીજા ખરાબ ગુણો તેઓમાં હતા. (રોમ. ૧:૨૮-૩૧) તેથી, આપણે સમજી શકીએ છીએ કે, પાઊલ કેમ એવા સમાજમાંથી ખ્રિસ્તી બનેલાં ભાઈ-બહેનોને ‘મનથી પૂર્ણ રીતે રૂપાંતર’ પામવા અરજ કરી રહ્યા હતા.
‘સર્વ પ્રકારના ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તમારામાંથી દૂર કરો.’—એફે. ૪:૩૧
૧૨. આજના લોકોમાં કેવું વલણ જોવા મળે છે અને એ કઈ રીતે સાચા ખ્રિસ્તીઓ માટે ખતરો છે?
૧૨ દુઃખની વાત છે કે આપણે પણ એવા જ લોકોથી ઘેરાયેલા છે. તેઓ માને છે કે નીતિ-નિયમ પ્રમાણે ચાલવું એ તો જૂના જમાનાની વાત કહેવાય. તેમ જ, તેઓનું કહેવું છે કે બીજાઓને એ પ્રમાણે જીવવા દબાણ કરવું ન જોઈએ. શિક્ષકો અને માબાપ પણ બાળકોને પોતાની ઇચ્છા પ્રમાણે કરવા ઉત્તેજન આપે છે. અરે, તેઓ બાળકોને એમ પણ શીખવે છે કે દરેક પાસે પોતાની રીતે ખરું કે ખોટું પસંદ કરવાની સ્વતંત્રતા છે. એવા લોકો માને છે કે ખરું-ખોટું પારખવા માટે કોઈ ચોક્કસ રીત નથી. ઘણા લોકો પોતાને ધાર્મિક કહેવડાવે છે પણ ઈશ્વરના સાચાં ધોરણો પ્રમાણે ચાલવાનું સ્વીકારતા નથી. (ગીત. ૧૪:૧) આવું વલણ સાચા ખ્રિસ્તીઓ માટે ખતરો છે. ધ્યાન ન રાખીએ તો મંડળમાં પણ એ વલણ આવી જઈ શકે. એવી વ્યક્તિ માટે યહોવાના સંગઠન દ્વારા મળતા માર્ગદર્શનને સ્વીકારવું અઘરું બનશે. અથવા ન ગમતી બાબતો વિશે તે કચકચ કરવા લાગશે. મનોરંજન, ઇન્ટરનેટનો ઉપયોગ અને ઉચ્ચ ભણતર વિશે મળતી બાઇબલની સલાહને કદાચ તે પૂરી રીતે સ્વીકારશે નહિ.
૧૩. આપણે શા માટે પોતાની ખંતથી તપાસ કરવી જોઈએ?
૧૩ એવી જ રીતે, ‘જગતનું રૂપ ન ધરવા’ આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે દુનિયાના લોકો જેવા વિચારો આપણામાં ન આવી જાય. એ માટે આપણે પોતાનાં વિચારો, ઇચ્છાઓ, ધ્યેયો અને સિદ્ધાંતોની ખંતથી તપાસ કરવી જોઈએ. બીજાઓ આપણને કદાચ કહે કે આપણે સારું કરી રહ્યા છીએ. પરંતુ, આપણા દિલમાં શું ચાલી રહ્યું છે એનો તેઓને ખ્યાલ ન આવે. ફક્ત આપણે જ પારખી શકીએ છીએ કે, શું આપણે બાઇબલના શિક્ષણને જીવનમાં લાગુ પાડીએ છીએ અને રૂપાંતર પામીએ છીએ કે નહિ.—યાકૂબ ૧:૨૩-૨૫ વાંચો.
આપણે કઈ રીતે રૂપાંતર પામી શકીએ?
૧૪. આપણે કયા ફેરફાર કરવાની જરૂર છે એ પારખવા શું મદદ કરશે?
૧૪ રૂપાંતર પામવા દિલના ઊંડા વિચારોમાં ફેરફાર કરવાની જરૂર છે. એવા મોટા ફેરફાર કરવા આપણને શું મદદ કરશે? આપણે જ્યારે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે શીખવા મળે છે કે યહોવા કેવી વ્યક્તિને પસંદ કરે છે. બાઇબલની સલાહ માટે આપણે જેવું વલણ બતાવીએ છીએ એનાથી પારખી શકાય કે આપણા દિલમાં ખરેખર શું છે. એનાથી આપણે જાણી શકીશું કે કયા ફેરફાર કરવાની જરૂર છે, જેથી ‘ઈશ્વરની સંપૂર્ણ ઇચ્છા’ પ્રમાણે કરી શકીએ.—રોમ. ૧૨:૨; હિબ્રૂ ૪:૧૨.
૧૫. યહોવાના હાથે ઘડાઈને કઈ રીતે રૂપાંતર પામીએ છીએ?
૧૫ યશાયા ૬૪:૮ વાંચો. યશાયા પ્રબોધકે વાપરેલું શબ્દચિત્ર આપણને મહત્ત્વનો પાઠ શીખવે છે. આપણે માટી જેવા છીએ અને યહોવા કુંભાર જેવા છે. તે આપણને કઈ રીતે ઘડે છે? ખરું કે, તે આપણા રંગરૂપ કે દેખાવને બદલતા નથી. પરંતુ, તે આપણા વ્યક્તિત્વને ઘડે છે. તેમની ઇચ્છા પ્રમાણે ઘડાઈને આપણે બતાવીએ છીએ કે તેમના હાથે રૂપાંતર પામવા ચાહીએ છીએ. યહોવા આપણને દિલનાં વિચારો અને લાગણીઓને બદલવાં મદદ કરે છે. દુનિયાના વલણ સામે લડવા આપણને એ જ બાબતની જરૂર છે. આપણને ઘડવામાં શાનો સમાવેશ થાય છે?
૧૬, ૧૭. (ક) ઉત્તમ વાસણ બનાવવા કુંભાર માટીને શું કરે છે? (ખ) બાઇબલ કઈ રીતે આપણને યહોવાની નજરમાં મૂલ્યવાન વ્યક્તિ બનવા મદદ કરે છે?
૧૬ ઉત્તમ વાસણ બનાવવા કુંભાર સૌથી સારી માટીનો ઉપયોગ કરશે. છતાં, બે બાબતો ઘણી મહત્ત્વની છે. પહેલી, પાણીથી માટીનો કચરો દૂર કરવામાં આવે. અને બીજી, એમાં યોગ્ય પ્રમાણમાં પાણી ભેળવવામાં આવે, જેથી આકાર આપતી વખતે એને બરાબર ઢાળી શકાય.
૧૭ કુંભાર પાણીનો ઉપયોગ બે બાબતો માટે કરે છે. એક તો માટીમાંનો કચરો દૂર કરવા અને બીજી, માટીને ચીકણી બનાવવા જેથી એને આકાર આપી શકાય. શું તમે એ પારખી શક્યા કે બાઇબલ પણ એ જ રીતે કામ કરે છે. ઈશ્વરને ઓળખતા ન હતા ત્યારના ખોટા વિચારોને છોડી દેવા બાઇબલ મદદ કરે છે. તેમ જ, યહોવાની નજરમાં મૂલ્યવાન વ્યક્તિ તરીકે રૂપાંતર પામવા સહાય કરે છે. (એફે. ૫:૨૬) આપણને વારંવાર યાદ અપાવવામાં આવે છે કે બાઇબલ દરરોજ વાંચવું જોઈએ અને બાઇબલ આધારિત જ્ઞાન મેળવવા નિયમિત સભાઓમાં જવું જોઈએ. શા માટે આપણને એમ કરવા ઉત્તેજન આપવામાં આવે છે? કારણ, એમ કરીને બતાવીએ છીએ કે યહોવાના હાથે આપણે ઘડાવા માંગીએ છીએ.—ગીત. ૧:૨; પ્રે.કૃ. ૧૭:૧૧; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
૧૮. (ક) બાઇબલ આપણું રૂપાંતર કરે એ માટે એના પર મનન કરવું શા માટે જરૂરી છે? (ખ) કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૮ જો આપણે ચાહતા હોઈએ કે બાઇબલ આપણું રૂપાંતર કરે, તો ફક્ત એને વાંચવા અને એમાંથી શીખવાને બદલે કંઈક વધારે કરવાની જરૂર છે. ઘણા લોકો સમયે-સમયે બાઇબલ વાંચે છે. તેથી, તેઓને ખબર છે કે એમાં શું લખેલું છે. કદાચ તમે એવા વ્યક્તિઓને પ્રચારમાં મળ્યા પણ હશો. અરે, અમુકને તો બાઇબલના અહેવાલ મોઢે યાદ હશે. a છતાં, એની તેઓના જીવન કે વિચારો પર ભાગ્યે જ અસર પડે છે. શા માટે? કારણ, જો વ્યક્તિ ચાહતી હોય કે બાઇબલ તેના જીવનનું રૂપાંતર કરે, તો એની અસર દિલ પર થવા દેવી જોઈએ. (ગલા. ૬:૬) તેથી, બાઇબલમાંથી જે શીખીએ એના પર વિચાર કરવા આપણે સમય આપવો જોઈએ. આ સવાલો પર વિચાર કરીએ: ‘શું મને ખાતરી છે કે આ એક ધાર્મિક શિક્ષણ કરતાં કંઈક વધારે છે? આ જ સત્ય છે, શું એવો પુરાવો મેં મારા જીવનમાં જોયો છે? શીખેલી બાબતોને બીજાઓ શીખવતા પહેલાં, શું હું પોતે લાગુ પાડું છું? યહોવા જાણે મારી સાથે વાત કરીને મને શીખવી રહ્યા છે, એવી શું મને ખાતરી છે?’ આ સવાલો પર મનન કરવાથી યહોવા માટેનો પ્રેમ ગાઢ થશે. આમ, આપણે યહોવાની વધુ નજીક આવીશું. જે બાબતો શીખીએ એને દિલમાં ઉતારવાથી યોગ્ય ફેરફાર કરીને યહોવાનું હૃદય ખુશ કરી શકીશું.—નીતિ. ૪:૨૩; લુક ૬:૪૫.
૧૯, ૨૦. બાઇબલની સલાહ પાળવાથી કેવા લાભ થશે?
૧૯ નિયમિત બાઇબલ વાંચન અને મનન કરતા રહીશું તો પાઊલની સલાહ પાળી શકીશું. તેમણે લખ્યું, ‘જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂકો અને જે નવું માણસપણું જે જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેરો.’ (કોલો. ૩:૯, ૧૦) બાઇબલ જે શીખવે છે એને સમજીશું અને જીવનમાં લાગુ પાડીશું તો, ખ્રિસ્ત જેવા ગુણો કેળવી શકીશું. આમ, શેતાનના ફાંદાથી બચવા મદદ મળશે.
૨૦ પ્રેરિત પીતર આપણને સલાહ આપે છે કે, ‘આજ્ઞાંકિત છોકરાં જેવા થાઓ અને અગાઉની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસના પ્રમાણે ન વર્તો. પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ.’ (૧ પીત. ૧:૧૪, ૧૫) પહેલાંના વિચારો અને વલણને નકારીને રૂપાંતર પામીશું તો ઘણા આશીર્વાદ મેળવી શકીશું. આવતા લેખમાં આપણે એ આશીર્વાદોની ચર્ચા કરીશું.
a ઉદાહરણ માટે ફેબ્રુઆરી ૧, ૧૯૯૪નું ચોકીબુરજ પાન ૯, ફકરો ૭ જુઓ.