બીજા ધર્મો સાથે મળીને પ્રાર્થના કરવા વિષે યહોવાહના સાક્ષીઓ શું માને છે?
વાચકો તરફથી પ્રશ્ન
બીજા ધર્મો સાથે મળીને પ્રાર્થના કરવા વિષે યહોવાહના સાક્ષીઓ શું માને છે?
▪ વર્લ્ડ ક્રિશ્ચિયન એન્સાયક્લોપેડિયા પ્રમાણે ‘દુનિયામાં આશરે ૧૦,૦૦૦ જુદા જુદા ધર્મો છે.’ એ ધર્મો વચ્ચે લડાઈ-ઝગડા થતા હોવાથી લોકોને ખૂબ જ હાનિ પહોંચી છે. એટલે ઘણા લોકોનું માનવું છે કે સર્વ ધર્મો ભેગા થઈને પ્રાર્થના કરે તો કદાચ શાંતિ આવે અને સંપ તરફ પગલા મંડાય.
બાઇબલ સંપ જાળવવા ઉત્તેજન આપે છે. યહોવાહને ભજતા ખ્રિસ્તી મંડળને પ્રેરિત પાઊલે માનવ શરીર સાથે સરખાવ્યું, ‘જેને ગોઠવવામાં આવેલું છે અને એના દરેક અવયવ પોતાની રીતે બીજા અવયવોને મદદ કરે છે.’ (એફેસી ૪:૧૬, IBSI) એ જ રીતે, પ્રેરિત પીતરે પણ સાથી ભાઈ-બહેનોને આમ લખ્યું કે “તમે સર્વ એક મનનાં” થાવ.—૧ પીતર ૩:૮.
પહેલી સદીના ખ્રિસ્તીઓ અનેક સમાજ અને ધર્મોના લોકો મધ્યે રહેતા હતા. તેમ છતાં, જેઓ ખ્રિસ્તી ન હતા તેઓના ધર્મ સાથે ભળવા વિષે પાઊલે લખ્યું ત્યારે, તેમણે આ સવાલ કર્યો: “વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય?” પછી તેમણે ખ્રિસ્તીઓને ચેતવ્યા: “તેઓમાંથી નીકળી આવો.” (૨ કોરીંથી ૬:૧૫, ૧૭) આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે બીજા ધર્મો સાથે મળીને ભક્તિ કરવાની પાઊલ મના કરતા હતા. તેમણે કેમ એની મના કરી?
પાઊલે જણાવ્યું કે જેઓ યહોવાહની ભક્તિ કરતા નથી તેઓ સાથે મળીને ભક્તિ કરીએ તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. (૨ કોરીંથી ૬:૧૪) એનાથી તો યહોવાહ સાથેનો નાતો નબળો પડી જશે. એ સમજવા એક પ્રેમાળ પિતાનો દાખલો લો. તેમને ખબર છે કે પડોશના અમુક છોકરાઓ સારા નથી. એટલે તે પોતાના બાળક માટે નક્કી કરે છે કે તેણે કોની સાથે રમવું અને કોની સાથે ન રમવું. કદાચ તેમની પસંદગી બીજાઓને ન પસંદ હોય. પરંતુ એ સંજોગોમાં ખરાબ સંગતથી દૂર રહેવાથી તેમના બાળકનું જ ભલું થશે. એ જ રીતે, યહોવાહની ભક્તિ કરતા ખ્રિસ્તીઓ માટે પાઊલને પણ એવી જ ચિંતા હતી. તે જાણતા હતા કે બીજા ધર્મોથી અલગ રહેવાથી તેઓની હાનિકારક માન્યતાઓથી ખ્રિસ્તીઓનું રક્ષણ થશે.
આ રીતે પાઊલ બીજા ધર્મથી અલગ રહેવા ઉત્તેજન આપીને ઈસુને પગલે ચાલતા હતા. બધા લોકો સાથે હળીમળીને રહેવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો હતો. તોપણ તે ક્યારેય બીજા ધર્મ સાથે ભક્તિમાં જોડાયા ન હતા. ઈસુના જમાનામાં ઘણા ધાર્મિક પંથો હતા. જેમ કે, ફરોશીઓ અને સાદુકીઓ. હકીકતમાં આ પંથો સંપીને ઈસુનો વિરોધ કરવા જોડાયા હતા. એ હદ સુધી કે તેઓએ ઈસુને મારી નાખવાનું કાવતરું પણ ઘડ્યું. જ્યારે કે ઈસુએ પોતાના શિષ્યોને ચેતવ્યા કે “ફરોશીઓના તથા સાદુકીઓના મત વિષે સાવધાન” રહો.—માત્થી ૧૬:૧૨.
આપણા સમય વિષે શું? બીજા ધર્મો સાથે મળીને ભક્તિ કરવા વિષે શું બાઇબલ આજે પણ મના કરે છે? હા, ચોક્કસ કરે છે. જેમ એક વાસણમાં તેલ અને પાણીને ભેગા કરવાથી એકબીજા સાથે મળી જતા નથી, એ જ રીતે જુદા જુદા ધર્મની માન્યતાઓ એક થઈ શકતી નથી. દાખલા તરીકે, જુદા જુદા ધર્મના લોકો સાથે મળીને શાંતિ માટે પ્રાર્થના કરે ત્યારે તેઓ કયા ભગવાનને પ્રાર્થના કરે છે? ખાલી નામ પૂરતા ખ્રિસ્તીઓના ત્રૈક્ય દેવને? હિંદુઓના બ્રહ્મા દેવને? બુદ્ધાને? કે પછી બીજા કોઈને?
મીખાહે ઈશ્વર પ્રેરણાથી આપણા સમય વિષે લખ્યું હતું કે ‘છેલ્લા દિવસોʼમાં સર્વ દેશોમાંથી આવેલા લોકો કહેશે: ‘ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર તથા યાકૂબના ઈશ્વરને મંદિરે જઈએ. તે આપણને તેના માર્ગો વિષે શિખવશે, અને આપણે તેના પંથમાં ચાલીશું.’ (મીખાહ ૪:૧-૪) એમ થશે ત્યારે આખી દુનિયાના લોકોમાં સંપ હશે, શાંતિ હશે. એવું ક્યારે બનશે? ખરા ઈશ્વર ચાહે છે તેમ સર્વ લોકો તેમની ભક્તિ કરશે ત્યારે બનશે. નહિ કે સર્વ ધર્મો એક સાથે મળીને ભક્તિ કરશે ત્યારે. (w10-E 06/01)
[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]
દુનિયાના મુખ્ય ધર્મોના આગેવાનો ૨૦૦૮માં પ્રાર્થના કરવા એકઠા થયા
[Credit Line]
REUTERS/Andreas Manolis