સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોને ઈશ્વર વિષે કઈ રીતે શીખવવું જોઈએ?

બાળકોને ઈશ્વર વિષે કઈ રીતે શીખવવું જોઈએ?

બાળકોને ઈશ્વર વિષે કઈ રીતે શીખવવું જોઈએ?

“જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.

ઘણી વખત માબાપને બાળકોને ઉછેરવા અઘરું લાગે છે. એટલે તેઓ અલગ અલગ રીતે સલાહ શોધે છે. તેઓને સગાં-વહાલાં, મિત્રો, પુસ્તકો, મૅગેઝિનના લેખો અને ઇન્ટરનેટ દ્વારા અઢળક માહિતી મળે છે. એ માહિતી ઘણી વખતે સાવ વિરોધાભાસ હોય છે, એટલે તેઓ ગૂંચવાઈ જાય છે.

બીજી બાજુ, બાઇબલ ભરોસાપાત્ર સલાહ આપે છે. એ જણાવે છે કે માતા-પિતાએ બાળકોને શું શીખવવું જોઈએ અને કઈ રીતે શીખવવું જોઈએ. શરૂઆતમાં જણાવેલી કલમ બતાવે છે કે માબાપે દરરોજ થોડો સમય કાઢીને બાળકોને ઈશ્વર વિષે શીખવવું જોઈએ. હવે આપણે બાઇબલ આધારિત ચાર સૂચનો જોઈશું. એનાથી હજારો માબાપને પોતાના બાળકોને ઈશ્વર વિષે શીખવવામાં મદદ મળી છે.

૧. ઈશ્વરે બનાવેલી બાબતોમાંથી શીખવીએ. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘ઈશ્વરે પૃથ્વી, આકાશ તથા જે કાંઈ સર્જન કર્યું છે તે બધું માણસો આરંભથી જોતા આવ્યા છે. આ પરથી તેઓ ઈશ્વરના અદૃશ્ય ગુણોને, તેમના સનાતન સામર્થ્યને જોઈ શકે છે.’ (રોમન ૧:૨૦, IBSI) બાળકો ઈશ્વર સાથે સારો સંબંધ બાંધી શકે એ માટે માબાપ ઘણી મદદ કરી શકે. એમ કરવા તેઓ બાળકોનું ધ્યાન ઈશ્વરે સર્જન કરેલી વસ્તુ તરફ દોરી શકે. એ સમજવા મદદ કરી શકે કે ઈશ્વરે બનાવેલી કોઈ પણ વસ્તુમાં તેમના કયા ગુણો રહેલા છે.

ઈસુએ પણ પોતાના શિષ્યોને ઈશ્વરે સર્જન કરેલી બાબતોમાંથી શીખવ્યું હતું. દાખલા તરીકે તેમણે કહ્યું: “આકાશનાં પક્ષીઓને જુઓ; તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે; તો તેઓ કરતાં તમે અધિક નથી શું?” (માત્થી ૬:૨૬) ઈસુએ અહીં યહોવાહના પ્રેમ અને દયાના ગુણોને ચમકાવ્યા. તેમણે શિષ્યોને એ પણ સમજવા મદદ કરી કે ઈશ્વર કઈ રીતે મનુષ્ય માટે એ ગુણો બતાવે છે.

ઈશ્વરે કીડીમાં કેટલું ડહાપણ મૂક્યું છે, એના આધારે શાણા રાજા સુલેમાને સરસ બોધપાઠ આપ્યો: “હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા: તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્‍નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.” (નીતિવચનો ૬:૬-૮) સુલેમાને શીખવ્યું કે યોગ્ય ધ્યેય રાખવો જોઈએ. તેમ જ, એ પૂરો કરવા પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. શીખવવાની કેટલી સરસ રીત!

માતા-પિતા પણ ઈસુ અને સુલેમાનની શીખવવાની રીતને અનુસરી શકે. એમ કરવા તેઓ આ ત્રણ સૂચનોને લાગુ પાડી શકે: (૧) બાળકોને પૂછો કે તેઓને કયા ફૂલછોડ અને પ્રાણીઓ ગમે છે. (૨) એ ફૂલછોડ અને પ્રાણીઓ વિષે તમે વધારે શીખો. (૩) પછી એમાંથી ઈશ્વરના ગુણો વિષે બાળકોને શીખવો.

૨. ઈસુના વલણને અનુસરીએ. આખા માનવ ઇતિહાસમાં ઈસુ પાસે સૌથી મહત્ત્વનો સંદેશો હતો. તેમ છતાં તેમણે મોટા ભાગનો સમય સવાલો પૂછીને લોકોની લાગણીઓ અને વિચારો જાણવાની કોશિશ કરી. (માત્થી ૧૭:૨૪, ૨૫; માર્ક ૮:૨૭-૨૯) એવી જ રીતે માબાપ પાસે પણ શીખવવા માટે અનેક મહત્ત્વની બાબતો છે. પણ એ શીખવતી વખતે તેઓએ ઈસુને અનુસરવું જોઈએ. બાળક અચકાયા વગર પોતાના વિચારો જણાવે એવું ઉત્તેજન આપવું જોઈએ.

પણ જો બાળક કહેલું ના કરે અથવા મહત્ત્વની બાબતો શીખવામાં ધીમું હોય તો શું કરવું? ચાલો જોઈએ કે ઈસુ કઈ રીતે પોતાના શિષ્યો સાથે વર્ત્યા. અમુક વખતે શિષ્યોમાં બોલાચાલી થઈ જતી. નમ્ર બનવાનો ફાયદો તેઓ જલદી સમજી ન શક્યા. તેમ છતાં, ઈસુએ ધીરજ રાખી અને વારંવાર નમ્ર બનવા વિષે શીખવ્યું. (માર્ક ૯:૩૩, ૩૪; લુક ૯:૪૬-૪૮; ૨૨:૨૪, ૨૫) માબાપે ઈસુને અનુસરવું જોઈએ. તેઓએ ધીરજથી બાળકને સુધારવું જોઈએ. જો બાળક કોઈ બાબત સમજવામાં ધીરું હોય, તો તે સમજી ના જાય ત્યાં સુધી શીખવતા રહેવું જોઈએ. *

૩. પોતાના દાખલાથી શીખવીએ. ઈશ્વરભક્ત પાઊલે, રોમમાં રહેતા ખ્રિસ્તીઓને જે સલાહ આપી એ પાળવામાં આપણું જ ભલું છે. તેમણે લખ્યું: “હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી, એવો બોધ કરનાર, શું તું પોતે ચોરી કરે છે?”—રોમનો ૨:૨૧.

આ સલાહ આજે પણ ઘણી મહત્ત્વની છે. માબાપ જે કંઈ કહે, એના કરતાં જે કરે એની બાળકો પણ વધારે અસર થાય છે. તેથી માબાપ જે શીખવે એ મુજબ પોતે કરે, તો બાળકો પણ તેઓનું અનુકરણ કરશે.

૪. નાનપણથી જ બાળકને શીખવીએ. તીમોથીએ ઈશ્વરભક્ત પાઊલને પ્રચાર કાર્યમાં ઘણો સાથ આપ્યો. તીમોથીનું સમાજમાં ઘણું સારું નામ હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧, ૨) એનું એક કારણ એ હતું કે તે “બાળપણથી પવિત્ર શાસ્ત્ર” શીખ્યા હતા. તીમોથીની માતા અને નાની, તેમને શાસ્ત્રમાંથી વાંચી આપતા. તેમ જ, એમાં રહેલ સત્યને સારી રીતે સમજવા મદદ કરતા.—૨ તીમોથી ૧:૫; ૩:૧૪, ૧૫.

તમને ક્યાંથી મદદ મળી શકે?

બાળકોને ઈશ્વર વિષે સત્ય શીખવવા યહોવાહના સાક્ષીઓ અનેક સાહિત્ય બહાર પાડે છે. એ સાહિત્યથી માબાપને ઘણી મદદ મળે છે. અમુક સાહિત્ય યુવાનો માટે લખવામાં આવે છે. તો અમુક સાહિત્ય માબાપ અને તેઓના યુવાન છોકરાઓ માટે છે, જેથી તેઓ કુટુંબમાં સારો વાતચીત વહેવાર રાખી શકે. *

બાળકોને ઈશ્વર વિષે શીખવતા પહેલાં, માબાપે પોતે અમુક મહત્ત્વના સવાલોના જવાબ જાણવા જોઈએ. તો જ તેઓ બાળકોને સારી રીતે જવાબ આપી શકશે. દાખલા તરીકે તમારા બાળકને આ સવાલો થાય તો કેવો જવાબ આપશો: ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? ઈશ્વરે ધરતી કેમ બનાવી? ગુજરી ગયેલા લોકો ક્યાં છે? આવા અને બીજા પ્રશ્નોના જવાબ મેળવવા યહોવાહના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. તેઓની મદદથી તમે અને તમારું કુટુંબ ઈશ્વર સાથે ગાઢ સંબંધ બાંધી શકશો.—યાકૂબ ૪:૮. (w11-E 08/01)

[ફુટનોટ્‌સ]

^ પુનર્નિયમ ૬:૭માં જે હિબ્રૂ શબ્દનું ભાષાંતર “ખંતથી” થયું છે, એનો અર્થ એ થાય કે એક વિચારને વારંવાર જણાવવો.

^ નાના બાળકો માટે માબાપ લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પુસ્તકનો ઉપયોગ કરી શકે. એ પુસ્તકમાં ઈસુના શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અથવા બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક વાપરી શકે, જેમાં બાઇબલના મુખ્ય વિચારો સાદી ભાષામાં છે. તેમ જ, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ એક અને બેનો ઉપયોગ કરી શકે.