સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અન્યાયનો સામનો કરતી સ્ત્રીઓ

અન્યાયનો સામનો કરતી સ્ત્રીઓ

“સ્ત્રીઓ સાથે થતો વ્યવહાર જોઈને, મને થાય છે કે હું મોટી જ ન થઉં.”—૧૫ વર્ષની ઝારા, ફ્રેન્ચ મૅગેઝિન જીઓમાં જણાવ્યા પ્રમાણે.

યુવાન છોકરીના આ શબ્દો કડવી હકીકત રજૂ કરે છે. દુનિયાભરમાં યુવતીઓ તેમ જ સ્ત્રીઓને જીવનભર હિંસા અને ભેદભાવનો સામનો કરવો પડે છે. આ હકીકત પર નજર કરો.

  • જાતિભેદ. એશિયામાં, માતા-પિતાઓ છોકરીઓ કરતાં છોકરાઓની વધારે ઇચ્છા રાખે છે. ૨૦૧૧ના સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટ પ્રમાણે, એશિયાની વસ્તીમાં ગર્ભપાત, બાળહત્યા અને બેદરકારીને લીધે આશરે ૧૩ કરોડ ૪૦ લાખ સ્ત્રીઓ ઓછી છે.

  • શિક્ષણ. દુનિયાભરમાં ચોથા ધોરણ કરતાં આછું શિક્ષણ મેળવનારાઓમાં, આશરે ૬૬ ટકા સ્ત્રીઓ અને છોકરીઓ છે.

  • જાતીય પજવણી. બે અબજ ૬૦ કરોડ કરતાં વધારે સ્ત્રીઓ, એવા દેશોમાં રહે છે જ્યાં પતિએ ગુજારેલા બળાત્કારને ગુનો ગણવામાં આવતો નથી.

  • સ્વાસ્થ્ય. વિકાસશીલ દેશોમાં, દર બે મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે. એનું કારણ છે કે સ્ત્રીઓને સગર્ભાવસ્થા કે બાળજન્મ વખતે ઊભી થતી સમસ્યા માટે યોગ્ય સારવાર નથી મળતી.

  • માલ-મિલકતનો હક્ક. દુનિયાના કુલ પાકમાંથી અડધાથી વધુ પાકનું ઉત્પાદન સ્ત્રીઓ કરે છે તોપણ, ઘણા દેશોમાં તેઓને માલમિલકત ખરીદવાનો કે વારસામાં એ મેળવવાનો કાનૂની હક્ક હોતો નથી.

સ્ત્રીઓને કેમ આવા મૂળભૂત હક્કથી વંચિત રાખવામાં આવે છે? ઘણા સમાજમાં લોકો એવી ધાર્મિક માન્યતા અને રિવાજો પાળતાં હોય છે, જેના લીધે સ્ત્રીઓ પરના અત્યાચાર કે હિંસામાં વધારો થાય છે અને એને યોગ્ય પણ ગણવામાં આવે છે. ફ્રેન્ચના એક છાપાએ ભારતીય વકીલ ચંદ્રા રામી ચોપરાનો વિચાર જણાવ્યો: ‘બધા ધર્મોના નિયમોમાં એક વાત સમાન છે કે એ સ્ત્રીઓ સાથેના ભેદભાવને ટેકો આપે છે.’

શું તમે પણ આવું વિચારો છો? શું તમે એવું માનો છો કે બીજાં ધાર્મિક પુસ્તકોની જેમ, બાઇબલ પણ સ્ત્રીઓને તુચ્છ ગણે છે? કદાચ બાઇબલની અમુક કલમો જોઈને એમ લાગી શકે. પણ બાઇબલના ઈશ્વર, સ્ત્રીઓને કઈ નજરે જુએ છે? ખરું કે આ એક નાજુક વિષય છે, પણ બાઇબલ શું કહે છે એ તપાસવાથી આ પ્રશ્નનો જવાબ મળી શકશે. (w12-E 09/01)