બાઇબલ જીવન સુધારે છે
બાઇબલ જીવન સુધારે છે
-
જન્મ: ૧૯૭૪
-
દેશ: લૅટ્વિયા
-
પહેલાં કેવા હતા: મોટરબાઇક રેસમાં જીવ જોખમમાં મૂકતા
મારો ભૂતકાળ:
મારો જન્મ લૅટ્વિયા દેશની રાજધાની રીગામાં થયો હતો. મમ્મીએ જ મને અને મારી મોટી બહેનને ઉછેર્યાં હતાં. મમ્મી કૅથલિક ધર્મ પાળતાં હતાં, પણ અમે ફક્ત તહેવાર વખતે ચર્ચમાં જતા હતા. હું હંમેશાં માનતો કે વિશ્વમાં કોઈ મહાન શક્તિ છે, પણ યુવાનીમાં મારું ધ્યાન બીજી બાબતોમાં ભટકી ગયું.
હું મોટો થતો ગયો, તેમ મમ્મીએ જોયું કે મારામાં કોઈ વસ્તુને છૂટી કરવાની અને પાછી જોડવાની કળા છે. ઘરમાં ઘણી વસ્તુઓ છૂટી પાડી શકાય એવી હોવાથી, મને એકલો ઘરે રાખવાનો મમ્મીને ડર લાગતો હતો. એટલે મમ્મીએ મને લોખંડના એવા રમકડાં લઈ આપ્યા જે હું છૂટા પાડી શકું અને પાછા જોડી શકું. એના લીધે મારા બીજા શોખમાં ઉમેરો થયો. હું મોટરબાઇક ચલાવવાનો રસિયો બન્યો. ઝલ્ટા મોપેડ (સોનેરી મોપેડ) નામના મોટરબાઇક રેસમાં મમ્મીએ મારું નામ નોંધાવ્યું. આમ મેં રેસની શરૂઆત મોપેડથી કરી, સમય જતાં મોટરબાઇકથી કરવા લાગ્યો.
હું બહુ ઝડપથી શીખી ગયો અને થોડા જ સમયમાં આ ઝડપી અને ખતરનાક રમતમાં મશહૂર થઈ ગયો. લૅટ્વીયામાં મોટરસાઇકલની અનેક રેસમાં મેં ચેમ્પીયનશીપ મેળવી અને બે વાર બોલ્ટીક રાજ્યમાં મેળવી.
બાઇબલે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
હું સફળતાની ટોચ પર હતો ત્યારે, મારી ગર્લફ્રેન્ડ, ઈવીયા (જે હવે મારી પત્ની છે) યહોવાના સાક્ષીઓના સંપર્કમાં આવી. તેને અમુક સાહિત્ય મળ્યું હતું, જેમાં મફત બાઇબલ સ્ટડી કરવા માટેની કૂપન હતી. તેણે કૂપન ભરીને મોકલી આપી. થોડા દિવસોમાં, બે બહેનો આવી જેઓ યહોવાની સાક્ષી હતી. ઈવીયાએ તેઓની સાથે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એનો મને વાંધો ન હતો, પણ એ સમયે મને ધર્મમાં જરાય રસ ન હતો.
પછીથી, એ બહેનોએ મને ઈવીયાના બાઇબલ અભ્યાસમાં બેસવા અને સાંભળવાનું ઉત્તેજન આપ્યું. એમાં જે સાંભળ્યું એ મને ખૂબ ગમ્યું. ઈશ્વરે બાઇબલમાં નવી દુનિયાનું વચન આપ્યું છે એ મારા હૃદયને ખાસ સ્પર્શી ગયું. દાખલા તરીકે, મને ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧ બતાવવામાં આવી. એ જણાવે છે કે, ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ એ વચન ખરેખર મારા દિલને અસર કરી ગયું!
બાઇબલના શિક્ષણમાં મારો રસ વધવા લાગ્યો. હું ઘણાં ધાર્મિક જૂઠાણાં પારખી શક્યો. જ્યારે કે, બાઇબલનું શિક્ષણ સ્પષ્ટ, સહેલાઈથી સમજી શકાય અને તાજગી આપનારું છે. એટલે, હું એનાથી ઘણો જ પ્રભાવિત થયો.
મેં બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો તેમ મને શીખવા મળ્યું કે યહોવા જીવનને ખૂબ કીમતી ગણે છે. તેમની નજરમાં જીવન અમૂલ્ય છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) એની અસર મારા રેસ કરવા પર પડી. હવે, મારું જીવન ખતરામાં મૂકવા ચાહતો ન હતો. પણ, યહોવા ઈશ્વરને મહિમા આપવા માટે મારું જીવન વાપરવા ચાહતો હતો. તેથી, કીર્તિ, મહિમા અને મોટરસાઇકલનો આનંદ માણવો મારા માટે હવે મહત્ત્વનું ન હતું.
મને જાણવા મળ્યું કે જીવન આપનારા યહોવા પ્રત્યે હું જવાબદાર છું
૧૯૯૬માં એસ્ટોનિયાના ટાલિન શહેરમાં યહોવાના સાક્ષીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હું ગયો હતો. મેં ઘણી વાર જે સ્ટેડિયમમાં રેસ કરી હતી એનાથી સંમેલનની જગ્યા બહુ દૂર ન હતી. એ સંમેલનમાં મેં ઘણા દેશના લોકોને શાંતિથી એકબીજાને મળતા જોયા. દાખલા તરીકે, યહોવાના એક સાક્ષી બહેનનું પર્સ ખોવાઈ ગયું હતું. મને લાગ્યું કે તેમને એ પાછું મળશે નહિ. થોડી જ વારમાં, એક સાક્ષી બહેનને એ પર્સ મળ્યું અને તેમણે પેલા બહેનને પાછું આપ્યું. પણ, એમાંથી કંઈ ચોરાયું ન હતું. એ મને માનવામાં જ ન આવ્યું. હવે મને સમજાયું કે યહોવાના સાક્ષીઓ સાચે જ બાઇબલનાં ઊંચાં ધોરણો પ્રમાણે જીવે છે. હું અને મારી પત્ની ઈવીયા બાઇબલમાંથી શીખતા રહ્યાં અને ૧૯૯૭માં બાપ્તિસ્મા પામીને યહોવાના સાક્ષી બન્યા.
મને કઈ રીતે ફાયદો થયો:
ઝડપી અને જોખમી રીતે મોટરસાઇકલ ચલાવવાથી મારા અમુક મિત્રોનું મરણ થયું હતું. બાઇબલ અભ્યાસ કરવાથી મને જાણવા મળ્યું કે જીવન આપનારા યહોવા પ્રત્યે હું જવાબદાર છું. બની શકે કે એના લીધે જ મારું જીવન બચ્યું.
મને અને મારી પત્ની ઈવીયાને, ચાર વર્ષ સુધી રીગામાં આવેલી યહોવાના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં પૂરા સમયના સેવકો તરીકે સેવા આપવાનો લહાવો મળ્યો. હવે અમે અમારી દીકરી એલીસને મોટી કરવાનો આનંદ માણી રહ્યાં છીએ. તેમ જ, યહોવાના પ્રેમમાં વધતા રહેવા તેને મદદ કરી રહ્યાં છીએ. યહોવાના સાક્ષીઓના સાહિત્યનું જ્યાં ભાષાંતર થાય છે, એ જગ્યાએ અઠવાડિયામાં એક દિવસ સેવા આપવાનો આનંદ માણું છું. ત્યાં હું તૂટેલી વસ્તુઓનું સમારકામ અને કાર રીપેર કરું છું. બાળપણમાં હું જે શીખ્યો હતો એ આવડતનો સારા કામમાં ઉપયોગ કરવાથી હું ખૂબ ખુશ છું. હું અત્યારે પણ વસ્તુઓને છૂટી પાડું છું અને પાછી જોડી દઉં છું.
કુટુંબ સાથે મળીને એકલા ખરા ઈશ્વર વિશે લોકોને જણાવવાનો જે લહાવો મળ્યો છે, એની હું કદર કરું છું. તેમ જ, બાઇબલમાંથી જે શીખ્યો એનો પણ ખૂબ આભારી છું. ખરેખર, નવી દુનિયા વિશેના ઈશ્વરના વચને મારું જીવન સુધાર્યું! (w14-E 02/01)