મુખ્ય વિષય | તમે ઈશ્વરના મિત્ર બની શકો છો
શું તમે ઈશ્વરના મિત્ર છો?
“ઈશ્વર સાથે ગાઢ સંબંધ હોવાથી આપણને કશાની ખોટ પડતી નથી. આપણે ખુશી, સલામતી અને શાંતિ અનુભવીએ છીએ. એનાથી એવો અહેસાસ થાય છે કે, ઈશ્વર હંમેશાં આપણું ભલું ઇચ્છે છે.”—ઘાના દેશમાં રહેતા યુવાન ક્રિસ્ટોફર.
“ઈશ્વર આપણી દરેક દુઃખ-તકલીફો જાણે છે. તે આપણને ધાર્યા કરતાં પણ વધારે પ્રેમ કરે છે અને આપણું ધ્યાન પણ રાખે છે.”—અમેરિકામાં આવેલા અલાસ્કામાં રહેતી ૧૩ વર્ષની હાન્ના.
“ઈશ્વરના મિત્ર હોવું, એ એક અમૂલ્ય લહાવો છે. એ જાણીને મનની શાંતિ મળે છે.”—જમૈકામાં રહેતાં આશરે ૪૫ વર્ષનાં જિના.
ક્રિસ્ટોફર, હાન્ના અને જિના જ નહિ, પરંતુ આખી દુનિયામાં ઘણા લોકો માને છે કે ઈશ્વર તેઓને મિત્ર ગણે છે. તમારા વિશે શું? શું તમે એવું માનો છો કે ઈશ્વર સાથે તમારો ગાઢ સંબંધ છે? કે પછી, તમે ગાઢ સંબંધ બાંધવા ચાહો છો? કદાચ તમને થશે કે, ‘શું આપણા જેવો સામાન્ય માનવી સર્વશક્તિમાન ઈશ્વરનો મિત્ર બની શકે? એમ હોય તો, કઈ રીતે?’
ઈશ્વરના મિત્ર બની શકાય છે
બાઇબલમાં જણાવ્યા પ્રમાણે દરેક જણ ઈશ્વરના મિત્ર બની શકે છે. એમાં એ પણ જણાવ્યું છે કે, ઈશ્વરે પોતાના ભક્ત ઈબ્રાહીમને “મારા મિત્ર” કહ્યા હતા. (યશાયા ૪૧:૮) યાકૂબ ૪:૮માં પણ આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે: “ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” આના પરથી સ્પષ્ટ થાય છે કે, ઈશ્વર સાથે ગાઢ સંબંધ એટલે કે મિત્રતા કેળવી શકાય છે. પરંતુ, આપણે ઈશ્વરને જોઈ શકતા નથી તો કઈ રીતે “ઈશ્વરની પાસે” જઈ શકીએ અને ગાઢ સંબંધ બાંધી શકીએ?
એ સવાલનો જવાબ મેળવવા ચાલો આપણે જોઈએ કે બે વ્યક્તિ કઈ રીતે મિત્રો બને છે. તેઓ પહેલા એકબીજાના નામ જાણે છે. તેઓ રોજ વાતચીત કરે છે, એકબીજાને પોતાના વિચારો અને લાગણીઓ જણાવે છે. આમ, તેઓની મિત્રતા ગાઢ બને છે. જ્યારે તેઓ એકબીજા માટે કંઈક કરવા મહેનત કરે છે, ત્યારે તેઓની મિત્રતા વધારે ગાઢ બને છે. ઈશ્વર સાથે પણ એવી જ રીતે મિત્રતા બાંધી શકાય. ચાલો, એ વિશે આપણે હવે પછીના લેખ જોઈએ. (w૧૪-E ૧૨/૦૧)