સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઉછીના પૈસા લેવા જોઈએ?

શું ઉછીના પૈસા લેવા જોઈએ?

“ઉછીના પૈસા લેવા એ લગ્ન જેવું છે; પાછા આપવા એ શોક જેવું છે.”—સ્વાહિલી ભાષાની કહેવત.

આ કહેવત પૂર્વ આફ્રિકામાં ખૂબ જાણીતી છે. એમાં કોઈ શંકા નથી કે, દુનિયાભરના લોકો એવું જ માનતા હશે. મિત્ર કે બીજી કોઈ જગ્યાથી પૈસા લેવા વિશે શું તમે પણ એવું જ માનો છો? ખરું કે, અમુક સમયે એમ કરવું યોગ્ય લાગે તોપણ, શું એમ કરવું સારું કહેવાય? ઉછીના પૈસા લેવામાં કેવાં જોખમો રહેલાં છે?

બીજી એક સ્વાહિલી કહેવત આમ જણાવે છે: “ઉછીના પૈસા લેવાથી અને આપવાથી સંબંધો બગડી શકે છે.” જો મિત્ર પાસે પૈસા ઉધાર લીધા હોય, તો સંબંધમાં તિરાડ પડી શકે. પૈસા આપવાની સારી ગોઠવણ કરી હોય કે સારી ભાવના હોય તોપણ, આપણા ધાર્યા પ્રમાણે હંમેશાં બનતું નથી. દાખલા તરીકે, નક્કી કરેલા સમયે આપણે પૈસા પાછા આપી ન શકીએ તો, પૈસા ઉછીના આપનારને ગુસ્સો આવી શકે. તેને એ હદે રીસ ચડે કે આપણા સંબંધો બગડી શકે. એની બંને કુટુંબો વચ્ચેના સંબંધોને પણ અસર થઈ શકે. પૈસા ઉધાર લેવાથી મોટા ભાગે અણબનાવો બનવાની શક્યતા રહેલી છે. તેથી, પૈસાની જરૂર હોય તોપણ, એ પહેલો નહિ પણ છેલ્લો ઉપાય હોવો જોઈએ.

ઉછીના પૈસા લેવાથી વ્યક્તિનો ઈશ્વર સાથેનો સંબંધ પણ ખતરામાં આવી શકે છે. કઈ રીતે? બાઇબલ જણાવે છે કે, દુષ્ટ વ્યક્તિ ઉછીનું લે છે પણ, જાણીજોઈને પાછી આપતી નથી. (ગીતશાસ્ત્ર ૩૭:૨૧) એ પણ બતાવે છે કે, “દેણદાર લેણદારનો દાસ છે.” (નીતિવચનો ૨૨:૭) દેણદારને ખબર હોવી જોઈએ કે પૈસા પાછા આપી ન દે ત્યાં સુધી એ લેણદારનો ગુલામ છે. એના વિશે આફ્રિકાની બીજી એક કહેવત આમ કહે છે: “તમે કોઈના પગ માંગશો તો, તેના કહેવા પ્રમાણે ચાલવું પડશે.” બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ વ્યક્તિ પર મોટું દેવું હોય તો તે મન ફાવે એમ નહિ કરી શકે.

ઉછીના પૈસા લીધા પછી પાછા આપવામાં જરાય મોડું ન કરવું જોઈએ. નહિતર મુશ્કેલીઓ ચોક્કસ ઊભી થશે. દેવું વધવાથી ચિંતાઓ વધે, રાતોની ઊંઘ ઊડી જાય, વધારે કામ કરવું પડે, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય અને કુટુંબ છિન્નભિન્ન થઈ જાય. એ ઉપરાંત, કદાચ અદાલતમાં જવું પડે અથવા જેલની સજા પણ ભોગવવી પડે. તેથી, બાઇબલ આપણને સૌથી સારી સલાહ આપે છે: “એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો.”—રોમનો ૧૩:૮.

શું ઉછીના પૈસા લેવા જરૂરી છે?

આપણે આગળ જોઈ ગયા તેમ ઉછીના પૈસા લેવાની જરૂર પડે તો બહુ સાવચેત રહેવું જોઈએ. આવા સવાલો પોતાને પૂછવા જોઈએ: શું ખરેખર ઉછીના પૈસા લેવાની જરૂર છે? કે કુટુંબનું ભરણપોષણ કરવા પૈસા બચાવું તો સારું રહેશે? કે પછી લોભને કારણે ચાદર કરતાં વધારે પગ ફેલાવવાનો પ્રયત્ન કરું છું? ઉછીના પૈસા લેવા કરતાં પોતાની પાસે જે હોય એનાથી કામ ચલાવવું વધારે સારું રહેશે.

બની શકે, કે એવા સંજોગો ઊભા થાય કે ઉછીના પૈસા લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ ન હોય. એવા સમયે આપેલા વચન પ્રમાણે પૈસા પાછા આપવા જોઈએ. એમ કઈ રીતે કરી શકાય?

પહેલા તો, કોઈ વ્યક્તિ બીજાઓ કરતાં પૈસે-ટકે વધારે સુખી હોય તો, તેનો ફાયદો ન ઉઠાવવો જોઈએ. એવું પણ ન વિચારીએ કે આપણને મદદ કરવાની તેની ફરજ છે. તેની પાસે ઘણા પૈસા છે એટલે સમયસર નહિ આપીએ તો ચાલશે. એવા લોકોની અદેખાઈ પણ ન કરીએ.—નીતિવચનો ૨૮:૨૨.

પછી, ઉછીના પૈસા પાછા આપવામાં મોડું ન કરીએ. તે ન જણાવે તોપણ, પૈસા પાછા આપવાનો સમય નક્કી કરીએ. તેમ જ, એ પ્રમાણે પાછા આપી પણ દેવા જોઈએ. એ સારું રહેશે કે, લેવડદેવડ લખાણમાં રાખીએ, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય. (યિર્મેયા ૩૨:૯, ૧૦) જો બની શકે તો પૈસા પાછા આપવા આપણે જાતે જઈએ, જેથી તેમનો આભાર માની શકીએ. સમયસર પૈસા પાછા આપવાથી સંબંધોમાં મીઠાશ જળવાશે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં આમ જણાવ્યું: “તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.” (માથ્થી ૫:૩૭) ઉપરાંત, આ સોનેરી નિયમ પણ યાદ રાખવો જોઈએ: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માથ્થી ૭:૧૨.

બાઇબલનું માર્ગદર્શન મદદ કરે છે

પૈસા ઉધાર લેવા વિશે બાઇબલ ઉત્તેજન આપતું નથી. પરંતુ, એ સારી સલાહ આપે છે: “સંતોષસહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.” (૧ તીમોથી ૬:૬) બીજા શબ્દોમાં, આપણી પાસે જે છે એનાથી સંતોષી રહીશું તો, ખરાબ પરિણામો ભોગવવાં નહિ પડે. જોકે, આજની દુનિયામાં લોકોને રાતોરાત કરોડપતિ થવું છે. એવા માહોલમાં સંતોષી રહેવું સહેલું નથી. એ માટે “ભક્તિભાવ” રાખવો ખૂબ જરૂરી છે. શા માટે?

ચાલો એ સમજવા, એશિયામાં રહેતા એક યુગલનો દાખલો જોઈએ. લગ્ન પછી, બીજાનું ઘર જોઈને તેઓને પણ થતું કે, પોતાનું ઘર હોય તો સારું. તેથી, તેઓએ ઘર લેવા પોતાની બચત વાપરી કાઢી, બૅંકમાંથી લોન અને સગાં પાસેથી પૈસા લીધા. થોડા સમય પછી દર મહિને તેઓને હપ્તા ભરવા ભારે પડવા લાગ્યા. તેથી, તેઓ વધારે કામ કરવા લાગ્યા જેના લીધે બાળકોને બહુ જ ઓછો સમય આપી શકતા. પતિ જણાવે છે કે, “ચિંતા, દુઃખ, તણાવ અને ઉજાગરાને લીધે મારા માથા પર સખત ભાર રહેતો. એનાથી મને અકળામણ થતી.”

સમય જતાં, તેઓને ૧ તીમોથી ૬:૬ના શબ્દો યાદ આવ્યા. તેઓએ ઘર વેચી દેવાનો નિર્ણય કર્યો. દેવું ચૂકતે કરવામાં તેઓને બે વર્ષ લાગ્યાં. તેઓ એમાંથી શું શીખ્યાં? તેઓ જણાવે છે: “જો યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીશું, તો ધનદોલતના ગુલામ નહિ બનીએ.”

શરૂઆતમાં જે સ્વાહિલી કહેવત જોઈ ગયા એનાથી ઘણા લોકો જાણકાર છે. તેમ છતાં લોકો ઉછીના પૈસા માંગતા અચકાતા નથી. આ લેખમાં આપેલા બાઇબલના માર્ગદર્શનને લાગુ પાડીશું તો, આ સવાલ પર ફરી વિચારવા મદદ મળશે: શું ઉછીના પૈસા લેવા જોઈએ? (w૧૪-E ૧૨/૦૧)

“જો યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીશું, તો ધનદોલતના ગુલામ નહિ બનીએ”