સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે ઈશ્વરથી નારાજ છો?

શું તમે ઈશ્વરથી નારાજ છો?

“શા માટે મારી જોડે એવું થાય છે? ઈશ્વરે કેમ મારા પર દુઃખ-તકલીફો આવવા દીધી?” બ્રાઝિલમાં રહેતા ૨૪ વર્ષના સીદને પણ એવા સવાલો થયા હતા. પાણીની લપસણી પરથી તે પડી ગયા હતા. ત્યાર પછી, તે વ્હિલચૅરના સહારે જીવે છે.

આજે અકસ્માત, બીમારી, કુટુંબીજનોનું મરણ, કુદરતી આફતો અને યુદ્ધોને કારણે લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે. એના લીધે, ઈશ્વર પરથી તેઓનો ભરોસો ઊઠી જાય છે. એમાં કોઈ નવાઈની વાત નથી. પ્રાચીન સમયના ઈશ્વરભક્ત અયૂબ પર એક પછી એક આફતો આવી પડી હતી. તેમણે ઈશ્વરને અજાણે કહ્યું: ‘હું તમને બોલાવું છું, પણ તમે મને ઉત્તર આપતા નથી; હું ઊભો થાઉં છું, અને તમે મારી સામું જોયા કરો છો. તમે બદલાઈને મારા પર નિર્દય થયા છો; તમારા હાથના બળથી તમે મને સતાવો છો.’—અયૂબ ૩૦:૨૦, ૨૧.

અયૂબને ખબર ન હતી કે, એ બધી તકલીફો કોણ લાવ્યું અને શા માટે આવી. જોકે, બાઇબલમાંથી આપણને એવા બનાવોનું કારણ જાણવા મળે છે. તેમ જ, એવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ એ પણ જાણવા મળે છે.

શું ઈશ્વર લોકો પર તકલીફો લાવે છે?

ઈશ્વર વિશે બાઇબલમાં જણાવ્યું છે કે, ‘તેમનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે; વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.’ (પુનર્નિયમ ૩૨:૪) એમ હોય તો, શું એવું બની શકે કે ‘ન્યાયી તથા ખરા’ ઈશ્વર મનુષ્યો ઉપર તકલીફો લાવે? બીજા શબ્દોમાં કહીએ તો, શું મનુષ્યોને શિક્ષા કરવા કે શુદ્ધ કરવા ઈશ્વર તેઓ પર આફતો લાવે છે? એ તો શક્ય જ નથી.

બાઇબલ જણાવે છે: ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) હકીકતમાં, બાઇબલ શીખવે છે કે ઈશ્વરે મનુષ્યોને ખૂબ જ સુંદર શરૂઆત આપી હતી. તેમણે પ્રથમ માબાપ, આદમ-હવાને સુંદર ઘર, જીવન-જરૂરિયાતની દરેક વસ્તુઓ અને એક સરસ કામ આપ્યું હતું. ઈશ્વરે તેઓને કહ્યું: “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.” ઈશ્વરથી નાખુશ થવાનું આદમ અને હવા પાસે કોઈ કારણ ન હતું.—ઉત્પત્તિ ૧:૨૮.

આજની પરિસ્થિતિ સાવ અલગ છે. ઇતિહાસ બતાવે છે કે, મનુષ્યોની હાલત બગડતી ને બગડતી જઈ રહી છે. બાઇબલમાં એનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે: “અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રોમનો ૮:૨૨) આવું કેમ બન્યું?

શા માટે તકલીફો છે?

તકલીફોનું કારણ સમજવા આપણે એની શરૂઆત વિશે જાણવું પડશે. ઈશ્વરે આદમ અને હવાને “ભલા-ભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ” ખાવાની મનાઈ કરી હતી. પરંતુ, એક બંડખોર સ્વર્ગદૂત, જે પછીથી શેતાન તરીકે ઓળખાયો, તેણે હવાને કહ્યું કે તમે ઈશ્વરની આજ્ઞા તોડશો તો, નહિ મરશો. આમ, તેણે ઈશ્વરને જૂઠા કહ્યા. શેતાને એવો પણ આરોપ મૂક્યો કે, ઈશ્વર પોતાના લોકોને ખરું-ખોટું પારખવાનો હક આપતા નથી. આ રીતે, શેતાનની વાતથી ઉશ્કેરાઈને આદમ અને હવાએ ઈશ્વરનાં ખરાં-ખોટાં ધોરણોનો નકાર કર્યો. (ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧-૬) શેતાન એવું કહેવા માંગતો હતો કે, મનુષ્યોને ઈશ્વરના રાજની કોઈ જરૂર નથી. તેઓ ઈશ્વર કરતાં વધુ સારું કરી શકે છે. આ બધાને કારણે એક ખૂબ જ મહત્ત્વનો સવાલ ઊઠ્યો: શું ઈશ્વરની રાજ કરવાની રીત યોગ્ય છે?

વધુમાં, શેતાને મનુષ્યોની વફાદારી ઉપર સવાલ ઉઠાવ્યો. માણસો સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે એવો તેણે આરોપ મૂક્યો. વિશ્વાસુ અયૂબ વિશે શેતાને ઈશ્વરને કહ્યું: ‘શું તમે તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચારેબાજુથી રક્ષણ કરતા નથી? પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઇનકાર કરશે.’ (અયૂબ ૧:૧૦, ૧૧) ખરું કે, શેતાને એ શબ્દો અયૂબ માટે કહ્યા હતા. પરંતુ, તેનો કહેવાનો અર્થ હતો કે દરેક મનુષ્ય સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે.

ઈશ્વર એ સવાલોનો જવાબ કઈ રીતે આપશે?

આ સવાલનો જવાબ આપવાની સૌથી સારી રીત કઈ હોય શકે? ઈશ્વર પાસે અપાર જ્ઞાન છે. એટલે, તે જ આ સવાલનો સૌથી સારી રીતે જવાબ આપી શકે. તેમના જવાબથી આપણે જરાય નિરાશ નહિ થઈએ. (રોમનો ૧૧:૩૩) તેમણે થોડા સમય માટે મનુષ્યોને રાજ કરવા દીધું છે. એનાથી સાબિત થશે કે કોની રાજ કરવાની રીત સૌથી ઉત્તમ છે.

દુનિયાની આજની કથળતી પરિસ્થિતિ સાફ બતાવે છે કે મનુષ્યનું રાજ નિષ્ફળ ગયું છે. મનુષ્યની સરકાર શાંતિ, સલામતી અને ખુશીઓ લાવી શકી નથી. એટલું જ નહિ, પૃથ્વીને વિનાશની અણીએ લાવીને મૂકી દીધી છે. આ હકીકત બાઇબલના આ શબ્દોને સાચા પાડે છે: “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયા ૧૦:૨૩) ફક્ત ઈશ્વરનું રાજ હંમેશ માટે સુખ-શાંતિ અને ખુશીઓ લાવશે. એવું ચોક્કસ થશે, એ જ તો ઈશ્વરનો હેતુ છે!—યશાયા ૪૫:૧૮.

તો સવાલ થાય કે, ઈશ્વર કઈ રીતે પરિસ્થિતિ સુધારશે? ઈસુએ પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: ‘તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૧૦) હા, યોગ્ય સમયે ઈશ્વર પોતાનું રાજ્ય લાવશે. એ રાજ્ય દ્વારા તે દરેક પ્રકારની તકલીફો દૂર કરશે. (દાનીયેલ ૨:૪૪) ગરીબી, બીમારી અને મરણ હશે જ નહિ. ગરીબ લોકો વિશે બાઇબલ જણાવે છે: “દરિદ્રી પોકાર કરે ત્યારે તે [ઈશ્વર] તેને છોડાવશે.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) બીમાર લોકોને બાઇબલ વચન આપે છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ” (યશાયા ૩૩:૨૪) ગુજરી ગયેલા લોકો વિશે ઈસુએ કહ્યું: ‘એવો વખત આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ નીકળી આવશે.’ (યોહાન ૫:૨૮, ૨૯) કેટલાં સુંદર વચનો!

ઈશ્વરના વચનમાં ભરોસો મૂકવાથી નારાજગી દૂર કરવા મદદ મળશે

નિરાશાનો સામનો કરવો

શરૂઆતમાં આપણે સીદ વિશે વાત કરી. પોતાના અકસ્માતના ૧૭ વર્ષ પછી તે જણાવે છે: “મારી સાથે થયેલા કરુણ બનાવ માટે મેં કદીયે યહોવા ઈશ્વરને દોષ ન આપ્યો. જોકે, હું સ્વીકારું છું કે શરૂઆતમાં હું તેમનાથી નારાજ હતો. અમુક વખતે હું ખૂબ જ નિરાશ થઈ જતો. અને મારી અપંગતા વિશે વિચારતો ત્યારે, હું બહુ જ રડતો. જોકે, બાઇબલમાંથી મને જાણવા મળ્યું કે, સજા કરવા ઈશ્વરે મારી આ હાલત કરી નથી. બાઇબલ જણાવે છે કે એ તો ‘સમય અને સંજોગોની’ અસર હતી. (સભાશિક્ષક ૯:૧૧, કોમન લેંગ્વેજ) યહોવાને પ્રાર્થના કરવાથી અને અમુક ખાસ શાસ્ત્રવચનો વાંચવાથી તેમની સાથેનો મારો સંબંધ મજબૂત થયો છે. એનાથી, મારી નિરાશા દૂર થઈ છે અને સારું વિચારવા મદદ મળી છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮; ૨ કોરીંથી ૪:૮, ૯, ૧૬.

યહોવાએ શા માટે દુઃખ-તકલીફો ચાલવા દીધી છે અને એને દૂર કરવા તે જલદી શું કરવાના છે એ ધ્યાનમાં રાખવાથી ઈશ્વર માટેની નારાજગી દૂર કરવા મદદ મળશે. આપણને ખાતરી મળે છે કે, ‘જેઓ ખંતથી ઈશ્વરને શોધે છે તેઓને તે ફળ આપે છે.’ જે કોઈ તેમના પર અને તેમના દીકરા પર ભરોસો મૂકે છે તે નિરાશ નહિ થશે.—હિબ્રૂ ૧૧:૬; રોમનો ૧૦:૧૧. (w૧૫-E ૦૯/૦૧)