ચિંતા ઓછી કરવા હું શું કરું?
ચિંતા ચીતા સમાન છે. વધુ પડતી ચિંતા કરવાથી આપણી તબિયત બગડી શકે છે. એનાથી તણાવ અને દુ:ખમાં વધારો થઈ શકે છે. આમ, મુશ્કેલીઓ હજુ વધી શકે છે.
ચિંતા ઓછી કરવા માટેના ઉપાય
નિરાશ કરે એવા સમાચાર પર ઓછું ધ્યાન આપો. દુનિયામાં બનતા કોઈ પણ ખરાબ સમાચારની બધી જ વિગતો જાણવાની જરૂર નથી. એમ કરીશું તો આપણે ડરી જઈશું અને વધારે ચિંતા કરવા લાગીશું.
બાઇબલની સલાહ: “ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.”—નીતિવચનો ૧૭:૨૨.
“જો આપણે ટીવી કે ઇન્ટરનેટ પર હચમચાવી દેતા સમાચાર જોયા કરીશું, તો આપણને એ જોવાની ખરાબ આદત પડી જશે. પણ મેં જ્યારથી સમાચાર જોવાનું ઓછું કરી દીધું છે, ત્યારથી મારું ટેન્શન ઘણું ઓછું થઈ ગયું છે.—જોન.
આનો વિચાર કરો: શું તમારે દરેક બ્રેકિંગ ન્યૂઝ જોવા જરૂરી છે? શું એની ઝીણામાં ઝીણી વિગત જાણવી જરૂરી છે?
તમારું રૂટિન જાળવી રાખો. સવારે ઊઠવાનો, જમવાનો, ઘરના કામ કરવાનો અને રાતે સૂવાનો એક સમય નક્કી કરો. અને એને વળગી રહો. બધું જ સમયસર કરશો તો તમારી ચિંતામાં વધારો નહિ થાય ને મન પણ શાંત રહેશે.
બાઇબલની સલાહ: “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે.”—નીતિવચનો ૨૧:૫.
“જ્યારે કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ ત્યારે હું મારા રૂટિનને જરાય વળગી ના રહ્યો, ને વળી વધુ પડતો સમય મનોરંજનમાં વેડફી નાખતો. પણ પછી મને અહેસાસ થયો કે મારે સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. એટલે મેં રોજના દરેક કામ માટે એક સમય નક્કી કર્યો.”—જોસેફ.
આનો વિચાર કરો: શું તમે પણ દરેક કામ માટે એક સમય નક્કી કર્યો છે, જેથી કામ પતે તેમ તમને સારું લાગે?
જીવનની સારી બાબતો વિશે વિચારો. જે ખરાબ બાબતો હજુ બની નથી એની કલ્પના કરતા રહેવું તો જાણે ચિંતાની આગમાં ઘી રેડવા જેવું છે. ‘મારી સાથે કંઈક ખોટું થયું તો?’ ભાવિ વિશેના આવા વિચારો તમને વધુ ચિંતામાં નાખશે. એના કરતાં સારું રહેશે કે જીવનની સારી બાબતો વિશે વિચારો.
બાઇબલની સલાહ: “તમે બતાવી આપો કે તમે કેટલા આભારી છો.”—કોલોસીઓ ૩:૧૫.
“બાઇબલ વાંચવાથી મને સારી વાતો જાણવા મળે છે. આમ મારું મન ખરાબ સમાચારોને બદલે સારા વિચારોથી ભરું છું, ને જીવનના સારા પાસાં પર ધ્યાન આપું છું. કદાચ કોઈકને લાગે કે શું ચિંતાથી પીછો છોડાવવો એટલું સહેલું છે? હા, છે.”—લિસા.
આનો વિચાર કરો: શું તમે તમારા જીવનની ખરાબ બાબતો પર જ વિચાર્યા કરો છો ને જે સારું છે એને ભૂલી જાઓ છો?
બીજાઓનો વિચાર કરો. તમે હંમેશાં ચિંતામાં ડૂબેલા રહેશો તો તમને બીજાઓને મળવાનું મન નહિ થાય. એમ કરવાને બદલે જે લોકોને મદદની જરૂર છે તેઓને મદદ કરો.
બાઇબલની સલાહ: “તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિપીઓ ૨:૪.
બીજાઓને ખુશી મળે એ માટે હું કંઈને કંઈ કરતી રહું છું. તેઓને ખુશ જોઈને હું પણ ખુશ થાઉં છું. એનાથી મારી ચિંતાઓ ઓછી થઈ જાય છે. બીજાઓને મદદ કરવામાં એટલી ડૂબી જાઉં છું કે ચિંતા કરવાનો સમય જ નથી રહેતો.”—મારિયા.
આનો વિચાર કરો: તમારા ઓળખીતાઓમાં કોને કોને મદદની જરૂર છે? તમે તેઓ માટે શું કરી શકો?
પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખો. કસરત કરો અને પૂરતો આરામ લો. પોષણ મળે એવો ખોરાક લો. તંદુરસ્ત રહીશું તો ખુશ રહી શકીશું અને ચિંતા ઓછી થશે.
બાઇબલની સલાહ: ‘શરીરની કસરત તો લાભ કરે છે.’—૧ તિમોથી ૪:૮.
“હું અને મારો દીકરો કસરત કરવા બહાર જઈ શકતા નથી એટલે અમે ઘરમાં જ કસરત કરીએ છીએ. એનાથી અમને ઘણો લાભ થયો છે. અમે ખુશ રહીએ છીએ, એકબીજા સાથે સારો વ્યવહાર કરીએ છીએ અને એકબીજા માટે ધીરજ બતાવીએ છીએ.”—કેથરિન.
આનો વિચાર કરો: સારી તંદુરસ્તી માટે શું તમારે ખાવા-પીવાની આદતોમાં ફેરફાર કરવાની અને કસરત કરવાની જરૂર છે?
આ લેખમાં બતાવેલા ઉપાયો પ્રમાણે કરવાથી ઘણા લોકોને ચિંતા ઓછી કરવા મદદ મળી છે. ખાસ કરીને તેઓને ઈશ્વરના વચન બાઇબલમાંથી આવનાર સારા ભાવિ વિશે જાણવા મળ્યું, ત્યારે તેઓને ઘણી હિંમત મળી. એ વિશે વધારે જાણવા “ઈશ્વરનું રાજ્ય શું કરશે?” લેખ વાંચો.