અચાનક બીમારી આવી જાય ત્યારે કઈ રીતે એનો સામનો કરવો?
શું તમારી તબિયત અચાનક બગડી ગઈ છે? જો એમ હોય તો તમે જાણતા હશો કે મનમાં ઘણી ઊથલ-પાથલ થઈ શકે, થાકી જવાય અને પૈસેટકે તંગી અનુભવી શકો. એવા સમયે તમને શું મદદ કરી શકે? કુટુંબના કોઈ સભ્ય અથવા મિત્રની તબિયત ખરાબ હોય, તો તમે કેવી રીતે મદદ કરી શકો? ખરું કે, બાઇબલ તબીબી સારવારને લગતું પુસ્તક નથી, પણ એમાં સરસ સિદ્ધાંતો આપ્યા છે. એની મદદથી તમે અઘરા સંજોગોનો સામનો કરી શકો છો.
તબિયત બગડે ત્યારે શું મદદ કરી શકે?
ડૉક્ટરની સલાહ લો
શાસ્ત્ર શું કહે છે: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.”—માથ્થી ૯:૧૨.
એનો અર્થ થાય: જરૂર હોય ત્યારે ડૉક્ટરની મદદ લો.
આ અજમાવી જુઓ: સૌથી સારી સારવાર લેવાનો પ્રયત્ન કરો. અમુક વાર કદાચ એક કરતાં વધારે ડૉક્ટરની સલાહ લેવી સારું રહેશે. (નીતિવચનો ૧૪:૧૫) ડૉક્ટરો અને નર્સ સાથે સ્પષ્ટ રીતે વાત કરો. એમ કરવાથી તમે તેઓને સારી રીતે સમજી શકશો અને તમને જે તકલીફ થઈ રહી છે એને તેઓ સારી રીતે સમજી શકશે. (નીતિવચનો ૧૫:૨૨) તમારી બીમારી અને એને લગતી અલગ અલગ સારવાર વિશે વધુ જાણો. જો સમજશો કે તમને કેવી બીમારી છે, તો એનો સામનો કરવા માનસિક રીતે તૈયાર હશો. સાથે સાથે યોગ્ય નિર્ણયો પણ લઈ શકશો.
સારી આદતો કેળવો
શાસ્ત્ર શું કહે છે: ‘શરીરની કસરત લાભ કરે છે.’—૧ તિમોથી ૪:૮.
એનો અર્થ થાય: સારી આદતો કેળવવાથી તમને ફાયદો થાય છે. જેમ કે, નિયમિત કસરત કરવી.
આ અજમાવી જુઓ: નિયમિત રીતે કસરત કરો, પૌષ્ટિક ખોરાક લો અને પૂરતી ઊંઘ મેળવો. એ વાત સાચી છે કે બીમારીને લીધે તમારે અમુક ફેરફારો કરવા પડે. પણ જો તમે સારી આદતો કેળવવા મહેનત કરશો, તો સારાં પરિણામો મળશે. નિષ્ણાતો પણ એ વાત સાથે સહમત થાય છે. જોકે, ધ્યાન રાખજો કે તમે જે કંઈ કરવાનું નક્કી કરો, એનાથી તમારી તબિયત વધારે ન બગડે.
બીજાઓની મદદ લો
શાસ્ત્ર શું કહે છે: “સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિવચનો ૧૭:૧૭.
એનો અર્થ થાય: મુશ્કેલ સમયમાં મિત્રો તમને મદદ કરી શકે છે.
આ અજમાવી જુઓ: એવા કોઈ વિશ્વાસુ મિત્ર સાથે વાત કરો જેની આગળ તમારું દિલ ઠાલવી શકો. એમ કરવાથી તમારી ચિંતા થોડી ઓછી થશે અને તમને રાહત મળશે. કુટુંબના સભ્યો અને મિત્રો તમને બીજી રીતોએ મદદ કરવા માંગતા હશે, પણ કદાચ તેઓને ખ્યાલ આવતો ન હોય કે શું કરવું. એટલે સાફ સાફ જણાવો કે તેઓ કઈ રીતે મદદ કરી શકે. તેઓ પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો અને તેઓએ કરેલી મદદ માટે હંમેશાં આભાર માનો. યાદ રાખો કે તમારા મિત્રો મદદ કરવા માંગે છે, પણ અમુક વાર એવું કંઈક કરે જેનાથી તમે કંટાળી જાઓ. એ કારણે તમારે અમુક હદ નક્કી કરવી પડે. જેમ કે, તેઓ તમને કેટલી વાર અને કેટલો સમય મળવા આવશે.
સારું વલણ રાખો
શાસ્ત્ર શું કહે છે: “આનંદી હૃદય ઉત્તમ દવા છે, પણ ઉદાસ મન વ્યક્તિને કમજોર બનાવી દે છે.”—નીતિવચનો ૧૭:૨૨.
એનો અર્થ થાય: બીમારીનો સામનો કરવા અને શાંત રહેવા સારું વલણ તમને મદદ કરશે.
આ અજમાવી જુઓ: બીમારીને લીધે તમારે પોતાના સંજોગોમાં ફેરફારો કરવા પડે. એવામાં તમે જે નથી કરી શકતા એના પર નહિ, પણ જે કરી શકો છો એના પર ધ્યાન આપો. પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો અથવા બીમારી થઈ એ પહેલાં તમે શું કરી શકતા હતા, એ વિશે ન વિચારો. (ગલાતીઓ ૬:૪) એવા ધ્યેયો રાખો જે તમે પૂરા કરી શકો. આમ, તમે યોગ્ય વલણ રાખી શકશો. (નીતિવચનો ૨૪:૧૦) તમારા સંજોગો પ્રમાણે બીજાઓની મદદ કરો. બીજાઓને આપવાથી તમને ખુશી મળશે અને તમારી મુશ્કેલીઓ પરથી ધ્યાન હટાવવા મદદ મળશે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.
શું ઈશ્વર તમને બીમારી સામે લડવા મદદ કરશે?
બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા ઈશ્વર a તમને બીમારી સામે લડવા મદદ કરી શકે છે. જોકે આપણે એવી અપેક્ષા નથી રાખી શકતા કે તે ચમત્કાર કરીને આપણને સાજા કરી દેશે, પણ જેઓ ઈશ્વરની ભક્તિ કરે છે, તેઓને તે મદદ કરી શકે છે. એ માટેની રીતો નીચે બતાવી છે:
શાંતિ. યહોવા આપણને “શાંતિ” આપી શકે છે, “જે આપણી સમજશક્તિની બહાર છે.” (ફિલિપીઓ ૪:૬, ૭) જેઓ ઈશ્વરને પ્રાર્થનામાં પોતાની ચિંતાઓ જણાવે છે, તેઓને તે મનની શાંતિ આપે છે. એવી શાંતિ એક વ્યક્તિને ચિંતામાં ગરક ન થઈ જવા મદદ કરે છે.—૧ પિતર ૫:૭.
ડહાપણ. યહોવા આપણને યોગ્ય નિર્ણયો લેવા ડહાપણ આપી શકે છે. (યાકૂબ ૧:૫) જ્યારે એક વ્યક્તિ બાઇબલમાં આપેલા કીમતી સિદ્ધાંતો વિશે શીખે છે અને એને જીવનમાં લાગુ પાડે છે, ત્યારે તે ડહાપણ મેળવે છે.
સારા ભાવિની આશા. યહોવા વચન આપે છે કે આવનાર સમયમાં ‘કોઈ કહેશે નહિ કે, “હું બીમાર છું.”’ (યશાયા ૩૩:૨૪) એ આશાને લીધે ઘણા લોકોને ગંભીર બીમારીઓનો સામનો કરતી વખતે યોગ્ય વલણ રાખવા મદદ મળી છે.—યર્મિયા ૨૯:૧૧, ૧૨.
a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.