જુઓ, શું બની રહ્યું છે!
૨૦૨૩માં સોનેરી આશા—બાઇબલ શું કહે છે?
૨૦૨૩નું નવું વર્ષ શરૂ થયું તેમ, બધા આશા રાખે છે કે તેઓ અને તેઓનું કુટુંબ ખુશ રહેશે. શું એવી આશા રાખવી શક્ય છે?
બાઇબલમાં સોનેરી આશા આપી છે
બાઇબલમાં લખ્યું છે કે આપણે જે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ એ થોડા સમય માટે જ છે અને બહુ જલદી એનો અંત આવશે. બાઇબલમાં જે કંઈ લખવામાં આવ્યું હતું ‘એ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતું. આપણી પાસે આશા છે, કેમ કે શાસ્ત્ર આપણને ઉત્તેજન આપે છે.’—રોમનો ૧૫:૪.
બાઇબલ કયું વચન આપે છે એ વિશે વધુ જાણવા આ લેખ વાંચો, “આનેવાલા કલ સુનહરા હોગા!”
સોનેરી આશા જે તમને હમણાં મદદ કરશે
બાઇબલમાં જણાવેલી “આશા આપણા જીવન માટે લંગર જેવી છે.” (હિબ્રૂઓ ૬:૧૯) એ આશા આપણને મુશ્કેલીઓ સામે લડવા હિંમત આપે છે. એવી ખાતરી પણ આપે છે કે આપણાં બધાં દુઃખ દૂર થઈ જશે અને આપણે હંમેશાં ખુશ રહીશું. દાખલા તરીકે:
બાઇબલમાં આપેલી આશાથી એક વ્યક્તિને દારૂની લત છોડવા મદદ મળી. એ વિશે જાણવા મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો વીડિયો જુઓ.
જ્યારે આપણાં સગાં-વહાલાં કે મિત્રો ગુજરી જાય છે, ત્યારે બાઇબલમાં આપેલી આશા આપણને મદદ કરે છે. એ વિશે જાણવા શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન વીડિયો જુઓ.
તમારી આશા મજબૂત કરો
આજે લોકો અનેક વચનો આપે છે અને મનમાં આશા જગાડે છે. પણ એ વચનો પૂરાં થતાં નથી અને નિરાશા જ હાથ લાગે છે. પણ આપણે પૂરો ભરોસો કરી શકીએ કે ઈશ્વરનાં વચનો જરૂર પૂરાં થશે. કેમ? કારણ કે એ વચનો ખુદ યહોવા ઈશ્વરે a આપ્યાં છે જે “કદી જૂઠું બોલી શકતા નથી.” (તિતસ ૧:૨) ફક્ત યહોવા પાસે પોતાનાં વચનો પૂરાં કરવાની તાકાત છે. એ વચનોથી આપણી આશા મજબૂત થાય છે. શાસ્ત્રમાં ખાતરી આપી છે: “યહોવા જે ચાહે છે, એ બધું જ કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૫:૫, ૬.
અમે ચાહીએ છીએ કે બાઇબલની એ આશાથી તમને પણ મદદ મળે. એ માટે તમે પોતે “શાસ્ત્રવચનો” વાંચી શકો છો અને ‘ધ્યાનથી એની તપાસ કરી શકો છો.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧) તમે એ વિશે વધારે જાણી શકો છો. વિના મૂલ્યે ઈશ્વર પાસેથી શીખવા તમને યહોવાના સાક્ષીઓ મદદ કરશે. તો ચાલો ૨૦૨૩ની શરૂઆત એક સોનેરી આશાથી કરીએ!
a શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.