સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

 પ્રેરિત પાઉલે લખ્યું, “હું સારું કરવા ચાહું છું ત્યારે, મારું દિલ ખરાબ કરવા દોડી જાય છે.” (રોમનો ૭:૨૧) શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય, તો લાલચનો સામનો કરવા આ લેખથી મદદ મળશે.

 તમારે શું જાણવું જોઈએ?

 દોસ્તોની વાતોમાં આવીને કદાચ ખોટું કામ કરી બેસો. બાઇબલ કહે છે, “ખરાબ સંગત સારા સંસ્કારોને બગાડે છે.” (૧ કોરીંથીઓ ૧૫:૩૩, ફૂટનોટ) મીડિયા કે લોકોની વાતોથી મનમાં કદાચ ખોટી ઇચ્છાઓ જાગે અને તેઓની વાતોમાં આવીને તમે “ખોટું કામ” કરી બેસો.—નિર્ગમન ૨૩:૨.

 “લોકો આપણને પસંદ કરે અને દોસ્તી કરે, એ માટે આપણે કંઈ પણ કરવા થઈ જઈએ.”—જેરેમી.

 વિચારવા જેવું: બીજાઓ તમારા વિશે શું વિચારે છે એના પર વધારે ધ્યાન આપશો તો, લાલચનો સામનો કરવો અઘરું થઈ જશે.—નીતિવચનો ૨૯:૨૫.

 વાતનો સાર: લોકોની વાતોમાં આવીને પોતાના સંસ્કારો છોડી ન દો.

 તમે શું કરી શકો?

 તમારી માન્યતા અને સંસ્કારો વિશે વિચારો. જો ખબર નહિ હોય કે તમે શું માનો છો, તો લોકોના હાથની કઠપૂતળી બની જશો. બાઇબલમાં આપેલી આ સલાહ માનો: “બધી વસ્તુઓની પરખ કરો અને જે સારું છે એને વળગી રહો.” (૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧) એટલે જો તમારી માન્યતા અને સંસ્કારો તમે જાણતા હશો, તો લાલચનો સામનો કરી શકશો અને અડગ રહેશો.

 વિચારવા જેવું: ચારિત્ર શુદ્ધ રાખવાનાં યહોવાનાં ધોરણો તમારા ભલા માટે છે એવું તમે કેમ માનો છો?

 “મેં અનુભવ્યું છે કે ખોટું કરવાનું દબાણ આવે, તોપણ હું મારી માન્યતા અને સંસ્કારોને વળગી રહું છું ત્યારે લોકો મને માન આપે છે.”—કિંબર્લી.

 બાઇબલનો દાખલો: દાનિયેલ. તે હજુ યુવાન જ હતા ત્યારે તેમણે “પાકો નિર્ણય કર્યો હતો” કે તે ઈશ્વરના નિયમો પાળશે.—દાનિયેલ ૧:૮.

જો તમને ખબર નહિ હોય કે તમે શું માનો છો, તો તમે લોકોના હાથની કઠપૂતળી બની જશો

 પોતાની નબળાઈઓ પારખો. ‘યુવાનીમાં જાગતી ઇચ્છાઓ’ વિશે બાઇબલમાં જણાવ્યું છે. એટલે કે એવી ઇચ્છાઓ જે ખાસ કરીને યુવાનીમાં આપણા પર હાવી હોય છે. (૨ તિમોથી ૨:૨૨) જેમ કે, જાતીય ઇચ્છાઓ. લોકો આપણને પસંદ કરે, આપણા દોસ્ત બને એવી ઇચ્છા પણ થાય. એટલું જ નહિ, મમ્મી-પપ્પાની રોકટોક વગર પોતાની મરજીથી જિંદગી જીવવાનું મન થાય, પછી ભલે ને એ માટે તૈયાર ન હોઈએ.

 વિચારવા જેવું: બાઇબલ જણાવે છે કે “દરેક માણસ પોતાની ઇચ્છાઓથી લલચાય છે અને કસોટીમાં ફસાય છે.” (યાકૂબ ૧:૧૪) તમને કઈ ઇચ્છા કાબૂમાં રાખવી અઘરું લાગે છે?

 “ઈમાનદારીથી પોતાની પરખ કરો કે કઈ લાલચનો સામનો કરવો તમારા માટે અઘરું હોય છે. સંશોધન કરો કે કઈ રીતે એનો સામનો કરી શકો અને મહત્ત્વના મુદ્દા લખી લો. આમ ખોટી ઇચ્છાઓ ફરી તમારા મનમાં આવે ત્યારે એની સામે લડી શકશો.”—સીલ્વિયા.

 બાઇબલનો દાખલો: દાઉદ. દાઉદે ઘણી વાર પોતાની ખોટી ઇચ્છાઓને લીધે અને લોકોની વાતોમાં આવીને ખોટાં કામો કર્યાં. પણ તે પોતાની ભૂલોમાંથી શીખ્યા અને સારાં કામો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે યહોવાને પ્રાર્થના કરી, “મને શુદ્ધ હૃદય આપો, મને નવું, અડગ મન આપો.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૦.

 લાલચ સામે લડો. બાઇબલ જણાવે છે: “બૂરાઈ સામે હારી ન જાઓ.” (રોમનો ૧૨:૨૧) એનો અર્થ એ કે તમારે લાલચોના ગુલામ બનવાની જરૂર નથી. તમે સારાં કામો કરી શકો છો.

 વિચારવા જેવું: કોઈ તમને ખોટું કામ કરવાનું કહે અથવા તમને ખોટું કરવાનું મન થાય તો, કઈ રીતે એ લાલચ ઉપર કાબૂ મેળવી શકો?

 “હું વિચારું છું કે જો હું આ ખોટું કામ કરી લઈશ, તો મને કેવું લાગશે. શું મને સારું લાગશે? કદાચ હા, પણ થોડી વાર માટે. શું થોડા સમય પછી પણ મને સારું લાગશે? ના, મારું મન ડંખશે. તો પછી આવું કામ કરવાનો ફાયદો છે? ના, જરાય નહિ!”—સોફિયા.

 બાઇબલનો દાખલો: પાઉલ. તેમના મનમાં ખોટું કરવાની ઇચ્છાઓ આવી, તોપણ તે એની સામે લડ્યા. તેમણે લખ્યું: “હું મારા શરીરને કડક શિસ્ત આપું છું અને એને ગુલામ બનાવીને કાબૂમાં રાખું છું.”—૧ કોરીંથીઓ ૯:૨૭, ફૂટનોટ.

 વાતનો સાર:તમારા પર છે કે ખોટું કરવાની લાલચ આવે ત્યારે, તમે શું કરશો.

 યાદ રાખો, લાલચો પળ બે પળની હોય છે. ૨૦ વર્ષની મેલિસા કહે છે, “સ્કૂલમાં જે બાબતો મને લલચાવતી, એનાથી આજે હું નથી લલચાતી. એ યાદ રાખવાથી મને ખાતરી થાય છે કે આજની લાલચો તો પળ બે પળની છે અને એનો સામનો કરીશ તો ભાવિમાં મને એ વાતનો સંતોષ હશે.”