ઈસુ શા માટે મરણ પામ્યા?
શાસ્ત્રમાંથી જવાબ
ઈસુ મરણ પામ્યા જેથી માણસોને પાપોની માફી મળી શકે અને હંમેશ માટેનું જીવન મળી શકે. (રોમનો ૬:૨૩; એફેસીઓ ૧:૭) ઈસુના મરણથી એ પણ સાબિત થયું કે માણસો અઘરામાં અઘરી કસોટીમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે.—હિબ્રૂઓ ૪:૧૫.
ચાલો જોઈએ કે એક વ્યક્તિના મરણથી કઈ રીતે આ બધું શક્ય બન્યું.
૧. ઈસુ આપણાં “પાપોની માફી” માટે મરણ પામ્યા.—કોલોસીઓ ૧:૧૪.
પહેલા માણસ આદમને બનાવવામાં આવ્યો ત્યારે તેનામાં પાપ ન હતું, તન-મનની કોઈ ખામી ન હતી. પણ તેણે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું. એની અસર તેના બધા વંશજોને પણ થઈ. બાઇબલમાં જણાવ્યું છે કે “એક માણસે આજ્ઞા ન માની હોવાથી ઘણા લોકો પાપી ગણાયા.”—રોમનો ૫:૧૯.
ઈસુમાં પણ પાપ ન હતું, તેમણે ક્યારેય કોઈ ભૂલ કરી નહિ. એટલે તે આપણાં પાપ માટે “પ્રાયશ્ચિત્તનું બલિદાન” આપવા યોગ્ય હતા. (૧ યોહાન ૨:૨, ફૂટનોટ) આદમે આજ્ઞા ન પાળી એના લીધે બધા માણસોમાં પાપ આવ્યું, પણ ઈસુના બલિદાનને લીધે બધા માણસો પાપમાંથી છુટકારો મેળવી શકે છે. પણ એ માટે જરૂરી છે કે તેઓ ઈસુમાં શ્રદ્ધા મૂકે.
એક રીતે આદમે બધા માણસોને પાપની ગુલામીમાં વેચી દીધા. પણ ઈસુએ ખુશી ખુશી આપણા માટે પોતાનો જીવ આપી દીધો અને આપણને પાપની ગુલામીમાંથી છોડાવ્યા. એટલે “જો કોઈ પાપ કરે, તો આપણા માટે પિતા પાસે સહાયક છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે નેક છે.”—૧ યોહાન ૨:૧.
૨. ઈસુ મરણ પામ્યા જેથી ‘જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.’—યોહાન ૩:૧૬.
આદમને હંમેશ માટે જીવવા બનાવવામાં આવ્યો હતો. પણ તેણે પાપ કર્યું એટલે તેને મોતની સજા મળી. આદમથી “દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”—રોમનો ૫:૧૨.
પણ ઈસુના બલિદાનને લીધે પાપથી છૂટકારો મળે છે. એટલું જ નહિ, તેમનામાં શ્રદ્ધા મૂકનારાઓને મરણની સજાથી છૂટકારો મળે છે. એ વાત બાઇબલમાં આ રીતે સમજાવવામાં આવી છે: “જેમ પાપે મરણ સાથે રાજ કર્યું, તેમ અપાર કૃપા પણ નેકી દ્વારા રાજ કરે છે. પરિણામે, એ આપણને માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા હંમેશ માટેના જીવન તરફ દોરી જાય છે.”—રોમનો ૫:૨૧.
આજે માણસોનું જીવન પળ બે પળનું છે. પણ ઈશ્વર વચન આપે છે કે તે નેક લોકોને હંમેશાંનું જીવન આપશે. અરે, તે ગુજરી ગયેલાઓને પણ જીવતા કરશે, જેથી તેઓ ઈસુના બલિદાનથી મળતા આશીર્વાદોનો આનંદ માણી શકે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; ૧ કોરીંથીઓ ૧૫:૨૨.
૩. ઈસુ “મરણ સુધી વફાદાર રહ્યા” અને સાબિત કર્યું કે માણસો અઘરામાં અઘરા સંજોગોમાં કે આકરી કસોટીમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે.—ફિલિપીઓ ૨:૮.
આદમમાં તન-મનની કોઈ ખામી ન હતી, તોપણ તેણે ઈશ્વરની આજ્ઞા ન પાળી. તેણે સ્વાર્થી બનીને એવી વસ્તુની ઇચ્છા રાખી જે તેની ન હતી. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭; ૩:૬) પછીથી, ઈશ્વરના સૌથી મોટા દુશ્મન શેતાને દાવો કર્યો કે માણસો પોતાના સ્વાર્થ માટે ઈશ્વરની આજ્ઞા પાળે છે. તેણે એવો આરોપ પણ મૂક્યો કે માણસોનું જીવન જોખમમાં આવી પડે તો તેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાનું પડતું મૂકશે. (અયૂબ ૨:૪) ઈસુમાં પણ કોઈ ખામી ન હતી, તેમણે દરેક સંજોગોમાં ઈશ્વરની આજ્ઞા પાળી અને વફાદાર રહ્યા. તેમણે પીડાદાયક અને શરમજનક મોત પણ સહન કર્યું! (હિબ્રૂઓ ૭:૨૬) એનાથી સાબિત થઈ ગયું કે મનુષ્ય અઘરામાં અઘરા સંજોગોમાં પણ ઈશ્વરને વફાદાર રહી શકે છે.
ઈસુના મરણને લગતા અમુક સવાલો
માણસોને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવા ઈસુએ કેમ દુઃખો સહન કરીને મરવું પડ્યું? ઈશ્વર તો મરણનું નામનિશાન મિટાવી શકતા હતા, તો પછી તેમણે કેમ એવું ના કર્યું?
ઈશ્વરના નિયમ પ્રમાણે “પાપ જે મજૂરી ચૂકવે છે, એ મરણ છે.” (રોમનો ૬:૨૩) ઈશ્વરે આદમને પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો તે આજ્ઞા નહિ પાળે, તો તેને મરણની સજા થશે. (ઉત્પત્તિ ૩:૩) ઈશ્વર “કદી જૂઠું બોલી શકતા નથી,” એટલે આદમે પાપ કર્યું ત્યારે તેને ચોક્કસ મરણની સજા થઈ. (તિતસ ૧:૨) પછી આદમે પોતાના વંશજોને પાપની સાથે સાથે પાપની મજૂરી, એટલે કે મરણ પણ વારસામાં આપ્યું.
ખરું કે પાપી માણસો મોતની સજાને લાયક છે, પણ ઈશ્વરે તેઓ પર “અપાર કૃપા” કરી. (એફેસીઓ ૧:૭) માણસોને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરવા ઈશ્વરે ઈસુના ખામી વગરના બલિદાનની ગોઠવણ કરી. આ ગોઠવણથી દેખાઈ આવે છે કે તે અદ્દલ ન્યાય કરે છે અને દયાના સાગર છે.
ઈસુ ક્યારે મરણ પામ્યા?
યહૂદીઓ પાસ્ખાનો તહેવાર ઊજવતા હતા એ દિવસે સૂર્યોદયથી ‘નવમા કલાકે,’ એટલે કે બપોરના ત્રણેક વાગ્યે ઈસુ મરણ પામ્યા. (માર્ક ૧૫:૩૩-૩૭, ફૂટનોટ) આજના કેલેન્ડર પ્રમાણે એ તારીખ હતી: શુક્રવાર, ૧ એપ્રિલ, ઈસવીસન ૩૩.
ઈસુ ક્યાં મરણ પામ્યા?
ઈસુનું મરણ “ખોપરી તરીકે ઓળખાતી જગ્યાએ” થયું, જે “હિબ્રૂમાં ગલગથા કહેવાય છે.” (યોહાન ૧૯:૧૭, ૧૮) ઈસુના સમયમાં એ જગ્યા યરૂશાલેમ “શહેરના દરવાજા બહાર” હતી. (હિબ્રૂઓ ૧૩:૧૨) એ જગ્યા કદાચ એક ટેકરી પર હતી, કેમ કે બાઇબલમાં જણાવ્યું છે કે અમુક લોકો આખા બનાવને “દૂરથી” જોઈ રહ્યા હતા. (માર્ક ૧૫:૪૦) જોકે આજે ગલગથા ક્યાં આવેલું છે એ આપણે ચોક્કસ રીતે જાણતા નથી.
શું ઈસુને ક્રોસ પર મારી નાખવામાં આવ્યા હતા?
ઘણા લોકો માને છે કે ઈસુને ક્રોસ પર મારી નાખવામાં આવ્યા હતા. પણ બાઇબલમાં જણાવ્યું છે કે “લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં.” (૧ પિતર ૨:૨૪, ઓ.વી. બાઇબલ) ઈસુને શાના પર મારી નાખવામાં આવ્યા એ જણાવવા બાઇબલના લેખકોએ બે ગ્રીક શબ્દોનો ઉપયોગ કર્યો હતો: સ્ટાવરોસ અને ઝાઈલોન. ઘણા વિદ્વાનોનું માનવું છે કે એ શબ્દોનો અર્થ થાય છે, થાંભલો કે લાકડાનો બનેલો સ્તંભ.
ઈસુના મરણના દિવસને કેમ અને ક્યારે યાદ કરવો જોઈએ?
દર વર્ષે યહૂદીઓ પાસ્ખાનો તહેવાર ઊજવતા હતા. એ દિવસે ઈસુએ એક નાના પ્રસંગની શરૂઆત કરી અને આજ્ઞા આપી કે “મારી યાદમાં આ કરતા રહો.” (૧ કોરીંથીઓ ૧૧:૨૪) એ આજ્ઞા આપી એના થોડા કલાકો પછી તેમને મારી નાખવામાં આવ્યા.
બાઇબલના લેખકોએ ઈસુને પાસ્ખાના ઘેટા સાથે સરખાવ્યા, જેને ઇઝરાયેલીઓ પાસ્ખાના તહેવાર વખતે કાપતા હતા. (૧ કોરીંથીઓ ૫:૭) પાસ્ખાના તહેવારથી ઇઝરાયેલીઓને યાદ આવતું હતું કે તેઓને ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા હતા. એવી જ રીતે, ઈસુના મરણનો દિવસ યાદ કરવાથી ખ્રિસ્તીઓને અહેસાસ થાય છે કે તેઓને પાપ અને મરણની ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા છે. યહૂદીઓ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે નીસાન મહિનાની ૧૪મી તારીખે પાસ્ખાનો તહેવાર ઊજવતા હતા. એ તહેવાર વર્ષમાં એક જ વાર ઊજવવામાં આવતો હતો. શરૂઆતના ખ્રિસ્તીઓ પણ દર વર્ષે એ જ દિવસે ઈસુના મરણને યાદ કરવા ભેગા મળતા હતા.
આજે પણ લાખો લોકો એવું જ કરે છે. આપણા કેલેન્ડર પ્રમાણે નીસાન ૧૪ જે તારીખે આવે છે, એ તારીખે તેઓ ઈસુના મરણને યાદ કરવા ભેગા મળે છે.