શું ધૂમ્રપાન કરવું ખોટું છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં ધૂમ્રપાન a વિશે અથવા બીજી કોઈ રીતે તમાકુના સેવન વિશે કંઈ જણાવ્યું નથી. પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે એવી ગંદી અને શરીરને નુકસાન કરતી આદતોથી ઈશ્વરને સખત નફરત છે, તે એને પાપ ગણે છે. એટલે કહી શકીએ કે ધૂમ્રપાન કરવું ખોટું છે.
જીવન માટે કદર. ‘ઈશ્વર બધા મનુષ્યોને જીવન અને શ્વાસ આપે છે.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪, ૨૫) જીવન ઈશ્વર તરફથી ભેટ છે. સિગારેટ પીવા જેવી ખરાબ આદતોથી આપણું જીવન ટૂંકું થઈ શકે છે. એટલે આપણે એ બધાથી દૂર રહેવું જોઈએ. દુનિયા ફરતે ઘણા લોકો ધૂમ્રપાન કરવાને લીધે મરણ પામે છે. જો લોકો ધૂમ્રપાન કરવાનું છોડી દે, તો કેટલાયનું જીવન બચી જાય!
લોકો માટેનો પ્રેમ. “તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.” (માથ્થી ૨૨:૩૯) ધૂમ્રપાન કરવાથી આપણે લોકોને પ્રેમ નથી બતાવતા. જેઓ ધૂમ્રપાન કરતા નથી પણ ધૂમ્રપાન કરનારાઓની આસપાસ રહે છે, તેઓને એના ધુમાડાથી ઘણું નુકસાન થાય છે. તેઓને એવી અમુક બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે, જે મોટા ભાગે ધૂમ્રપાન કરનારાઓને થાય છે.
પવિત્ર રહેવું. “પોતાના શરીરનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો.” (રોમનો ૧૨:૧) “ચાલો આપણે તન-મનની દરેક પ્રકારની ગંદકી દૂર કરીને શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ડર રાખીને પૂરી રીતે પવિત્ર બનતા જઈએ.” (૨ કોરીંથીઓ ૭:૧) આપણાં ફેફસાં ધૂમ્રપાનનો ધુમાડો સહન કરી શકે એ રીતે બનાવવામાં આવ્યાં નથી. ધૂમ્રપાન કરનારા લોકો પવિત્ર રહી શકતા નથી, એટલે કે શારીરિક રીતે શુદ્ધ રહી શકતા નથી. કેમ કે તેઓ શરીરને નુકસાન કરે એવા પદાર્થ જાણીજોઈને લે છે.
મોજમજા માટે ગાંજો કે બીજાં ડ્રગ્સ લેવાં વિશે બાઇબલ શું કહે છે?
ચરસ-ગાંજો (મેરીજુઆના) કે પછી એનાં જેવાં બીજાં ડ્રગ્સ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. પણ એમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે એવી વસ્તુઓનો નશો કરવો ખોટું છે. ઉપર આપેલા સિદ્ધાંતોની સાથે સાથે આ સિદ્ધાંતો પણ લાગુ પડે છે:
સમજશક્તિ ન ગુમાવવી. ‘તું પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને પ્રેમ કર.’ (માથ્થી ૨૨:૩૭, ૩૮) “પૂરી સમજદારીથી વર્તો.” (૧ પિતર ૧:૧૩) ડ્રગ્સ લેવાથી એક વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે. ઘણા લોકો એના બંધાણી બની જાય છે. તેઓ બસ એનો જ વિચાર કર્યા કરે છે કે કઈ રીતે ડ્રગ્સ મેળવી શકે અને એનો ઉપયોગ કરી શકે. તેઓ સારી વાતો પર મન લગાડી શકતા નથી.—ફિલિપીઓ ૪:૮.
સરકારના કાયદા-કાનૂન પાળવા. ‘સરકારો અને અધિકારીઓને આધીન રહો.’ (તિતસ ૩:૧) ઘણા દેશોમાં અમુક ડ્રગ્સના ઉપયોગ વિશે કડક નિયમો છે. જો આપણે ઈશ્વરને ખુશ કરવા હોય તો અધિકારીઓએ બનાવેલા એ નિયમો પાળવા ખૂબ જરૂરી છે.—રોમનો ૧૩:૧.
a ધૂમ્રપાનમાં આનો સમાવેશ થાય છે: સિગારેટ, સિગાર, ચલમ અથવા હુક્કા દ્વારા તમાકુના ધુમાડાને શ્વાસમાં લેવો. જોકે છીંકણી સૂંઘવી, તમાકુ ચાવવી, નિકોટિનવાળી ઇલેક્ટ્રૉનિક સિગારેટ પીવી અને એના જેવી બીજી વસ્તુઓના સેવન કરવાને પણ આ સિદ્ધાંતો લાગુ પડે છે.