નાતાલ વિશે બાઇબલ શું કહે છે?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં ઈસુના જન્મની તારીખ લખવામાં આવી નથી. તેમ જ, તેમના જન્મદિવસની ઉજવણી કરવાનું પણ કહ્યું નથી. મૈક્લિંટૉક અને સ્ટ્રોંગ સાયક્લોપીડીયામાં જણાવ્યું છે: “નાતાલની શરૂઆત ઈશ્વરે કરી નથી અને નવા નિયમમાં પણ આ વિશે ક્યાંય જણાવ્યું નથી.”
એના બદલે જો આપણે નાતાલનો ઇતિહાસ જાણીશું તો ખબર પડશે કે ખ્રિસ્તી ન હોય એવા લોકોના ધર્મોના રિવાજોમાંથી નાતાલનો તહેવાર આવ્યો છે. બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર ચાહે છે એ પ્રમાણે તેમની ભક્તિ નહિ કરીએ તો, એનાથી ઈશ્વર ખુશ થશે નહિ.—નિર્ગમન ૩૨:૫-૭.
નાતાલના રિવાજોનો ઇતિહાસ
૧. ઈસુના જન્મદિવસની ઉજવણી: “શરૂઆતના ખ્રિસ્તીઓ [ઈસુનો] જન્મદિવસ મનાવતા ન હતા. કેમ કે તેઓ જાણતા હતા કે વ્યક્તિના જન્મદિવસની ઉજવણીનો રિવાજ ખ્રિસ્તીઓ ન હોય એવા લોકોએ શરૂ કર્યો હતો.”—ધ વર્લ્ડ બુક એનસાયક્લોપીડીયા.
૨. ૨૫ ડિસેમ્બર: ઈસુ એ તારીખે જન્મ્યા હતા, એની કોઈ સાબિતી નથી. ચર્ચના આગેવાનોએ એ તારીખ પસંદ કરી એનું એક કારણ કદાચ આ હોઈ શકે, એ તારીખે કે એના આસપાસના દિવસોમાં એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાઓમાં ખ્રિસ્તી ન હોય એવા લોકો પોતાના તહેવારો મનાવતા હતા.
૩. ભેટ આપવી, જમવા ભેગા થવું, મોજમજા કરવી: ધ એનસાયક્લોપીડીયા અમેરિકાનામાં લખ્યું છે, “રોમી લોકો ૧૫ ડિસેમ્બરની આસપાસ સેટરનેલિયા નામનો તહેવાર ઊજવતા હતા. એમાંથી જ નાતાલના મોટાભાગના રિવાજો આવ્યા છે, જેમાં ઘણી મોજમજા કરવામાં આવતી હતી. જેમ કે, મોટી મિજબાની રાખવી, ભેટ આપવી અને મીણબત્તીઓ સળગાવવી.” એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા જણાવે છે કે સેટરનેલિયા દરમિયાન “બધા જ કામ-ધંધા બંધ કરી દેવામાં આવતા હતા.”
૪. નાતાલની લાઈટો: ધ એનસાયક્લોપીડીયા ઑફ રીલિજ્યનના પ્રમાણે યુરોપના લોકો ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં પોતાના ઘરોને “લાઈટો અને અલગ અલગ પ્રકારના લીલાછમ ઝાડથી” શણગારતા હતા. એમ કરવા પાછળનો તેઓનો એક હેતુ દુષ્ટ આત્માઓને ભગાડવાનો પણ હતો.
૫. મિસલટો, હૉલી: “જૂના જમાનાના પૂજારી માનતા હતા કે મિસલટો ઝાડમાં જાદુઈ શક્તિ હોય છે. સૂર્ય ચોક્કસ પાછો આવશે એવો ભરોસો અપાવવા લીલાછમ ઝાડ હૉલીની પૂજા થતી હતી.”—ધ એનસાયક્લોપીડીયા અમેરિકાના.
૬. નાતાલનું ઝાડ [ક્રિસમસ ટ્રી]: “ખ્રિસ્તી ન હોય એવા યુરોપના લોકોમાં ઝાડની ભક્તિ કરવી, ઘણી સામાન્ય વાત હતી અને ખ્રિસ્તી બન્યા પછી પણ તેઓ આ રિવાજ પાળતા હતા.” “શિયાળામાં તહેવારો વખતે બારણા પાસે કે ઘરની અંદર યૂલનું ઝાડ રાખવું,” એ વાતને સાબિત કરે છે કે ઝાડની ભક્તિ કરવાનો રિવાજ હજી પણ પાળવામાં આવે છે.—એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા.