શું ઈશ્વરે શેતાનને બનાવ્યો હતો?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે શેતાનને નથી બનાવ્યો. પણ તેમણે એક સ્વર્ગદૂતને બનાવ્યો હતો જે પછીથી શેતાન બન્યો. ઈશ્વર વિશે બાઇબલમાં લખ્યું છે: “તેમનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે. તે વિશ્વાસુ ઈશ્વર છે, જે ક્યારેય અન્યાય કરતા નથી. તે ન્યાયી અને સાચા છે.” (પુનર્નિયમ ૩૨:૩-૫) આ કલમ પરથી જાણવા મળે છે કે પહેલાં શેતાનમાં કોઈ પાપ ન હતું અને ન્યાયી હતો. તે એક સ્વર્ગદૂત હતો.
યોહાન ૮:૪૪માં ઈસુએ કહ્યું કે શેતાન “સત્યમાં ટકી રહ્યો નહિ.” એ બતાવે છે કે શેતાન એક સમયે સારો હતો અને તેનામાં કોઈ બૂરાઈ ન હતી.
ઈશ્વરના બીજા સ્વર્ગદૂતોની જેમ શેતાન પાસે પણ સારું શું અને ખોટું શું એ પસંદગી કરવાની છૂટ હતી. પણ તેણે ઈશ્વરનો વિરોધ કરવાનું નક્કી કર્યું. તેણે પ્રથમ યુગલ આદમ અને હવાને પણ એમ કરવા ઉશ્કેર્યા. ઈશ્વરનો વિરોધ કરીને તે શેતાન બન્યો, જેનો અર્થ થાય “વિરોધી.”—ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯.